Viyahapannatti 979
Viyāhapannatti: ṭīkānusārī vivecana 979
- Language
- Gujarati
979
‘ભગવતી’ સૂત્ર-૬૫૫ થી ૬૫૭ :– [૧૫/–/૬૫૫ થી ૬૫૭]
[૬૫૫] ત્યારે શ્રમણ ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે શ્રાવસ્તી નગરીના કોષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને બાહ્ય જનપદોમાં વિહાર કરતા વિચરે છે. તે કાળે, તે સમયે મેંઢિકગ્રામનગર હતું, તેની બહાર ઈશાન-કોણમાં શાલકોષ્ઠક નામે ચૈત્ય હતું યાવત્ પૃથ્વી-શીલાપટ્ટક હતો. તે શાલકોષ્ઠક ચૈત્યની થોડે સમીપમાં એક મોટો માલુકા કચ્છ હતો. તે કૃષ્ણ, કૃષ્ણાવભાસ યાવત્ મહામેઘ સમાન હતો, પત્ર-પુષ્પ-ફળ-હરિતકથી લચકતો અને શ્રી વડે અતી શોભતો હતો.
તે મેંઢિક ગામનગરમાં રેવતી નામે ગાથાપત્ની રહેતી હતી, તે આઢ્ય યાવત્ અપરિભૂત હતી.
ત્યારે ભગવંત મહાવીર અન્ય કોઈ દિવસે પૂર્વાનુપૂર્વી વિચરતા યાવત્ મેંઢિકગ્રામનગરમાં શાલકોષ્ઠક ચૈત્યે પધાર્યા યાવત્ પર્ષદા પાછી ફરી.
ત્યારે ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાતંક પ્રાદુર્ભૂત થયો, ઉજ્જવલ યાવત્ દૂરધિસહ્ય પિતજ્વર પરિગત શરીરમાં દાહ વ્યાપ્ત થતાં યાવત્ વિચરે છે. તથા લોહી ઉક્ત ઝાળા પણ થયા. ચાતુર્વર્ણ લોકો કહેવા લાગ્યા - શ્રમણ ભગવંત મહાવીર, ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે પિત્તજ્વર ગ્રસ્ત શરીરમાં દાહથી પીડિત થઈને છદ્મસ્થપણે જ કાળ કરશે.
તે કાળે, તે સમયે ભગવંત મહાવીરના શિષ્ય સિંહ નામક અણગાર, જે પ્રકૃત્તિભદ્રક યાવત્ વિનીત હતા, તે માલૂકા કચ્છથી થોડે સમીપ નિરંતર છઠ્ઠ છઠ્ઠ તપોકર્મ સાથે બંને હાથ ઊંચા કરી વિચરતા હતા.
ત્યારે તે સિંહ અણગારને ધ્યાનાંતરિકામાં વર્તતા આ આવા પ્રકારનો યાવત્ સંકલ્પ ઉત્પન્ન થયો - ખરેખર, મારા ધર્માચાર્ય, ધર્મોપદેશક શ્રમણ ભગવંત મહાવીરના શરીરમાં વિપુલ રોગાતંક ઉત્પન્ન થયો છે, ઉજ્જવલ વેદના છે યાવત્ છદ્મસ્થપણે કાળ કરશે. અન્યતીર્થિકો કહેશે કે છદ્મસ્થપણે જ કાળધર્મ પામ્યા, આવા પ્રકારના મહા મનોમાનસિક દુઃખથી અભિભૂત થઈને આતાપના ભૂમિથી ઉતર્યા. ઉતરીને માલુકાકચ્છે આવ્યા, તેમાં પ્રવેશ્યા. પ્રવેશીને મોટા મોટા શબ્દોથી (અવાજથી) ‘કુહુકુહુ’ કરતાં (જોર-જોરથી) રડવા લાગ્યા.
હે આર્યો! એમ આમંત્રીને ભગવંત મહાવીરે શ્રમણનિર્ગ્રન્થોને આમંત્રીને આ પ્રમાણે કહ્યું – ખરેખર, હે આર્યો! મારા શિષ્ય સિંહ અણગાર પ્રકૃતિભદ્રક ઈત્યાદિ બધું કહેવું યાવત્ તે મોટેમોટેથી રડી રહ્યા છે તો હે આર્યો! જાઓ. તમે સિંહ અણગારને બોલાવો.
