Mahanisiha 303
Mahānisīha: ṭīkānusārī vivecana 303
- Language
- Gujarati
303
‘મહાનિશીથ’ સૂત્ર-૬૮૨ :– [૪/–/૬૮૨]
ભગવન્! શું તે પાંચે સાધુઓને કુશીલરૂપે નાગીલ શ્રાવકે ગણાવ્યા તે પોતાની સ્વેચ્છાથી કે આગમશાસ્ત્રની યુક્તિથી? ગૌતમ! બિચારા શ્રાવકને તેમ કહેવાનું સામર્થ્ય શું હોય? જો કોઈ પોતાની સ્વચ્છંદ મતિથી મહાનુભવ સુસાધુના અવર્ણવાદ બોલે તે શ્રાવક જ્યારે હરિવંશના કુલતિલક મરકત રત્ન સમાન શ્યામ કાંતિવાળા બાવીશમાં ધર્મ તીર્થંકર અરિષ્ટનેમિ નામે હતા. તેમની પાસે વંદન નિમિત્તે ગયેલા હતા. તે હકીકત આચારાંગ સૂત્રમાં અનંતગમ પર્યવના જ્ઞાતા કેવલી ભગવંતે પ્રરૂપેલી હતી. તેને યથાર્થ ધારણરૂપે હૃદયમાં અવધારણ કરેલી. ત્યાં છત્રીશ આચારોની પ્રજ્ઞાપના કરેલી છે. તે આચારોમાંથી જે કોઈ સાધુ કે સાધ્વી કોઈ પણ આચારનું ઉલ્લંઘન કરે તે ગૃહસ્થ સાથે સરખામણી કરવા લાયક ગણાય. જો આગમથી વિરુદ્ધ વર્તન કરે, આચરે, પુરુષે તો અનંત સંસારી થાય.
તેથી હે ગૌતમ! જેણે એક મુખવસ્ત્રિકાનો અધિક પરિગ્રહ કર્યો હોય તો તેના પાંચમાં મહાવ્રતનો ભંગ થયો. જેણે સ્ત્રીના અંગોપાંગ દેખ્યા, ચિંતવ્યા પછી તેને આલોચ્યા નહીં. તો તેણે બ્રહ્મચર્યની ગુપ્તિની વિરાધના કરી. તે વિરાધનાથી જેમ એક ભાગમાં બળેલા વસ્ત્રને બળેલું વસ્ત્ર કહેવાય તેમ અહીં ચોથા મહાવ્રતનો ભંગ કહેવાય. જેણે પોતાના હાથે અણદીધેલી રાખ લઈ લીધી. તેના ત્રીજા મહાવ્રતનો ભંગ થયો. જેણે સૂર્યોદય થયા પહેલાં સૂર્યોદય થયો એમ કહ્યું, તેના બીજા મહાવ્રતનો ભંગ થયો. જે સાધુએ સજીવ જળથી સંક્રમણ કર્યું, બીજકાય ચાંપ્યા, વસ્ત્રથી વનસ્પતિકાય સંઘટ્ટો થયો, વિજળીનો સ્પર્શ થયો, અજયણાથી ફડફડાટ અવાજ કરતા મુહપત્તિથી વાયુકાયની વિરાધના કરી, તે બધાંને પહેલું મહાવ્રત ભાંગ્યું. એમ તેના પાંચે મહાવ્રતનો ભંગ થયો. તેથી હે ગૌતમ! આગમ યુક્તિથી આ સાધુઓને કુશીલ જણાવેલા છે, કારણ કે ઉત્તર ગુણોનો ભંગ પણ ઈષ્ટ નથી તો પછી મૂલગુણોનો ભંગ તો સર્વથા અનિષ્ટ જ કહેવાય.
હે ભગવન્! તો શું આ દૃષ્ટાંત વિચારીને જ મહાવ્રતો ગ્રહણ કરવા? ગૌતમ! આ વાત યથાર્થ છે.
ભગવન્! કયા કારણે? ગૌતમ! સુશ્રમણ કે સુશ્રાવક આ બે જ ભેદો કહેલા છે. ત્રીજો ભેદ કહેતો નથી. અથવા ભગવંતે શાસ્ત્રોમાં જે પ્રમાણે ઉપદેશેલ છે, તે પ્રમાણે સુશ્રમણપણાનું પાલન કરવું. તે જ પ્રમાણે સુશ્રાવકપણું યથાર્થ રીતે પાલન કરવું જોઈએ. પરંતુ શ્રમણે પોતાના શ્રમણપણામાં અતિચાર ન લાગવા દેવા જોઈએ કે શ્રાવકે શ્રાવકપણાના વ્રતોમાં અતિચાર ન લગાડવા જોઈએ.
નિરતિચાર વ્રતો પ્રશંસ્ય છે. તેવા નિરતિચાર વ્રતોનું સેવન કરવું. જે આ શ્રમણધર્મ સર્વવિરતિ સ્વરૂપ હોવાથી નિર્વિકાર છૂટછાટ વગરનો સુવિચાર અને પૂર્ણ વિચાર યુક્ત છે. જે પ્રમાણે મહાવ્રતો પાલન કરવાના શાસ્ત્રમાં જણાવેલા છે, તેમ યથાર્થ પાલન કરવા જોઈએ. જ્યારે શ્રાવક માટે તો હજારો પ્રકારના વિધાનો છે, તે વ્રત પાળે અને તેમાં અતિચાર ન લાગે તે પ્રમાણે શ્રાવકો અણુવ્રત ગ્રહણ કરે.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati