Pramāṇa · Search · About · API

Mahanisiha 299

Mahānisīha: ṭīkānusārī vivecana 299

Language
Gujarati

299

‘મહાનિશીથ’ સૂત્ર-૬૭૮ :– [૪/–/૬૭૮]
ભગવન્‌! ભવ્યજીવો પરમાધામી અસુરોમાં ઉપજે? ગૌતમ! જે કોઈ સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના ઉદયે સારી રીતે કહેવા છતાં ઉત્તમ હિતોપદેશની અવગણના કરે છે, બાર અંગો આદિ શ્રુતજ્ઞાનને અપ્રમાણ કરે છે તથા શાસ્ત્રના સદ્ભાવો અને રહસ્યને જાણતા નથી. અનાચારને પ્રશંસે છે. તેની પ્રભાવના કરે છે. જેમ સુમતિએ તે સાધુની પ્રશંસા, પ્રભાવના કરી કે – તેઓ સુશીલ સાધુ નથી ઈત્યાદિ તથા કહ્યું કે જેવા તમે નિર્બુદ્ધિ છો તેવા તે તીર્થંકર હશે. એમ બોલતાં હે ગૌતમ! તે મોટું તપ કરવા છતાં પરમાધામી અસુરપણે ઉપજ્યો.
ભગવન્‌! પરમાધામી દેવો ત્યાંથી મરીને ક્યાં ઉત્પન્ન થાય? ભગવન્‌! તે સુમતિનો જીવ પરમાધામથી નીકળીને ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! મંદભાગી એવા તેણે અનાચારની પ્રશંસા તથા અભ્યુદય કરવા સન્માર્ગના નાશને અભિનંદ્યો. તે કર્મના દોષથી અનંત સંસાર ઉપાર્જ્યો. તેના કેટલાં ભવોની ઉત્પત્તિ કહેવી? અનેક પુદ્ગલ પરાવર્ત કાળ સુધી ચારગતિરૂપ સંસારમાંથી જેનો નીકળવાનો આરો નથી. તો પણ સંક્ષેપથી તેના કેટલાંક ભવ કહું છું તે સાંભળ–
આ જ જંબૂદ્વીપને ચારે બાજુ ફરતો વર્તુળાકાર લવણસમુદ્ર છે. તેમાં જે સ્થળે સિંધુ મહાનદી પ્રવેશ કરે છે તે પ્રદેશની દક્ષિણે ૫૫-યોજન પ્રમાણવાળી વેદીકાના મધ્યભાગે ૧૨|| યોજન પ્રમાણ હાથીના કુંભસ્થળના આકાર સરખું પ્રતિસંતાપદાયક નામે સ્થળ છે. તે સ્થળ લવણ-સમુદ્રના જળથી ૭|| યોજન પ્રમાણ ઊંચું છે. ત્યાં અત્યંત ઘોર ગાઢ અંધકારવાળી ઘડીયલા સંસ્થાનના આકારવાળી ૪૬ ગુફાઓ છે. તે ગુફાઓમાં બબ્બે-બબ્બેની વચ્ચે વચ્ચે જલચારી મનુષ્યો વાસ કરે છે. તેઓ વજ્રઋષભનારાચ સંઘયણવાળા, ભીમમહાબલ અને પરાક્રમવાળા ૧૨|| વેંત પ્રમાણ કાયાવાળા, સંખ્યાત વર્ષાયુવાળા, જેમને મદ્ય-માંસ પ્રિય છે તેવા, સ્વભાવથી સ્ત્રીલોલૂપ, અતિ ખરાબ વર્ણવાળા, સુકુમાર, અનિષ્ટ, કઠણ, ખરબચડા દેહવાળા, ચંડાલના નેતા સમાન કહેલા ભયંકર મુખવાળા, સિંહ સમાન ઘોર દૃષ્ટિવાળા યમરાજ સમાન ભયાનક, કોઈને પીઠ ન બતાવનાર, વીજળી માફક નિષ્ઠુર પ્રહાર કરનાર, અભિમાનથી માંધાતા થયેલા, તેઓ અંડગોલિક મનુષ્યો તરીકે ઓળખાય છે.
