Pramāṇa · Search · About · API

Mahanisiha 222

Mahānisīha: ṭīkānusārī vivecana 222

Language
Gujarati

222

‘મહાનિશીથ’ સૂત્ર-૪૯૪ :– [૩/–/૪૯૪]
ભગવન્‌! શું આ ચિંતામણી કલ્પવૃક્ષ સમાન પંચમંગલ મહાશ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલા છે? હે ગૌતમ! આ અચિંત્ય ચિંતામણી કલ્પવૃક્ષ સમ મનોવાંછિત પૂર્ણ કરનાર શ્રુતસ્કંધના સૂત્ર અને અર્થ પ્રરૂપેલ છે. તે આ રીતે– જેમ તલમાં તેલ, કમલમાં મકરંદ, સર્વલોકમાં પંચાસ્તિકાય વ્યાપીને રહેલા છે, તેમ આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ વિશે સમગ્ર આગમમાં યથાર્થ ક્રિયા વ્યાપીને રહેલા છે. સર્વભૂતોના ગુણો-સ્વભાવોનું કથન કરેલું છે. તે પરમ સ્તુતિ કોની? આ સર્વ જગતમાં જે કોઈ ભૂતકાળ કે ભવિષ્યકાળમાં ઉત્તમ થયા હોય તે સર્વે સ્તુતિ કરવા યોગ્ય છે. તેવા સર્વોત્તમ અને ગમવાળા હોય તો માત્ર અરહંતાદિ પાંચ જ છે. તે સિવાય કોઈ સર્વોત્તમ નથી. તેઓ – અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુઓ છે. આ પંચ પરમેષ્ઠિઓમાં યથાર્થ ગુણસદ્ભાવ હોય તો આ પ્રમાણે જણાવેલો છે–
(૧) મનુષ્યો, દેવો, અસુરોવાળા આ સર્વ જગતને આઠ મહાપ્રાતિહાર્યો આદિના પૂજાતિશયથી ઓળખાતા અસાધારણ, અચિંત્ય પ્રભાવ વાળા, કેવળજ્ઞાન પામેલા, શ્રેષ્ઠ ઉત્તમતાને વરેલા હોવાથી અરહંત. (૨) સર્વકર્મ ક્ષય પામેલા હોવાથી ભવાંકુર સમગ્રપણે બળી ગયેલ હોવાથી ફરી તેમને આ સંસારમાં ઉત્પન્ન થવાનું નથી. તેથી અરુહંત. (૩) અતિ દુઃખ કરી જેના ઉપર જીત મેળવી શકાય તેવા સમગ્ર આઠે કર્મશત્રુઓને નિર્મથન કરી હણી નાંખ્યા છે, નિર્દલન કરી નાંખ્યા છે, અંત કર્યો છે, પરાભવ કર્યો છે, તે કારણે તેઓ અરિહંત કહેવાય છે. આ રીતે અરહંત ની અનેક પ્રકારે વ્યાખ્યા કરાય છે. પ્રજ્ઞાપના કરાય છે. પ્રરૂપણા કરાય છે. કહેવાય છે. ઉપદેશાય છે.
તથા સિદ્ધ ભગવંતો પરમાનંદ મહોત્સવમાં મહાલતા, મહાકલ્યાણને પામેલા, નિરૂપમ સુખને ભોગવતા, નિષ્કંપ શુક્લ ધ્યાનાદિના અચિંત્ય સામર્થ્યથી, સ્વજીવ વીર્યથી યોગ નિરોધ કરવા રૂપ મહાપ્રયત્નથી જેઓ સિદ્ધ થયેલા છે. અથવા તો આઠ પ્રકારનો કર્મક્ષય થવાથી જેમણે સિદ્ધપણાની સાધના કરી છે, એવા સિદ્ધ ભગવંતો કે શુક્લ ધ્યાનરૂપી અગ્નિથી બાંધેલા કર્મો ભસ્મીભૂત કરીને જે સિદ્ધ થાય છે. તેવા સિદ્ધ ભગવંતો, સિદ્ધ કર્યા છે – પૂર્ણ થયાં છે – રહિત થયાં છે સમગ્ર પ્રયોજન સમૂહ જેઓને એવા સિદ્ધ ભગવંતો. તેઓ સ્ત્રી-પુરુષ-નપુંસક લિંગે યાવત્‌ સ્વયંબુદ્ધાદિપણે કર્મક્ષય કરીને સિદ્ધ થયા. એમ અનેક પ્રકારે સિદ્ધોની પ્રરૂપણા કરાય છે.
૧૮,૦૦૦ શીલાંગોએ આશ્રય કરેલા દેહવાળા ૩૬ ભેદે જ્ઞાનાદિ આચારને નિરંતર આચરનારા હોવાથી તેથી આચાર્ય. સર્વે સત્ત્વો તેમજ શિષ્ય-સમુદાયનું હિત આચરનારા હોવાથી આચાર્ય પ્રાણના ત્યાગમાં પણ પૃથ્વીકાયાદિ જીવોનો સમારંભ આચરે. આરંભને ન અનુમોદે, કોઈએ મોટો અપરાધ કરેલો હોય તો પણ તેમના ઉપર મનથી પણ પાપ ન આચરે તે આચાર્ય કહેવાય છે. આ રીતે નામ સ્થાપનાદિ અનેક ભેદોથી પ્રરૂપિત છે.
સારી રીતે આશ્રવ દ્વારોને બંધ કરેલા, મન-વચન-કાયાના સુંદર યોગમાં ઉપયોગવાળા, વિધિપૂર્વક સ્વર, વ્યંજન, માત્રા, બિંદુ, પદ, અક્ષરથી વિશુદ્ધ બાર અંગો - શ્રુતજ્ઞાન ભણનાર અને ભણાવનારા તથા બીજાના અને પોતાના મોક્ષ ઉપાય જેઓ વિચારે છે તે ઉપાધ્યાય. સ્થિર પરીચિત કરેલ અનંતગમ પર્યાય વસ્તુ સહિત દશાંગી અને શ્રુતજ્ઞાન એકાગ્ર મનથી ચિંતવે, સ્મરણ કરે, ધ્યાન કરે તે ઉપાધ્યાય.
અત્યંત કષ્ટવાળા, ઉગ્ર-ઉગ્રતર ઘોર તપ અને ચારિત્રવાળા, અનેક વ્રત-નિયમ, ઉપવાસ, વિવિધ અભિગ્રહ, સંયમપાલન, સમતા સહિત પરીષહ-ઉપસર્ગ સહન કરનારા, સર્વદુઃખ રહિત મોક્ષની સાધના કરનારા તે સાધુ ભગવંત કહેવાય.
આ પાંચેને કરેલો નમસ્કાર શું કરશે? જ્ઞાનાવરણીય આદિ સર્વ પાપકર્મ વિશેષનો દરેક દિશામાં નાશ કરે. આ પદ ચૂલિકામાં પહેલો ઉદ્દેશો કહેવાય – ‘એસો પંચ નમુક્કારો - સવ્વપાવપ્પણાસણો.’ આ ઉદ્દેશો કેવા પ્રકારનો છે? ‘મંગલાણં ચ સવ્વેસિં પઢમં હવઈ મંગલં’ તેમાં ‘મંગલ’ શબ્દનો અર્થ નિર્વાણસુખ થાય છે. તેવા મોક્ષસુખને સાધી આપવામાં સમર્થ એવા સમ્યગ્‌દર્શનાદિ સ્વરૂપવાળો, અહિંસા લક્ષ ધર્મ જે મને લાવી આપે તે મંગ. અથવા મને ભવ-સંસારથી ગાળે-તારે તે મંગલ. અથવા બદ્ધ, સ્પૃષ્ટ, નિકાચિત એવા આઠે પ્રકારના મારા કર્મસમૂહને જે ગાળે-નાશ પમાડે તે મંગલ.
આ મંગલ અને બીજા સર્વ મંગલોમાં શો તફાવત છે? પહેલાં આદિમાં અરિહંતની સ્તુતિ એ જ મંગલ છે. આ અર્થ સંક્ષેપ થકી કહ્યો, વિસ્તૃત અર્થ આ પ્રમાણે – તે કાળે, તે સમયે હે ગૌતમ! જેનો શબ્દાર્થ આગળ કહેવાયો છે, એવા જે કોઈ ધર્મ તીર્થંકર થાય છે, તેઓ પૂજ્યોના પણ વિશેષ પૂજ્ય હોય છે. કેમકે તે સર્વે અહીં આગળ જણાવીશું તેવા લક્ષણોથી યુક્ત હોય છે.
