Pramāṇa · Search · About · API

Mahanisiha 232

Mahānisīha: ṭīkānusārī vivecana 232

Language
Gujarati

232

‘મહાનિશીથ’ સૂત્ર-૫૧૮ :– [૩/–/૫૧૮]
ગૌતમ! કેટલાંક શાસ્ત્રના પરમાર્થને ન સમજનાર અવસન્ન, શિથીલ વિહારી, નિત્યવાસી, પરલોકના નુકસાનને ન વિચારનાર, સ્વમતિ પ્રમાણે વ્રત ન કરનારા, સ્વચ્છંદો, ઋદ્ધિ-રસ-શાતા ગારવાદિમાં આસક્ત બનેલા, રાગ-દ્વેષ, મોહ-અહંકાર-મમત્વ આદિમાં અતિ રાગવાળા થયેલા સમગ્ર સંયમરૂપ સદ્ધર્મથી પરાંગમુખ, નિરવદ્ય, નિર્લજ્જ, પાપની ધૃણા વગરના, કરુણા રહિત, નિર્દય, પાપાચરણમાં કદાગ્રહ બુદ્ધિવાળો, એકાંતે અત્યંત ચંડ, રુદ્ર, ક્રૂર અભિગ્રહો કરનાર મિથ્યાદૃષ્ટિઓ, સર્વ સાવદ્ય યોગના પચ્ચક્‌ખાણ કરીને, સર્વ સંગ, આરંભ, પરીગ્રહથી રહિત થઈ, ત્રિવિધ ત્રિવિધે દ્રવ્યથી સામાયિક ગ્રહણ કરે છે, પણ ભાવથી ગ્રહણ કરતાં નથી. નામનું જ મસ્તક મુંડાવે છે, નામથી જ ઘર છોડે છે, નામના જ મહાવ્રતધારી છે. શ્રમણ થયાં પછી પણ અવળી માન્યતા કરીને સર્વથા ઉન્માર્ગનું સેવન અને પ્રવર્તન કરે છે, જેમ કે–
અમે અરિહંત ભગવંતની ગંધ, માળા, દીપક, સંમાર્જન, લિંપન, વસ્ત્ર, બલિ, ધૂપ આદિની પૂજા-સત્કાર કરીને હંમેશાં તીર્થની પ્રભાવના કરીએ છીએ! એમ માનનારા ઉન્માર્ગ પ્રવર્તાવે છે. એ પ્રમાણે તેમના કર્તવ્યો સાધુધર્મને અનુરૂપ નથી. ગૌતમ! વચનથી પણ તેમના આ કર્તવ્યની અનુમોદના ન કરવી.
ભગવન્‌! એમ કેમ કહ્યું કે વચનથી પણ દ્રવ્યપૂજાની અનુમોદના ન કરવી? ગૌતમ! તેમના વચનાનુસાર અસંયમની બહુલતા અને મૂળગુણનો નાશ થાય, તેથી કર્મનો આશ્રવ થાય. વળી અધ્યવસાય આશ્રીને સ્થૂલ તેમજ સૂક્ષ્મ શુભાશુભ કર્મપ્રકૃતિનો બંધ થાય, સર્વ સાવદ્યની કરેલી વિરતિરૂપ મહાવ્રતનો ભંગ થાય, વ્રતભંગ થવાથી આજ્ઞા ઉલ્લંઘનનો દોષ લાગે. તેનાથી ઉન્માર્ગ-ગામીપણું પામે, સન્માર્ગ લોપાય.
સાધુ માટે ઉન્માર્ગ પ્રવર્તન અને સન્માર્ગનો લોપ કરવો એ યતિઓને માટે મહા-આશાતના રૂપ છે. કારણ કે તેવી આશાતના કરનારને અનંતાકાળ સુધી ચારે ગતિમાં જન્મ-મરણના ફેરા ફરવા પડે છે. આ કારણથી તેની વચનથી પણ અનુમોદના ન કરે.

Linked texts (2)