Pramāṇa · Search · About · API

Mahanisiha 298

Mahānisīha: ṭīkānusārī vivecana 298

Language
Gujarati

298

‘મહાનિશીથ’ સૂત્ર-૬૭૭ :– [૪/–/૬૭૭]
એમ સાંભળી સુમતિએ કહ્યું કે તમે જ સત્યવાદી છો અને આમ બોલી શકો છો, પણ સાધુના અવર્ણવાદ બોલવા તે બિલકુલ યોગ્ય ન ગણાય. તે મહાનુભાવોનો બીજો આચાર કેમ જોતા નથી? છઠ્ઠ, અઠ્ઠમ, ચાર-પાંચ ઉપવાસાદિ તપ કરીને આહાર લેતા, આતાપના લેતા, વિરાસન આદિ વિવિધ અભિગ્રહોને ધારણ કરનારા, કષ્ટવાળા તપો કરવા ઈત્યાદિ ધર્માનુષ્ઠાન આચરી જેમણે માંસ અને લોહી સૂકવી નાંખેલ છે. આવા ગુણયુક્ત મહાનુભાવ સાધુઓને તમારા સરખા મહાભાષાસમિતિવાળા મોટાશ્રાવક થઈને, આ સાધુઓ કુશીલ છે એમ સંકલ્પ કરવો યુક્ત નથી.
ત્યારે નાગીલે કહ્યું કે હે વત્સ! તેના ધર્માનુષ્ઠાનથી તું સંતોષ ન પામ, આજે હું અવિશ્વાસથી લૂંટાયો છું તેમ ન માન. અનિચ્છાએ આવી પડેલ પરાધીનતાથી ભોગવવાના દુઃખોથી અકામ નિર્જરાથી પણ કર્મક્ષય થાય છે તો પછી બાલતપથી કર્મક્ષય કેમ ન થાય? આ સર્વેને બાલ-તપસ્વી જાણ. શું તને તેમનું ઉત્સૂત્ર માર્ગસેવન અલ્પ પણ દેખાતું નથી? હે સુમતિ! મને આ સાધુ ઉપર સૂક્ષ્મ પણ દ્વેષ નથી, પણ તીર્થંકર ભગવંત પાસેથી અવધારેલું છે કે કુશીલને ન દેખવા.
ત્યારે સુમતિએ કહ્યું કે – જેવો તું નિર્બુદ્ધિ છે તેવા જ તે તીર્થંકર હશે. જેથી તને આમ કહ્યું. પછી આમ બોલનાર સુમતિના મુખરૂપી છિદ્રને પોતાના હાથે બંધ કરીને નાગીલે તેને કહ્યું – હે ભદ્રમુખ! જગતગુરુ તીર્થંકરની આશાતના ન કર. મને જે કહેવું હોય તે કહે, હું તને કોઈ પ્રત્યુત્તર આપીશ નહીં. ત્યારે સુમતિએ કહ્યું – આ જગતમાં આ સાધુ કુશીલ હોય તો સુશીલ સાધુ ક્યાંય મળશે નહીં. ત્યારે નાગીલે કહ્યું – હે ભદ્રમુખ! અહીં વિશ્વ અલંઘનીય તીર્થકરના વચનને આદરથી ગ્રહણ કર. આસ્તિકને તેમના વચનમાં કોઈ વિસંવાદ થતો નથી. બાલતપસીની ચેષ્ટામાં આદર ન કરવો, કેમકે તેઓ કુશીલ જ દેખાય છે.
તેમની પ્રવ્રજ્યાને વિશે ગંધ પણ દેખાતી નથી. કેમ કે જો આ સાધુ પાસે બીજી મુહપત્તિ દેખાય છે, તેથી તે અધિક પરિગ્રહ કુશીલ છે. ભગવંતે અધિક, પરિગ્રહ માટે સાધુને આજ્ઞા આપી નથી. હીન સત્વવાળો પણ એવો અધ્યવસાય ન કરે કે કદાચ મારી આ મુહપત્તિ ફાટીને વિનાશ પામશે તો મને બીજી ક્યાંથી મળશે? હીન સત્વ એમ વિચરતો નથી કે – અધિક ઉપધિ ધારણ કરવાથી મારા પરિગ્રહના વ્રતભંગ થશે અથવા સંયમમાં રંગાયેલ આત્મા સંયમોપયોગી ધર્મોપકરણ રૂપ મુહપત્તિ જેવા સાધનમાં સીદાય ખરા? નક્કી તે વિષાદ ન જ પામે. ખરેખર તેવો આત્મા પોતાને હું હીન સત્વવાળો છું, તેમ જાહેર કરે છે. ઉન્માર્ગના આચરણની પ્રશંસા કરે છે. પ્રવચન મલિન કરે છે.
આ સાધુએ કાલે વસ્ત્રવિહિન સ્ત્રી શરીરને રાગથી જોઈને ચિંતવન કરીને આલોચના, પ્રતિક્રમણ કર્યા નથી. તે તને ખબર નથી? આ સાધુના શરીરે ફોડલાં થયા છે, તેથી તેને દેખતો નથી. હમણાં જ તેણે લોચ માટે અણઆપેલી રાખ હાથમાં લીધી. તેં પણ જોયું છે. ગઈ કાલે સૂર્યોદય પહેલાં સંઘાટકને કહ્યું – ચાલો વિહાર કરીએ, સૂર્યોદય થઈ ગયો છે. તેં તેં ન સાંભળ્યું? આમાં જે મોટો નવદીક્ષિત છે તે ઉપયોગ વગર સૂઈ ગયો, વીજળી અગ્નિકાયથી સ્પર્શ કરાયો, તેં તેને જોયો છતાં કામળી ન લીધી. સવારે લીલા ઘાસનો કપડાથી સંઘટ્ટો કર્યો તથા બહાર ઉઘાડામાં પાણીનો પરિભાગ કર્યો. બીજાની ઉપર પગ ચાંપીને ચાલ્યો, અવિધિથી ખારી જમીને ચાલીને મધુર જમીને સંક્રમ્યો. શું તે આ બધું ન જોયું?
માર્ગ ચાલ્યા પછી સાધુએ ૧૦૦ ડગલાં જતાં ઈરિયાવહિયં પ્રતિક્રમવી જોઈએ. તે રીતે ચાલવું, ચેષ્ટા કરવી, બોલવું, શયન કરવું જોઈએ કે જેથી છ કાયના જીવોને સૂક્ષ્મ કે બાદર, પર્યાપ્તા-અપર્યાપ્તા, આવતા-જતાં સર્વ જીવ, પ્રાણ, ભૂત, સત્વોને સંઘટ્ટ, પરિતાપન, કિલામણા કે ઉપદ્રવ ન થાય. આ સાધુઓમાં આમાનું કોઈ દેખાતું નથી. વળી મુહપત્તિનું પડિલેહણ કરતા એવા સાધુને મેં પ્રેરણા આપી કે વાયુકાયનો સંઘટ્ટો થાય તેમ ફડફડાગ અવાજ કરતા પડિલેહણ કરો છો, પડિલેહણનો હેતુ શો?
ત્યારે તેં મને નિવાર્યો કે આપણે સાધુને કંઈ કહેવું કલ્પતું નથી. શું તે વાત તું ભૂલી ગયો? તેથી હે સુમતિ! આણે એક પણ સંયમ સ્થાનક સમ્યક્‌ પ્રકારે રક્ષેલ નથી. જેનામાં આવો પ્રમાદ હોય, તે સાધુ કેમ કહેવાય?
આવા નિર્ધ્વંસને સાધુ ન કહેવાય. તું જો આ શ્વાનસમ નિર્દય, છકાય જીવ મર્દક છે. તો મને કેમ અનુરાગ થાય? અથવા શ્વાન પણ સારો કે જેને અતિસૂક્ષ્મ નિયમ-વ્રત ભંગ થતો નથી. આ નિયમ ભંજકની તુલના કોના સાથે કરવી? માટે હે સુમતિ! આવા કૃત્રિમ આચરણથી સાધુ ન બની શકાય. માટે હે વત્સ! આવા કૃત્રિમ આચારીને જિનવચન સ્મરણ કરતો કોણ વંદન કરે? વળી, તેમના સંસર્ગથી આપણને પણ ચરણ-કરણમાં શિથીલતા આવી જાય કે જેનાથી આપણે ભવ ઘોર ભવ પરંપરામાં રખડવાનું થાય.
ત્યારે સુમતિએ કહ્યું – તે કુશીલ હોય કે સુશીલ, હું તેમની પાસે પ્રવ્રજ્યા સ્વીકારીશ. વળી, તમે કહો છો તે ધર્મ કરવાને આજે કોણ સમર્થ છે? માટે મને છોડી દો, મારે તેમની સાથે જવું છે. તેઓ ચાલ્યા જશે તો ફરી મેળાપ થવો મુશ્કેલ છે. ત્યારે નાગીલે કહ્યું – હે સુમતિ! તેની સાથે જવામાં તારું કલ્યાણ નથી. હું તને હિતવચન કહું છું. જે બહુ ગુણકારી હોય તેનું સેવન કર. હું કંઈ તને બળાત્કારથી પકડી રાખતો નથી.
અનેક ઉપાયો છતાં તે ન રોકાયો અને મંદભાગ્ય એવા સુમતિએ પ્રવ્રજ્યા સ્વીકારી. પછી કોઈક સમયે વિહાર કરતાં-કરતાં પાંચ માસ પછી મહાભયંકર બાર વર્ષનો દુષ્કાળ આવ્યો ત્યારે તે સાધુઓ તે કાળના દોષથી દોષની આલોચના પ્રતિક્રમણ કર્યા વિના મૃત્યુ પામીને ભૂત, યક્ષ, રાક્ષસ, પિશાચાદિ વાણવ્યંતર દેવોના વાહનપણે ઉત્પન્ન થયા. ત્યાંથી મ્લેચ્છ જાતિના માંસાહારી, ક્રૂર આચરણ કરનારા થયા. ત્યાંથી સાતમી નરકે ઉત્પન્ન થયાં, ત્યાંથી ત્રીજી ચોવીશીમાં સમ્યક્‌ત્વ પામશે. પછી સમ્યક્‌ત્વ પ્રાપ્તિના ભયથી ત્રીજા ભવમાં ચાર જણાં સિદ્ધિ પામશે, પણ જે સર્વથા મોટા પાંચમા હતા તે એક સિદ્ધિ નહીં પામે. કેમકે તે એકાંત મિથ્યાદૃષ્ટિ અને અભવ્ય છે. ભગવન્‌! સુમતિ ભવ્ય છે કે અભવ્ય? ગૌતમ! તે ભવ્ય છે. તો તે મૃત્યુ પામીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! પરમાધામી અસુર થશે.

Linked texts (2)