ત્યારે તે શ્રમણ નિર્ગ્રન્થો ભગવંત દ્વારા આમ કહેવાતા ભગવંતને વંદન-નમસ્કાર કર્યા. કરીને ભગવંત પાસેથી શાણકોષ્ઠ ચૈત્યથી નીકળ્યા, નીકળીને માલુકાકચ્છમાં સિંહ અણગાર પાસે આવ્યા. આવીને સિંહ અણગારને આમ કહ્યું – હે સિંહ! ધર્માચાર્ય તમને બોલાવે છે.
ત્યારે તે સિંહ અણગાર શ્રમણનિર્ગ્રન્થ સાથે માલુકાકચ્છથી નીકળ્યા. નીકળીને શાણ કોષ્ઠક ચૈત્યે ભગવંત મહાવીર પાસે આવ્યા. આવીને ભગવંતને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી યાવત્ પર્યુપાસના કરી. સિંહાદિને આમંત્રી ભગવંત મહાવીરે સિંહ અણગારને આમ કહ્યું – હે સિંહ! ધ્યાનાંતરિકામાં વર્તતા તને આવા પ્રકારનો યાવત્ તું રડવા લાગ્યો. હે સિંહ! આ અર્થ સમર્થ છે. હા,છે.
હે સિંહ! ગોશાલક મંખલિપુત્રના તપ-તેજથી પરાભૂત થઈને, છ માસને અંતે યાવત્ કાળ કરવાનો નથી. હું બીજા સાડા પંદર વર્ષ ગંધહસ્તિ માફક જિનરૂપે વિચરીશ. તો હે સિંહ! તું, મેંઢિક ગ્રામ નગરે રેવતી ગાથાપત્નીના ઘરે જા, ત્યાં રેવતીએ મારે માટે કોહલાના બે ફળ સંસ્કારિત કરેલા છે. તેનું મારે પ્રયોજન નથી, પરંતુ તેને ત્યાં માર્જારા નામક વાયૂપશાંતક બિજોરાપાક કાલે તૈયાર કરેલ છે તે લઈ આવ, મારે તેનું પ્રયોજન છે.
ત્યારે તે સિંહ અણગાર, શ્રમણ ભગવંત મહાવીરે આ પ્રમાણે કહેતા, હર્ષિત સંતુષ્ટ યાવત્ આનંદિત હૃદય થઈ શ્રમણ ભગવંતને વાંદી, નમી અત્વરિત-અચપળ-અસંભ્રાંતપણે મુહપત્તિ પડિલેહે છે. પછી ગૌતમસ્વામી માફક યાવત્ શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા, આવીને ભગવંત મહાવીરને વંદન, નમસ્કાર કરી, તેમની પાસેથી શાણ કૌષ્ઠક ચૈત્યથી નીકળ્યા, નીકળીને અત્વરિત યાવત્ મેંઢિકગ્રામ નગરે આવ્યા. આવીને મેંઢિકગ્રામ નગરની વચ્ચોવચ્ચ થઈને રેવતી ગાથાપત્નીનું ઘર હતું, ત્યાં આવીને તેણીના ઘરમાં પ્રવેશ્યા.
ત્યારે તે રેવતી ગાથાપત્ની સિંહ અણગારને આવતા જોઈને હર્ષિત, સંતુષ્ટ થઈને જલ્દીથી આસનથી ઉભી થઈ, પછી સિંહ અણગાર પ્રતિ સાત-આઠ પગલાં સામે ગઈ, જઈને તેમને ત્રણ વખત આદક્ષિણ પ્રદક્ષિણા કરી, વંદન-નમસ્કાર કરી આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિય! આજ્ઞા કરો. આપના આગમનનું પ્રયોજન જણાવો.
