Pramāṇa · Search · About · API

Mahanisiha 262

Mahānisīha: ṭīkānusārī vivecana 262

Language
Gujarati

262

‘મહાનિશીથ’ સૂત્ર-૫૯૬, ૫૯૭ :– [૩/–/૫૯૬, ૫૯૭]
ત્યારપછી પરમ શ્રદ્ધા સંવેગ તત્પર બનેલો જાણીને જીવન પર્યન્તના કેટલાંક અભિગ્રહ આપવા જેવા કે હે દેવાનુપ્રિય! તે ખરેખર આવો સુંદર મનુષ્ય ભવ મેળવ્યો. તેને સફળ કર્યો ત્યારે આજથી જાવજ્જીવ હંમેશાં ત્રણે કાળ ત્વરા રહિત, શાંત અને એકાગ્ર ચિત્તે ચૈત્યોના દર્શન-વંદન કરવા. અશુચિ અશાશ્વત ક્ષણભંગુર એવા મનુષ્યત્વનો આ જ સાર છે.
રોજ સવારે ચૈત્ય અને સાધુને વંદન ન કરું - દર્શન ન કરું ત્યાં સુધી મુખમાં પાણી ન નાંખવું, બપોરે ચૈત્યાલયમાં દર્શન ન કરું ત્યાં સુધી મધ્યાહ્ન ભોજન ન કરું, સાંજે પણ ચૈત્ય દર્શન કર્યા સિવાય સંધ્યાકાળનું ઉલ્લંઘન ન કરવું. આવા પ્રકારના અભિગ્રહના નિયમો જીવનપર્યન્ત કરાવવા. પછી હે ગૌતમ! આગળ કહીશું તે [વર્ધમાન] વિદ્યાથી મંત્રીને ગુરુએ તેના મસ્તક ઉપર સાત મુષ્ટી ગંધચૂર્ણ નાખવી અને એવા આશીર્વચનો કહેવા કે – આ સંસાર સમુદ્રનો નિસ્તાર કરીને પાર પામનારો થા.
વર્ધમાન વિદ્યા – ૐ નમો ભગવઓ અરહઓ સિજ્ઝઉ મે ભગવતી મહાવિજ્જા વીરે મહાવીરે જયવીરે, સેણવીરે વદ્ધમાણવીરે જયે વિજયે જયંતે અપરાજિએ સ્વાહા.
ઉપવાસ કરીને વિધિપૂર્વક સાધના કરવી જોઈએ. આ વિદ્યા વડે દરેક ધર્મારાધનામાં તું પાર પામનારો થા. વડી દીક્ષમાં, ગણીપદની અનુજ્ઞામાં સાત વખત આ વિદ્યાનો જાપ કરવો અને નિત્થારાગ પારગા હોહ એમ કહેવું. અંતિમ સાધના અનશન અંગીકાર કરે ત્યારે મંત્રીને વાસક્ષેપ કરવામાં આવે તો આત્મા આરાધક બને છે. આ વિદ્યાના પ્રભાવથી વિઘ્નના સમૂહો ઉપશાંત થાય છે. શૂરવીર પુરુષ સંગ્રામમાં પ્રવેશ કરે તો કોઈથી પરાભવ પામતો નથી. કલ્પની સમાપ્તિમાં મંગલ અને ક્ષેમ કરનાર થાય છે.

Linked texts (2)