અચિંત્ય, અપ્રમેય, નિરૂપમ, અતુલ્ય, શ્રેષ્ઠ-શ્રેષ્ઠતર એવા ગુણસમૂહથી અધિષ્ઠિત હોવાના કારણે, ત્રણે લોકના અતિ મહાન મનના આનંદને ઉત્પન્ન કરનારા છે. લાંબા ગ્રીષ્મકાળના તાપથી સંતપ્ત મયુરોને જેમ પ્રથમ વર્ષાધારાનો સમૂહ શાંતિ પમાડે, તેમ અનેક જન્માંતરોમાં ઉપાર્જિત મહાપુન્ય સ્વરૂપ તીર્થંકર નામકર્મના ઉદયથી અરિહંતો ઉત્તમ હિતોપદેશ થકી સજ્જડ રાગ, દ્વેષ, મોહ, મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ, સંક્લિષ્ટ પરિણામાદિ બદ્ધ અશુભ ઘોર પાપકર્મોથી થતાં ભવ્ય જીવોના સંતાપનો નાશ કરનારા હોય છે.
સર્વને જાણનાર હોવાથી સર્વજ્ઞ છે. અનેક જન્મોથી ઉપાર્જિત મહાપુન્ય સમૂહથી જગતમાં અતુલ્ય, અખૂટ બળ-વીર્ય-ઐશ્વર્ય-સત્વ પરાક્રમયુક્ત દેહવાળા હોય છે. તેમના મનોહર દેદીપ્યમાન પગના અંગૂઠાના અગ્રભાગનું રૂપની પાસે, જેમ દશે દિશામાં પ્રકાશિત, પ્રગટ પ્રતાપી કિરણોના સમૂહથી સર્વે ગ્રહો-નક્ષત્રો આદિની શ્રેણીને તેજહીન બનાવે છે, તેમ તીર્થંકરના શરીરના રૂપ-તેજથી સર્વે વિદ્યાધર, દેવાંગનાદિ, દેવો, સૌભાગ્ય-કાંતિ-દીપ્તિ-લાવણ્ય અને રૂપની સમગ્ર શોભા નિસ્તેજ થઈ જાય છે.
સ્વાભાવિક એવા ચાર, કર્મક્ષયથી અગિયાર, દેવે કરેલા ઓગણીશ એમ ૩૪-અતિશયો એવા શ્રેષ્ઠ, નિરૂપમ, અસાધારણ હોય છે, જેના દર્શનથી ભવનપતિ, વ્યંતર, જ્યોતિષ્ક, વૈમાનિક, અહમિન્દ્ર, ઈન્દ્ર, અપ્સરા, કિન્નર, નર, વિદ્યાધર, સુર-અસુર સહિત જગતના જીવોને આશ્ચર્ય થાય છે કે, અરે! આપણે અત્યાર સુધી ક્યારેય ન જોયેલ એવું આજે જોયું-અતુલ,મહાન,અચિંત્ય ગુણોનો પાર આશ્ચર્ય સમૂહ એક જ વ્યક્તિમાં છે.
આવા શુભ પરિણામથી તે સમયે અત્યંત ગાઢ, સતત ઉત્પન્ન પ્રમોદવાળા થયા. હર્ષ અને અનુરાગથી સ્ફૂરાયમાન થતાં નવા-નવા પરિણામોથી પરસ્પર હર્ષના વચનો બોલવા લાગ્યા. વિહાર કરી ભગવંત ચાલ્યા, ત્યારે આત્મનિંદા કરતા પરસ્પર કહેવા લાગ્યા કે ખરેખર આપણે ધિક્કારપાત્ર છીએ, અધન્ય છીએ, પુન્યહીન છીએ. સંક્ષોભ હૃદયવાળા તે મૂર્ચ્છા પામ્યા. મુશ્કેલીથી ભાનમાં આવ્યા. તેમના ગાત્રો ખેંચાવાથી અતિ શિથીલ થઈ ગયા. શરીર સંકોચ કરવો, હાથ-પગ લંબાવવા, પ્રસન્નતા બતાવવી, આંખમાં પલકારા થવા, શરીરની ક્રિયા બંધ પડી ગઈ. ન સમજાય તેવા સ્ખલિત મંદ-મંદ શબ્દો બોલવા લાગ્યા. મંદ-મંદ હુંકાર સાથે લાંબા ઉષ્ણ નિઃસાસા મૂકવા લાગ્યા. અતિ બુદ્ધિશાળી પુરુષો જ તેના મનનો યથાર્થ નિર્ણય કરી શક્યા.