ત્યારે સિંહ અણગારે રેવતી ગાથાપત્નીને આમ કહ્યું કે – હે દેવાનુપ્રિય! તમે ભગવંત મહાવીર માટે બે કોહલાના ફળ સંસ્કારિત કરેલ છે, તેનું પ્રયોજન નથી. પરંતુ માર્જર વાયુ ઉપશાંતક બિજૌરાપાક તૈયાર કરેલ છે, તેનું મારે પ્રયોજન છે.
ત્યારે તે રેવતી ગાથાપત્નીએ સિંહ અણગારને આમ કહ્યું – એવા કોણ જ્ઞાની કે તપસ્વી છે, જેણે તમને આ અર્થ કહ્યો અને મારા અંતરનું રહસ્ય જલ્દી બતાવી દીધું કે જેથી તમે આ જાણો છો? ત્યારે સ્કંદકના વર્ણન સમાન સિંહ અણગારે કહ્યું યાવત્ હું જાણું છું.
ત્યારે સિંહ અણગાર પાસે આ વાત સાંભળી, અવધારી રેવતી ગાથાપત્ની હર્ષિત, સંતુષ્ટ થઈને, રસોઈ ગૃહમાં આવી, આવીને વાસણ ખોલ્યુ, ખોલીને સિંહ અણગાર પાસે આવી, આવીને સિંહ અણગારના પાત્રમાં, તે બધો બિજૌરાપાક સમ્યક્ પ્રકારે વહોરાવ્યો.
રેવતી ગાથાપત્નીએ તે દ્રવ્યશુદ્ધિથી યાવત્ દાનથી સિંહ અણગારને પ્રતિલાભિત કરતાં દેવાયુ બાંધ્યું. જેમ વિજય ગાથાપતિ યાવત્ રેવતી ગાથાપત્નીનો જન્મ અને જીવિત સફળ છે (૨).
ત્યારે તે સિંહ અણગાર રેવતી ગાથાપત્નીના ઘેરથી નીકળ્યા. નીકળીને મેંઢિક ગ્રામનગરની વચ્ચોવચ્ચથી નીકળ્યા, નીકળીને ગૌતમસ્વામીની માફક યાવત્ ભોજન-પાન દેખાડ્યા. દેખાડીને શ્રમણ ભગવંત મહાવીરના હાથમાં સમ્યક્ પ્રકારે રાખી દીધો.
ત્યારે શ્રમણ ભગવંત મહાવીરે અમૂર્ચ્છિત યાવત્ અનાસક્ત રહીને જેમ બિલમાં સર્પ પ્રવેશે તેમ તે આહારને પોતાના શરીરરૂપી કોઠામાં પ્રક્ષેપ્યો. ત્યારે ભગવંતને તે આહાર કર્યા પછી તે વિપુલ રોગાતંક જલ્દીથી ઉપશાંત થઈ ગયો. તેઓ હર્ષિત યાવત્ રોગરહિત, બલિષ્ઠ શરીરી થઈ ગયા. તેનાથી શ્રમણો સંતુષ્ટ થયા, શ્રમણીઓ સંતુષ્ટ થયા, શ્રાવક-શ્રાવિકાઓ સંતુષ્ટ થયા, દેવ-દેવીઓ સંતુષ્ટ થયા. દેવ-મનુષ્ય અસુર સહિત લોક સંતુષ્ટ, હર્ષિત થયો. કેમકે ભગવંત હૃષ્ટ થયા.
[૬૫૬] ભગવન્! એમ સંબોધન કરી, ગૌતમસ્વામીએ શ્રમણ ભગવંત મહાવીરને વંદન-નમસ્કાર કરીને કહ્યું – હે દેવાનુપ્રિય! આપના શિષ્ય પ્રાચીન જાનપદી સર્વાનુભૂતિ નામક અણગાર જે પ્રકૃતિ ભદ્રક યાવત્ વિનિત હતા, ભગવન્! તે ત્યારે ગોશાલકમંખલિપુત્રના તપ-તેજથી ભસ્મરાશિ કરાયા પછી ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા?
હે ગૌતમ! મારા શિષ્ય પ્રાચીન જાનપદી, સર્વાનુભૂતિ નામે અણગાર, જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા, તે ત્યારે ગૌશાળા દ્વારા ભસ્મરાશિ કરાયા પછી, ઊંચે ચંદ્ર-સૂર્ય યાવત્ બ્રહ્મલોક-લાંતક-મહાશુક્ર કલ્પ ઓળંગીને સહસ્રાર કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા છે. ત્યાં કેટલાંક દેવોની ૧૮ સાગરોપમ સ્થિતિ છે, ત્યાં સર્વાનુભૂતિની દેવની પણ ૧૮ સાગરોપમ સ્થિતિ છે. તે સર્વાનુભૂતિ દેવ તે દેવલોકથી આયુ-ભવ-સ્થિતિ ક્ષય પછી યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે.
એ પ્રમાણે આપ દેવાનુપ્રિયના શિષ્ય કૌશલ જાનપદી સુનક્ષત્ર નામક અણગાર જે પ્રકૃતિભદ્રક યાવત્ વિનીત હતા. હે ભગવન્! તે ત્યારે ગોશાલક મંખલિપુત્રના તપથી પરિતાપિત થઈને કાળમાસે કાળ કરીને ક્યાં ગયા? ક્યાં ઉત્પન્ન થયા?
હે ગૌતમ! મારા શિષ્ય સુનક્ષત્ર અણગાર૦ - X - હતા. તે ગોશાળાના તપ તેજથી પરિતાપિત થઈને મારી પાસે આવ્યા. આવીને વાંદી, નમીને સ્વયં જ પાંચ મહાવ્રત આરોપી, પછી શ્રમણ-શ્રમણીને ખમાવીને આલોચના પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ કાળ માસે કાળ કરી ઊંચે ચંદ્ર-સૂર્ય યાવત્ આનત-પ્રાણત આરણ કલ્પને ઓળંગીને અચ્યુત કલ્પમાં દેવપણે ઉત્પન્ન થયા. ત્યાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ કહી છે, ત્યાં સુનક્ષત્ર દેવની પણ બાવીશ સાગરોપમ સ્થિતિ હતી. બાકી સર્વાનુભૂતિ૦ યાવત્ અંત કરશે.
[૬૫૭] એ પ્રમાણે આપ દેવાનુપ્રિયનો અંતેવાસી કુશિષ્ય ગોશાલક મંખલિપુત્ર હતો. હે ભગવન્! તે ગોશાલક કાળ માસે કાળ કરીને ક્યાં ગયો? ક્યાં ઉત્પન્ન થયો? હે ગૌતમ! મારો અંતેવાસી કુશિષ્ય ગોશાલ નામક મંખલિપુત્ર, શ્રમણ ઘાતક યાવત્ છદ્મસ્થપણે કાળમાસે કાળ કરી ચંદ્રથી ઉપર યાવત્ અચ્યુત કલ્પે દેવપણે ઉત્પન્ન થયો. ત્યાં કેટલાંક દેવોની બાવીશ સાગરોપમ સ્થિતિ છે, ગોશાલક દેવની પણ ત્યાં બાવીશ સાગરોપમની સ્થિતિ થઈ.
ભગવન્! તે ગોશાલક દેવ તે દેવલોકથી આયુક્ષયાદિ પછી યાવત્ ક્યાં ઉપજશે? ગૌતમ! આ જંબૂદ્વીપના ભરત ક્ષેત્રમાં વિંધ્ય ગિરિના પાદમૂલમાં પુંડ્ર જનપદમાં શતદ્વાર નગરમાં સંમુતિ રાજાની ભદ્રા નામે રાણીની કુક્ષીમાં પુત્રરૂપે ઉત્પન્ન થશે. તે ત્યાં નવ માસ પ્રતિપૂર્ણ થતાં યાવત્ વીત્યા બાદ યાવત્ સુરૂપ બાળકરૂપે જન્મ લેશે. જે રાત્રિએ તે બાળક જન્મશે, તે રાત્રિએ શતદ્વાર નગરમાં અંદર અને બહાર ભાર પ્રમાણ, કુંભ પ્રમાણ પદ્મ અને રત્નોની વર્ષા થશે.