તેમના શરીરમાં જે અંતરંગ ગોલિકા છે. તેને ગ્રહણ કરીને ચમરી ગાયના શ્વેત પૂંછડાના વાળથી તે ગોલિકા ગૂંથે છે. ત્યારપછી તે બાંધેલી ગોલિકાને બંને કાન સાથે બાંધીને મહાકિંમતી, ઉત્તમ જાતીવંત રત્ન ગ્રહણ કરવા ઈચ્છતા સમુદ્રમાં પ્રવેશે છે. સમુદ્રમાંના જળ હાથી, ભેંસ, ગોંધા, મગર, મોટા મત્સ્યો, તંતુ, સુંસુમારાદિ દુષ્ટ શ્વાપદો તેને કોઈ ઉપદ્રવ કરતા નથી. તે ગોલિકાના પ્રભાવથી ભય પામ્યા વિના સર્વ સમુદ્રજળમાં ભ્રમણ કરીને ઈચ્છાનુસાર ઉત્તમ જાતીવંત રત્નોનો સંગ્રહ કરીને અખંડ શરીરે બહાર નીકળી આવે છે. તેઓને જે અંતરંગ ગોલિકા હોય છે. તેના સંબંધથી તે બિચારા હે ગૌતમ! અનુપમ, અતિઘોર, ભયંકર દુઃખ, પૂર્વભવમાં ઉપાર્જિત અતિ રૌદ્ર કર્મને આધીન બનેલા તેઓ અનુભવે છે.
ભગવન્‌! કયા કારણથી? ગૌતમ! તેઓ જીવતા હોય ત્યાં સુધી તેની ગોલિકા ગ્રહણ કરવા કોઈ સમર્થ નથી. જ્યારે તેમના દેહમાંથી ગોલિકા ગ્રહણ કરે છે. ત્યારે ઘણાં મોટા પ્રકારના મોટા સાહસથી નિયંત્રણા કરવી પડે છે. બખ્તર પહેરેલા, તલવાર, ભાલા, ચક્રો, હથિયાર સર્જેલા એવા ઘણાં શૂરવીર પુરુષો બુદ્ધિના પ્રયોગથી તેમને જીવતા જ પકડે છે. જ્યારે તેમને પકડે છે ત્યારે જે પ્રકારના શારીરિક અને માનસિક દુઃખો થાય છે, તે સર્વે નારકના દુઃખ સાથે સરખાવી શકાય.
ભગવન્‌! તે અંતરંગ ગોલિકાને કોણ ગ્રહણ કરે છે? હે ગૌતમ! તે લવણસમુદ્રમાં રત્નદ્વીપ નામે અંતર્દ્વીપ છે. પ્રતિસંતાપદાયક સ્થળથી તે દ્વીપ ૩૧૦૦ યોજન દૂર છે, તે રત્નદ્વીપવાસી મનુષ્યો તેને ગ્રહણ કરે છે. ભગવન્‌! કેવી રીતે ગ્રહણ કરે? ક્ષેત્રના સ્વભાવથી સિદ્ધ થયેલા પૂર્વ પુરુષોની પરંપરા પ્રમાણે પ્રાપ્ત કરેલા વિધાનથી તેમને પકડે છે. ભગવન્‌! તે વિધિ કેવા પ્રકારનો છે?