જગતના પ્રાણી વિચારવા લાગ્યા કે કેવા તપના સેવનથી આવી શ્રેષ્ઠ ઋદ્ધિ મેળવી શકાતી હશે? તેમની ઋદ્ધિ સમૃદ્ધિના દર્શનથી આશ્ચર્ય પામી પોતાના વક્ષઃસ્થળ ઉપર હસ્તતલ સ્થાપતા મનને ચમત્કાર પમાડનાર મોટું આશ્ચર્ય ઉત્પન્ન કરતા હતા. ગૌતમ! આવા અનંત ગુણવાળા શરીરી, આદરથી ગ્રહણ કરાતા નામવાળા ધર્મતીર્થને પ્રવર્તાવનારા અરિહંતના ગુણસમૂહરૂપી રત્ન-નિધાનનું વર્ણન ઈન્દ્ર, અન્ય કોઈ ચારજ્ઞાની, મહાઅતિશય વાળા છદ્મસ્થ પણ રાતદિવસ હજારો જીભોથી કરોડો વર્ષ સુધી કરે તો પણ સ્વયંભૂરમણ સમુદ્ર જેમ પાર પામી ન શકાય, તેમ અરિહંતના ગુણો વર્ણવી શકાતા નથી.
કેમકે ગૌતમ! ધર્મતીર્થ પ્રવર્તક અરિહંતો અપરિમિત ગુણવાળા હોય છે. વધુ કેટલું કહેવું? ત્રિલોકનાથ, જગતગુરુ, ત્રિભુવન બંધુ, ત્રિલોકન તેવા ઉત્તમ ગુણોના આધારભૂત શ્રેષ્ઠ તીર્થંકરના ચરણના અંગુઠાના અગ્રભાગ પણ અનેક ગુણોથી શોભિત છે. તેમાં અનંતમાં ભાગનું રૂપ ઈન્દ્રાદિ વર્ણવવા સમર્થ નથી.
દેવો, ઈન્દ્રો કે કોઈ ભક્તિ તરબોળ પુરુષો અનેક જન્મોમાં ઉપાર્જિત અનિષ્ટ દુષ્ટ કર્મરાશિ જનિત દુર્ગતિ, ઉદ્વેગાદિ દુઃખ, દારિદ્ર, ક્લેશ, જન્મ-જરા-મરણ, રોગ, શોક, સંતાપ, ખિન્નતા, વ્યાધિ આદિના ક્ષયને માટે તેમના અંગુઠાના ગુણોનું વર્ણન કરવા માંડે તો સૂર્યના કિરણોના સમૂહની જેમ ભગવંતના અનેક ગુણસમૂહ એક સાથે તેમના જિહ્વાના અગ્રભાગે સ્ફૂરાયમાન થાય છે. તેને ઈન્દ્ર સહિત દેવગણ એક સાથે બોલવા લાગે તો પણ વર્ણવવા શક્તિમાન નથી. તો પછી ચર્મ ચક્ષુવાળા અકેવલીઓ શું કહી શકે? તેથી હે ગૌતમ! આ વિષયમાં પરમાર્થ આ સમજવો કે ભગવંતના ગુણસમૂહને માત્ર કેવળજ્ઞાની તીર્થંકરો જ કહી શકવા શક્તિમાન છે, બીજા કોઈ નહીં. કેમકે તેમની વાણી સાતિશય હોય છે. અથવા ગૌતમ! આ વિષયમાં બહુ કહેવાથી શું? તેનો સારરૂપ અર્થ જણાવું છું, તે આ પ્રમાણે–

Linked texts (2)