Mahanisiha 265
Mahānisīha: ṭīkānusārī vivecana 265
- Language
- Gujarati
265
‘મહાનિશીથ’ સૂત્ર-૬૦૦ :– [૩/–/૬૦૦]
ભગવન્! આ પંચમંગલ મહાશ્રુતસ્કંધ ભણવા માટે વિનયોપધાનની મોટી નિયંત્રણા કહેલી છે. બાળકો આવી મહાન નિયંત્રણા કેવી રીતે કરી શકે? ગૌતમ! જે કોઈ આ કહેલી નિયંત્રણાની ઈચ્છા ન કરે, સવિનયથી અને ઉપધાન કર્યા વગર આ પંચમંગલ આદિ શ્રુતજ્ઞાન ભણે કે ભણાવે અથવા ઉપધાનપૂર્વક ન ભણતા-ભણાવનારને સારો માને તેને નવકાર આપે કે તેવા સામાયિકાદિ શ્રુતજ્ઞાન ભણાવે તે પ્રિયધર્મવાળો કે દૃઢ ધર્મવાળો ન ગણાય. શ્રુતની ભક્તિવાળો ન ગણાય.
તે સૂત્રની, અર્થની, સૂત્રાર્થ તદુભયની હીલના કરનારો ગણાય. ગુરુની હીલના કરનારો ગણાય. જે સૂત્ર, અર્થ, ઉભય તથા ગુરુની અવહેલના કરનારો થાય તે અતીત, અનાગત અને વર્તમાન તીર્થંકરોની આશાતના કરનારો થાય. જેણે શ્રુતજ્ઞાન, અરિહંત, સિદ્ધ, સાધુની આશાતના કરી તે દીર્ઘકાળ અનંતા સંસાર સમુદ્રમાં અટવાયા કરે છે, તેવા તેવા પ્રકારની ગુપ્ત પ્રગટ, શીત-ઉષ્ણ, મિશ્ર અને અનેક ૮૪ લાખ પ્રમાણવાળી યોનિમાં વારંવાર ઉત્પન્ન થયા કરે છે. વળી ગાઢ અંધકાર, દુર્ગન્ધવાળા વિષ્ઠા પ્રવાહી,ખાર, પેશાબ, પિત્ત, બળખા, અશુચિ પદાર્થોથી પરિપૂર્ણ ચરબી,ઓર,પરુ,ઉલટી,મલ, રુધિરના ચીકણા કાદવવાળા, જોવા ન ગમે તેવા બિભત્સ ઘોર ગર્ભાવાસમાં પારાવાર વેદના અનુભવવી પડે યાવત્ લાંબાકાળ સુધી નિયંત્રણા, વેદના ગર્ભવાસમાં ભોગવવી પડે
જેઓ શાસ્ત્રાદિમાં કહેલી વિધિથી આ સૂત્રાદિ ભણે છે, થોડાં પણ અતિચાર લગાડતા નથી, યથોક્ત વિધાને જ પંચમંગલ આદિ શ્રુત-જ્ઞાનનું વિનયોપધાન કરે છે તે હે ગૌતમ! તે સૂત્રની હીલના કરતો નથી. અર્થની આશાતના કરતો નથી. સૂત્રાર્થ ઉભયની હીલના કરતો નથી. ત્રણેય કાળમાં થનારા તીર્થંકરની આશાતના કરતો નથી. ત્રિલોકની ચોટીએ વાસ કરનારા કર્મરજ રૂપ મેલને જેમણે દૂર કરેલ છે, એવા સિદ્ધોની જેઓ આશાતના કરતા નથી. આચાર્ય-ઉપાધ્યાય-સાધુની આશાતના કરતા નથી. અતિ પ્રિયધર્મવાળા, દૃઢ ધર્મવાળા તેમજ એકાંત ભક્તિવાળા થાય છે. સૂત્રાર્થમાં અતિ રંજિત માનસવાળો તે શ્રદ્ધા અને સંવેગને પામનારો થાય છે. એવો પુણ્યશાળી આત્મા આ ભવરૂપી કેદખાનામાં વારંવાર ગર્ભવાસાદિ નિયંત્રણાના દુઃખો ભોગવનારા થતો નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati