Mahanisiha 308
Mahānisīha: ṭīkānusārī vivecana 308
- Language
- Gujarati
308
‘મહાનિશીથ’ સૂત્ર-૬૯૩ :– [૫/–/૬૯૩]
ભગવન્! શું તેમાં રહી આ ગુરુવાસ સેવે ખરો? ગૌતમ! હા, કોઈક સાધુ નક્કી તેમાં રહી ગુરુકુળવાસ સેવે અને કોઈ એવા પણ હોય કે જેઓ તેવા ગચ્છમાં ન વસે. ભગવન્! એમ શા કારણથી કહેવાય છે કે કોઈક વસે અને કોઈક ન વસે? ગૌતમ! એક આત્મા આજ્ઞાનો આરાધક છે અને બીજો આજ્ઞાનો વિરાધક છે. જે ગુરુઆજ્ઞામાં રહેલો છે, તે સમ્યગ્ દર્શન, જ્ઞાન, ચારિત્રનો આરાધક છે. જે સમ્યગ્ જ્ઞાન-દર્શન-ચારિત્રનો આરાધક છે તે હે ગૌતમ! અતિ જાણકાર, મોક્ષમાર્ગમાં અતિ ઉદ્યમ કરનાર છે. જે ગુરુઆજ્ઞાને અનુસરતો નથી, તે આજ્ઞાની વિરાધના કરે છે, તે અનુમાનુબંધી ક્રોધ-માન-માયા-લોભવાળા ચારે કષાયો યુક્ત હોય તે સજ્જડ રાગ, દ્વેષ, મોહ અને મિથ્યાત્વના પૂંજવાળા હોય છે. જેઓ ગાઢ રાગ-દ્વેષાદિવાળા છે, તે ઉપમા ન આપી શકાય તેવા ઘોર સંસાર-સમુદ્રમાં આમ-તેમ અટવાયા કરે છે. અનુત્તર ઘોર સંસાર-સમુદ્રમાં અટવાનારને ફરી જન્મ-ફરી જરા-ફરી મૃત્યુ, વળી પાછા જન્મ-વૃદ્ધાવસ્થા-મૃત્યુ કરીને પાછા ઘણાં ભવોનું પરાવર્તન કરવું પડે છે. વળી તેમાં ૮૪ લાખ યોનિમાં વારંવાર ઉત્પન્ન થવું પડે છે. વળી, વારંવાર અતિદુઃસહ ઘોર ગાઢ કાળા અંધકારવાળા, રુધિરથી ખદબદતા, ચરબી, પરુ, ઉલટી, પિત્ત, કફના કાદવવાળા, દુર્ગન્ધ યુક્ત અશુચિ વહેતા, ગર્ભની ચારે બાજુ વીંટળાયેલ, ઓર, ફેંફસા, વિષ્ઠા, પેશાબ આદિથી ભરપૂર, અનિષ્ટ, ઉદ્વેગ કરાવનાર, અતિઘોર, ચંડ, રૌદ્ર દુઃખોથી ભયંકર એવા ગર્ભની પરંપરાઓમાં પ્રવેશ કરવો તે ખરેખર દુઃખ છે, ક્લેશ છે, રોગ છે, આતંક છે, શોક-સંતાપ છે અને ઉદ્વેગ કરાવનાર છે. તે અશાંતિ કરાવનાર છે, તેથી યથાસ્થિતિ ઈષ્ટ મનોરથોની અપ્રાપ્તિ કરાવનાર છે. તેને કારણે તેને પાંચે પ્રકારના અંતરાય કર્મનો ઉદય થાય છે.
જ્યાં પાંચે પ્રકારે કર્મનો ઉદય થાય છે, એમાં સર્વ દુઃખના અગ્રભૂત એવું પ્રથમ દારિદ્ર ઉત્પન્ન થાય છે. દારિદ્ર હોય ત્યાં અપયશ, ખોટા આળ ચડવા, અપકીર્તિ, કલંકાદિ અનેક દુઃખોનો ઢગલો એકઠો થાય છે. તેવા દુઃખોનો યોગ થાય ત્યારે સર્વે લોકોથી લજ્જા પમાડનાર, નીંદનીય, ગર્હનીય, અવર્ણવાદ કરાવનાર, દુગંધ કરાવનાર, સર્વથી પરાભવ પમાય તેવા જીવિતવાળો થાય છે ત્યારે સમ્યગ્ દર્શનાદિ ગુણો તેનાથી ઘણાં દૂર થાય છે, મનુષ્ય જન્મ ફોગટ જાય છે અથવા ધર્મથી સર્વથા હારી જાય છે.
જેઓ સમ્યગ્ દર્શનાદિ ગુણોથી અતિશય મુક્ત થાય છે તે આશ્રવ દ્વારોને રોકી કે બંધ કરી શકતા નથી. ઘણાં મોટાં પાપકર્મના નિવાસભૂત બને છે તે કર્મનો બંધક બને છે તેથી કેદખાનાના કેદી સમાન પરાધીન થાય છે. એટલે સર્વ અકલ્યાણ-અમંગળની જાળમાં ફસાય છે. ત્યાંથી છૂટવું અતિ મુશ્કેલ છે કેમકે ઘણાં કર્કશ, ગાઢ, બદ્ધ, સ્પૃષ્ટ, નિકાચીતસેવી કર્મની ગ્રંથિ એકદમ તોડી શકાતી નથી, તે કારણે એકેન્દ્રિય-પણામાં, બે ઈન્દ્રિય – તેઈન્દ્રિય, ચઉરિન્દ્રિય, પંચેન્દ્રિયપણામાં, નારકી-તિર્યંચ-કુમનુષ્યપણામાં, અનેક પ્રકારે શારીરિક, માનસિક દુઃખો અનુભવવા પડે છે. અશાતા ભોગવવી પડે છે. આ કારણે હે ગૌતમ! એમ કહેવાય છે કે કેટલાંક આત્માઓ હોય છે કે જેઓ ગીતાર્થના ગચ્છમાં રહી ગુરુકુળવાસ સેવે છે અને કેટલાંક સેવતા નથી.
Linked texts (2)
- Mahānisīha (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit
- Mahānisīha: Gujarati translation (Dīparatnasāgara, 2020) — Gujarati