ત્યારે તે બાળકના માતા-પિતા ૧૧-મો દિવસ વીત્યા પછી યાવત્ બારમાં દિવસે આવા પ્રકારે ગૌણ, ગુણ નિષ્પન્ન નામ કરશે. જ્યારથી આ બાળકનો જન્મ થયો, શતદ્વાર નગરની અંદર-બહાર યાવત્ રત્નોની વૃષ્ટિ થઈ, તેથી અમારા આ બાળકનું નામ મહાપદ્મ થાઓ. ત્યારે તે બાળકના માતાપિતાએ તેનું નામ મહાપદ્મ રાખ્યું. ત્યારે તે મહાપદ્મ બાળકના માતાપિતાએ સાતિરેક આઠ વર્ષનો થયેલો જાણીને શોભન તિથિ, કરણ, દિવસ, નક્ષત્ર, મુહૂર્ત્તમાં ઘણાં મોટા રાજ્યાભિષેકથી અભિષિક્ત કરશે તે ત્યાં રાજા થશે, તે મહાહિમવંતાદિ રાજા થઈ૦ યાવત્ વિચરશે.
ત્યારે તે મહાપદ્મ રાજા અન્ય કોઈ દિવસે મહર્દ્ધિક યાવત્ મહાસૌખ્ય બે દેવો સેનાકર્મ કરશે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર. તે જોઈને શતદ્વાર નગરના ઘણાં રાજા, ઈશ્વર, તલવર યાવત્ મહાસૌખ્ય દેવ સેનાકર્મ કરે છે. (તે જોઈને) યાવત્ સાર્થવાહ આદિ એકબીજાને બોલાવીને આ પ્રમાણે કહેશે – હે દેવાનુપ્રિયો! જે કારણથી આપણા મહાપદ્મ રાજાને મહર્દ્ધિક એવા બે દેવો યાવત્ સેનાકર્મ કરે છે - પૂર્ણભદ્ર અને માણિભદ્ર, તેથી હે દેવાનુપ્રિયો! આપણા મહાપદ્મ રાજાનું બીજું નામ દેવસેન થાઓ.
ત્યારે મહાપદ્મ રાજાનું બીજું નામ ‘દેવસેન’ થશે.
ત્યારે તે દેવસેન રાજાને અન્ય કોઈ દિવસે શંખતલ સમાન વિમલ, ચાર દાંતવાળો હસ્તિરત્ન ઉત્પન્ન થશે. ત્યારે તે દેવસેન રાજા તે શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તીરત્ન ઉપર આરૂઢ થઈને શતદ્વાર નગરની વચ્ચોવચ્ચથી વારંવાર આવશે-જશે ત્યારે શતદ્વાર નગરમાં ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સર્વે એકબીજાને બોલાવીને પરસ્પર કહેશે કે હે દેવાનુપ્રિયો! જેથી આપણો દેવસેન રાજા શંખતલ સમાન વિમલ, ચતુર્દન્ત હસ્તિ ઉત્પન્ન થયો છે, તેથી હે દેવાનુપ્રિયો! આપણા દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થાઓ, ત્યારથી તે દેવસેન રાજાનું ત્રીજું નામ વિમલવાહન થશે.
ત્યારે તે વિમલવાહન રાજા અન્ય કોઈ દિવસે શ્રમણનિર્ગ્રન્થ પ્રત્યે મિથ્યાત્વને અંગીકૃત્ કરશે. તે કેટલાંક શ્રમણો પ્રત્યે આક્રોશ કરશે, કેટલાંકનો ઉપહાસ કરશે, કેટલાંકને એકમેકથી અલગ કરશે, કેટલાંકની ભર્ત્સના કરશે, કેટલાંકને બાંધશે, કેટલાંકને નિરુંભશે, કેટલાંકનો અંગચ્છેદ કરશે, કેટલાંકને મારશે, વસ્ત્ર-પાત્ર-કંબલ-પાદ પ્રૌંછનકને છિન્નભિન્ન કરશે - નાશ કરશે - અપહરણ કરશે, કેટલાંકના ભોજન-પાનનો વિચ્છેદ કરશે, કેટલાંકને નિર્નગર કરશે, કેટલાંકને નિર્વાસિત કરશે.
ત્યારે શતદ્વાર નગરમાં ઘણા રાજા, ઈશ્વર યાવત્ કહેશે - હે દેવાનુપ્રિયો! વિમલવાહન રાજા શ્રમણ નિર્ગ્રન્થ પ્રતિ મિથ્યાત્વ-વાસિત થઈને કેટલાંક શ્રમણાદિ પ્રત્યે આક્રોશ કરે છે યાવત્ નિર્વાસિત કરે છે. હે દેવાનુપ્રિયો! તે આપણે માટે શ્રેયસ્કર નથી, તે વિમલ-વાહન રાજા માટે પણ શ્રેયસ્કર નથી, તે રાજ્ય-રાષ્ટ્ર-સૈન્ય-વાહન-પુર-અંતઃપુર કે જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે જે આ વિમલવાહન રાજા શ્રમણ-નિર્ગ્રન્થો પ્રત્યે મિથ્યાત્વી થયો છે. હે દેવાનુપ્રિયો! તો શ્રેયસ્કર છે કે આપણે વિમલવાહન રાજાને આ વિષયમાં વિનયપૂર્વક કહીએ.
આ પ્રમાણે વિચારી એકબીજાની પાસે આ અર્થને સ્વીકારીને વિમલવાહન રાજા પાસે જશે, જઈને બે હાથ જોડી, વિમલવાહન રાજાને જય વિજય વડે વધાવીને એમ કહેશે – હે દેવાનુપ્રિય! શ્રમણ નિર્ગ્રન્થો પ્રતિ આપ મિથ્યાત્વી થયા છો. કેટલાંક પર આપ આક્રોશ કરો છો યાવત્ કેટલાંકને આપ નિર્વાસિત કરો છો, હે દેવાનુપ્રિય! તે આપના કે અમારા માટે શ્રેયસ્કર નથી, રાજ્ય, રાષ્ટ્ર યાવત્ જનપદ માટે પણ શ્રેયસ્કર નથી કે આપ દેવાનુપ્રિય શ્રમણ નિર્ગ્રન્થ પ્રતિ અનાર્યત્વ સ્વીકારો. હે દેવાનુપ્રિય! આપ આ અકાર્યથી અટકો.
ત્યારે તે વિમલવાહન રાજા, તે ઘણાં રાજા, ઈશ્વર યાવત્ સાર્થવાહ આદિ વિનયપૂર્વક કહેશે, ત્યારે ‘ધર્મ કંઈ નથી, તપ મિથ્યા છે’ એવી બુદ્ધિ છતાં મિથ્યા વિનય બતાવી આ વાતને સ્વીકારી લેશે.
તે શતદ્વાર નગરની બહાર ઈશાન ખૂણામાં સુભૂમિભાગ નામે ઉદ્યાન હશે. તે સર્વઋતુક૦ આદિ હશે.
તે કાળે, તે સમયે વિમલ અરહંતના પ્રશિષ્ય સુમંગલ નામે અણગાર, જાતિસંપન્નાદિ ધર્મઘોષ અણગાર સમાન હશે યાવત્ તેઓ સંક્ષિપ્ત-વિપુલ તેજોલેશ્યાવાળા, ત્રણ જ્ઞાન વડે યુક્ત હશે. તેઓ સુભૂમિભાગ ઉદ્યાનની કંઈક સમીપે નિરંતર છઠ્ઠ-છઠ્ઠ તપ કરતા યાવત્ આતાપના લેતા વિચરશે.
ત્યારે અન્ય કોઈ દિવસે તે વિમલવાહન રાજા રથચર્યા કરવા નીકળશે. ત્યારે તે સુભૂમિભાગ ઉદ્યાનની કંઈક સમીપથી રથચર્યા કરતા નિરંતર છઠ્ઠ છઠ્ઠના તપપૂર્વક યાવત્ આતાપના લેતા સુમંગલ અણગારને જોશે. જોઈને ક્રોધિત થઈ યાવત્ ધમધમતો, સુમંગલ અણગારને રથશિર વડે પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલવાહન રાજા દ્વારા રથશિર વડે પાડી દેવાતા, ધીમે ધીમે ઉઠ્યા, ઉઠીને ફરી બીજી વખત ઊંચા હાથ રાખીને યાવત્ આતાપના લેતા વિચરવા લાગશે.