ગૌતમ! તે રત્નદ્વીપમાં ૨૦, ૧૯, ૧૮, ૧૦, ૮, ૭ ધનુષ્ય પ્રમાણવાળા ઘંટી આકારના શ્રેષ્ઠ વજ્રશીલાના સંપૂટો હોય છે. તેને છૂટા પાડીને તે રત્નદ્વીપવાસી મનુષ્યો પૂર્વપુરુષોથી સિદ્ધ, ક્ષેત્ર સ્વભાવથી સિદ્ધ તૈયાર કરેલા યોગથી ઘણાં મત્સ્યો મધુ ભેગા મેળવીને અત્યંત રસવાળા કરીને પછી તેમાં પકાવેલા માંસના ટૂકડા તેમજ ઉત્તમ મદ્ય-મદીરા વગેરે પદાર્થો નાંખે છે. આવા તેમને ખાવાયોગ્ય મિશ્રણો તૈયાર કરીને વિશાળ લાંબા મોટા વૃક્ષોના કાષ્ઠોથી બનાવેલા યાનમાં બેસીને અતિ સ્વાદિષ્ટ પુરાણા મદિરા, માંસ, મત્સ્ય, મદ્ય વગેરેથી પરિપૂર્ણ ઘણાં તુંબડા લઈને પ્રતિસંતાપદાયક નામના સ્થળ પાસે આવે છે. જ્યારે ગુફાવાસી અંડગોલિક મનુષ્યોને એક તુંબડું આપીને તેમજ અભ્યર્થના પૂર્વક પહેલાં કાષ્ઠ યાનને અતિશય વેગપૂર્વક ચલાવીને રત્નદ્વીપ તરફ દોડી જાય છે.
અંડગોલિક મનુષ્યો તે તુંબડામાંથી મદ્ય-માંસ વગેરેનું મિશ્રણ ભક્ષણ કરે છે અને અતિશય સ્વાદિષ્ટ લાગવાથી ફરી મેળવવા માટે તેઓની પાછળ છૂટાછવાયા થઈને દોડે છે. ત્યારે હે ગૌતમ! જેટલામાં હજુ ઘણાં નજીક ન આવી પહોંચે તેટલામાં સુંદર સ્વાદવાળા મદ્ય અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત પુરાણા મદિરાનું એક તુંબડું માર્ગમાં મૂકીને ફરી પણ અતિ-ત્વરિત ગતિએ રત્નદ્વીપ તરફ ચાલ્યા જાય છે. વળી, અંડગોલિક મનુષ્યો તે અતિશય સ્વાદિષ્ટ મદ્ય અને ગંધવાળા દ્રવ્યોથી સંસ્કારિત તૈયાર કરેલ જૂની મદિરા માંસ વગેરે મેળવવા માટે અતિ દક્ષતાથી તેની પીઠ પાછળ દોડે છે. ફરી પણ તેમને આપવા મદ્યથી ભરેલ તુંબડું મૂકે છે.
એ પ્રમાણે હે ગૌતમ! મદ્ય, મદિરાના લોલૂપી બનેલા તેમને તુંબડાના મદ્ય-મદિરા વગેરેથી લોભાવતા-લોભાવતા ત્યાં સુધી દોરી લગાવવામાં આવે છે કે જ્યાં આગળ વર્ણવેલા ઘંટી આકારવાળા વજૂશીલના સંપૂટો રહેલાં છે. જેટલામાં ખાદ્યના લોભથી તેઓ તેટલી ભૂમિ સુધી આવે છે. તેટલામાં જે નજીકમાં વજ્રશીલા સંપૂટનો ઉપરનો ભાગ જે બગાસું ખાતા પુરુષના આકાર સરખો છૂટો પ્રથમથી ગોઠવેલ હોય છે. ત્યાં જ મદ્ય-મદિરાથી ભરેલા બાકી રહેલા ઘણાં તુંબડાઓ તેમને દેખતા જ ત્યાં મૂકીને પોત-પોતાના સ્થાનમાં ચાલ્યા જાય છે. પેલા મદ્ય-મદિરા ખાવાના લોલૂપી જેટલામાં ઘંટી પાસે પહોંચે અને તેના ઉપર પ્રવેશ કરે તે સમયે હે ગૌતમ! જે પૂર્વે પકાવેલા માંસના કટકાઓ ત્યાં મૂકેલા હોય તેમજ જે મદ્ય-મદિરાથી ભરેલા ભોજનો ત્યાં ગોઠવી રાખેલા હોય, વળી મદ્યથી લીપેલા શીલાઓના પડ હોય તો તે દેખીને તેઓને ઘણો જ સંતોષ, આનંદ, મોટી તુષ્ટિ, મહાપ્રમોદ થાય છે.
એ પ્રમાણે મદ્ય-મદિરા પકાવેલ માંસ ખાતા-ખાતા સાત, આઠ, પંદર દિવસો પસાર થાય છે. તેટલામાં રત્નદ્વીપ નિવાસી મનુષ્યો એકઠાં મળીને કેટલાંક બખ્તર, કેટલાંક બીજા આયુધો ધારણ કરેલા હોય, તેઓ પેલી વજ્રશીલાને વીંટાઈને સાત-આઠ પંક્તિઓ ઘેરી વળે છે. રત્નદ્વીપ વાસી બીજા કેટલાંક તે શીલા પડને ઘંટુલાના ઉપર એકઠું થાય તેમ ગોઠવે છે. જ્યારે બે પડ એકઠાં કરવામાં આવે છે ત્યારે હે ગૌતમ! એક ચપટી વગાડીને તેના ત્રીજા ભાગના કાળમાં તેની અંદર સપડાયેલામાંથી એક કે બે માંડ માંડ બહાર છટકી જાય છે. પછી તે રત્નદ્વીપ વાસી વૃક્ષ સહિત મંદિર અને મહેલો ત્યાં બનાવે છે. તે જ સમયે તેઓના શરીરનો વિનાશકાળ ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે હે ગૌતમ! તે વજ્રશીલાના ઘંટીના બે પડ વચ્ચે ભીંસાઈને પીસાતા-પીસાતા જ્યાં સુધી સર્વ હાડકાં દબાઈને બરાબર ન પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક દબાઈને બરાબર ન પીસાય તેમજ ચૂર્ણ ન થાય ત્યાં સુધી તે અંડગોલિક મનુષ્યોમાં પ્રાણો છૂટાં પડતાં નથી. તેઓના અસ્થિઓ વજ્રરત્નની જેમ દુઃખે કરીને દાબી શકાય તેવા મજબૂત હોય છે. ત્યાં આગળ તેઓને વજ્રશીલાના બે પડ વચ્ચે ગોઠવી કાળા બળદો જોડી અતિ પ્રયત્નથી રેંટ, ઘંટી, કઠણ રેતી-ચૂનાની ચકરીની જેમ ગોળ ભમાડાય છે.
એક વર્ષ સુધી પીસવાનો પ્રયત્ન ચાલુ હોવા છતાં તેના મજબૂત અસ્થિના કટકા થતાં નથી. તે સમયે તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ શારીરિક અને માનસિક મહાદુઃખની વેદનાનો આકરો અનુભવ કરતા હોવા છતાં પ્રાણો પણ ચાલ્યા ગયા છતાં તેમના અસ્થિ ભાંગતા નથી. બે વિભાગ થતાં નથી, દબાતા નથી, ઘસાતા નથી, પણ સંધિસ્થાનો સર્વે વિખૂટાં પડીને જર્જરીભૂત થાય છે. પછી બીજા સામાન્ય પથ્થરની ઘંટીની માફક બહાર સરી પડતાં લોટની જેમ કંઈક ઓગળી આદિ અગ્રાવયવના અસ્થિખંડ જોઈને તે રત્નદ્વીપવાસી લોકો આનંદ પામીને શીલાના પડો ઊચા ઊંચકીને તેની અંડગોલિકા ગ્રહણ કરીને તેમાં જે નિરસભાગ હોય તે અનેક ઘનસમૂહ ગ્રહણ કરીને વેંચી નાંખે છે. હે ગૌતમ! આ વિધાનથી તે રત્નદ્વીપ નિવાસી મનુષ્યો અંતરંગ ગોલિકાઓ ગ્રહણ કરેલ છે.
ભગવન્‌! તે બિચારા તેવા પ્રકારનું અત્યંત ઘોર દારુણ તીક્ષ્ણ દુસ્સહ દુઃખસમૂહને સહેતા આહાર-જળ વિના એક વર્ષ સુધી કેવી રીતે પ્રાણને ધારણ કરી રાખતા હશે? હે ગૌતમ! પોતે કરેલા કર્મના અનુભવથી. એનો વિશેષાધિકાર જાણવાની ઈચ્છાવાળાએ પ્રશ્ન વ્યાકરણ સૂત્રના વિશેષાધિકાર જાણી લેવું.

Linked texts (2)