ત્યારે તે રાજા, સુમંગલ અણગારને બીજી વખત પણ રથના અગ્રભાગથી પાડી દેશે, ત્યારે તે સુમંગલ મુનિ, વિમલવાહને બીજી વખત પાડી દીધા પછી પણ ધીમે ધીમે ઉઠી જશે, ઉઠીને અવધિજ્ઞાન પ્રયોજશે, પછી વિમલવાહન રાજાનો ભૂતકાળ અવધિજ્ઞાનથી જોશે. જોઈને રાજાને એમ કહેશે કે – તું વિમલવાહન રાજા નથી, તું દેવસેન કે મહાપદ્મ પણ નથી, તું આજથી પૂર્વે ત્રીજા ભવમાં ગોશાલક નામે મંખલિપુત્ર હતો, શ્રમણઘાતક યાવત્ છદ્મસ્થપણે મૃત્યુ પામેલ.
તે સમયે સર્વાનુભૂતિ અણગાર સમર્થ હોવા છતાં (તારો અપરાધ) સમ્યક્ પ્રકારે સહેલ, ખમેલ, તિતિક્ષેલ, અધ્યાસિત કરેલ. એ પ્રમાણે ત્યારે સુનક્ષત્ર અણગારે પણ યાવત્ અધ્યાસિત કરેલ. જે સમયે શ્રમણ ભગવંત મહાવીરે પણ સમર્થ હોવા છતાં યાવત્ અધ્યાસિત કરેલ. પરંતુ હું તે પ્રમાણે સહન યાવત્ અધ્યાસિત કરીશ નહીં. હું તને મારા તપ-તેજથી તારા ઘોડા, રથ, સારથિ સહિત એક જ પ્રહારમાં કૂટાઘાત સમાન ભસ્મરાશિ કરી દઈશ.
ત્યારે તે વિમલવાહન રાજા, સુમંગલ અણગારને આમ કહેતા સાંભળીને ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતો, સુમંગલ અણગારને ત્રીજી વખત રથના અગ્રભાગથી પાડી દેશે. ત્યારે તે સુમંગલ અણગાર, વિમલ-વાહન રાજાએ ત્રીજી વખત પાડી દેતા ક્રોધિત થઈ યાવત્ દાંત કચકચાવતા આતાપના ભૂમિથી ઉતરશે, ઉતરીને તૈજસ સમુદ્ઘાતથી સમવહન થઈને સાત-આઠ ડગલાં પાછા ખસશે, ખસીને વિમલવાહન રાજાને ઘોડા-રથ-સારથિ સહિત પોતાના તપ-તેજથી ભસ્મરાશિ કરી દેશે.
ભગવન્! સુમંગલ અણગાર વિમલવાહન રાજાને ઘોડા સહિત યાવત્ ભસ્મરાશિ કરીને ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! સુમંગલ અણગાર - X - ત્યારપછી ઘણાં ઉપવાસ, છઠ્ઠ, અઠ્ઠમ, દશમ, બારસ યાવત્ વિચિત્ર તપકર્મોથી પોતાના આત્માને ભાવિત કરતાં ઘણાં વર્ષો શ્રામણ્ય પર્યાય પાળશે, પાળીને માસિકી સંલેખના કરી ૬૦ ભક્તોને અનશન વડે યાવત્ છેદીને, આલોચના-પ્રતિક્રમણ કરીને સમાધિ પ્રાપ્ત થઈ ચંદ્રથી પણ ઊંચે યાવત્ ૧૦૦ ગ્રૈવેયક વિમાનાવાસ ઓળંગી સર્વાર્થસિદ્ધ મહાવિમાનમાં દેવપણે ઉપજશે. ત્યાં દેવોની અજઘન્ય-ઉત્કૃષ્ટ ૩૩-સાગરોપમની સ્થિતિ હોય છે, ત્યાં સુમંગલદેવની પણ અજઘન્યોત્કૃષ્ટ ૩૩-સાગરોપમની સ્થિતિ થશે.
તે સુમંગલ દેવ તે દેવલોકથી ચ્યવી યાવત્ મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્ દુઃખોનો અંત કરશે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit