Pramāṇa · Search · About · API

Dasaveyaliya 176

Dasaveyāliya: ṭīkānusārī vivecana 176

Language
Gujarati

176

વિવેચન–૧૧ થી ૧૪
[૧૧] પક્ખંદે૦ વિચારે છે કે – આ જ્વાળા માળાથી આકુળ પણ મુર્મુરાદિ રૂપ નહીં, તે ધૂમાડાથી પ્રત્યક્ષ છે, પણ ઉલ્કાપાત જેવી અગ્નિ નથી અને દુઃખથી તેમાં પડાય તેવું છે. અર્થાત્‌ બળતાં પ્રત્યક્ષ અગ્નિમાં પડવું દુઃખદાયી છે. છતાં તે સ્વીકારીને પણ વમેલ ઝેર પાછું પીવા અગંધન કૂલોત્પન્ન સાપો ઈચ્છતા નથી. નાગના બે ભેદ – ગંધન અને અગંધન. તેમાં ગંધન કોઈને કરડે, તો મંત્રવાદી મંત્રથી બોલાવે, તો તે ઝેર પાછું પી જાય પણ અગંધન સર્પ બળી મરે, પરંતુ ઝેર ન પીવે. તેનો ઉપસંહાર આ પ્રમાણે છે – જો તિર્યંચ પણ કુળના અભિમાનથી જીવિતને તજે, પણ વમેલું ઝેર પાછું ન પીવે, તો હું જિનવચનજ્ઞ વિષય વિપાકના દારૂણ ફળ જાણનારો કઈ રીતે ભોગને વાંછું? આ જ વિષયમાં બીજું ઉદાહરણ કહે છે –
જ્યારે અરિષ્ટનેમિએ દીક્ષા લીધી, ત્યારે રથનેમીએ રાજીમતીને પરણવા ઈચ્છા જણાવી. પરંતુ રાજીમતી પણ કામભોગથી નિર્વર્ણ થઈ ગયેલી. તેણીએ જાણ્યું કે આ મારામાં આસક્ત છે. કોઈ વખતે તેણીએ મધ ઘી સાથે પેયી પીધી. રથનેમી આવ્યો ત્યારે રાજીમતીએ મીંઢણચૂર્ણ ફાકી વમન કર્યું. પેયીની ઉલટી થઈ. રથનેમીને તે પીવા કહ્યું. તે બોલ્યો, વમેલુ કેમ પીવાય? રાજીમતીએ તેને કહ્યું – તો અરિષ્ટનેમિ સ્વામી વડે તજાયેલી મને કેમ પીવા ઈચ્છો છો? આ વિષયનું અધિકૃત સૂત્ર કહે છે –
[૧૨] રાજીમતીએ કહ્યું – તારા પૌરુષને ધિક્કાર થાઓ. હે યશના કામી! ઉલટો અર્થ છે - હે અપયશના કામી! તને ધિક્કાર થાઓ. કેમકે તું અસંયમ જીવિત હેતુથી, ભગવંતે તજેલીને વમેલા ભોજન માફક ગ્રહણ કરવા ઈચ્છે છે, તેથી તારે જીવવા કરતાં મર્યાદા ઉલ્લંઘવાથી મરવું સારું છે. આ પાપ કરવું સારું નથી. પછી રાજીમતીએ ધર્મ કહ્યો. રથનેમી બોધ પામ્યો, દીક્ષા લીધી. તેને બોધ આપીને રાજીમતીએ પણ દીક્ષા લીધી. કોઈ દિવસે, તે રથનેમી દ્વારાવતીમાં ભિક્ષાર્થે સ્વામી પાસે આવ્યા. વરસાદને કારણે કોઈ ગુફામાં પ્રવેશ્યા. રાજીમતી પણ સ્વામીને વંદનાર્થે ગયેલા. વાંદીને ઉપાશ્રયે પાછા જતા હતા. માર્ગમાં વર્ષાથી ભીંજાતા તે જ ગુફામાં પ્રવેશ્યા. ભીંજાયેલા વસ્ત્રો ખુલ્લા કરી પસાર્યા. તેણીના અંગ-ઉપાંગ જોઈને રથનેમી તેણીમાં આસક્ત થયા. રાજીમતી પણ તેની ચેષ્ટાથી તેના અશુભ ભાવોને ઓળખી ગયા. ત્યારે તેને આમ કહ્યું –
[૧૩] હું ભોગરાજ - ઉગ્રસેનની પુત્રી છું, તું અંધકવૃષ્ણિ - સમુદ્રવિજયનો પુત્ર છે. આપણા બંનેનું ઉત્તમ કુળ છે. આપણે ગંધનકુળના સાપ જેવા ન થઈએ. સુખે સંયમમાં ચર - સર્વ દુઃખ નિવારક ક્રિયાને કર.
[૧૪] જો તું આવી ઈચ્છા કે પ્રાર્થના કરીશ કે જ્યાં-જ્યાં સ્ત્રીઓ જોઈશ, તેમાં-તેમાં આ શોભન કે અશોભન છે, આ સેવવા યોગ્ય છે એવો ભાવ કરીશ, તો વાયુથી હણાયેલ ‘હડ’ વનસ્પતિની જેમ અસ્થિત આત્મા થઈશ. સંસાર-સાગરમાં પવનથી પ્રેરિત સુખ-દુઃખના ક્ષયનું નિબંધન જે સંયમ તેના ગુણોમાં મૂળ - ચિત્ત ન રહેવાથી આમ-તેમ ભટકીશ. ચારિત્ર લીધેલ રાજીમતીનું આવું વૈરાગ્યોત્પાદક સુભાષિત વચન રથનેમીએ સાંભળ્યું. ત્યારે અંકુશથી હાથી વશ રહે તેનું દૃષ્ટાંત – વસંતપુર નામે નગર હતું. ત્યાં એક શ્રેષ્ઠીવધૂ નદીમાં નહાતી હતી. તેને જોઈને યુવકે પૂછ્યુ, તું સુખથી નહાઈ? આનંદથી શોભિત છે. હું અને આ કિનારાના વૃક્ષો તારા પગે પડીએ છીએ. ત્યારે તેણી બોલી – તને નદી શુભદા થાઓ. નદીવૃક્ષો ઘણું જીવો. સુસ્નાત પૂછનારનું પ્રિય કરવા અમે પ્રયત્ન કરીશું. તે યુવક તે સ્ત્રીના ઘર કે દ્વારને જાણતો ન હતો. તપાસ કરતાં તે સ્ત્રીની ભાળ મેળવી. પરંતુ યુવક તેનો વિરહ ન સહી શક્યો. પરિવ્રાજિકાને શોધીને ભિક્ષા વડે સંતુષ્ટ કરી. તેણીએ પૂછ્યું કે તારી શી સેવા કરું? તેણે કહ્યું – અમૂકની પુત્રવધૂને તું મારી કર. પરિવ્રાજિકાએ સ્ત્રીને સંદેશો આપ્યો. તે સ્ત્રીએ રોષથી શાહીવાળી હથેળી કરી, તેણીની પીઠમાં પંચાંગુલીની છાપ પાડી. યુવક સમજી ગયો કે કૃષ્ણ પાંચમે પાછલા દ્વારેથી આવવા કહ્યું છે. તે બંને અશોકવાટિકામાં મળ્યા અને સાથે સૂતા.
મોડી રાત્રે પેશાબ કરવા નીકળેલ સસરાએ તેમને જોયા. ખબર પડી કે આ કોઈ દુરાચારી છે. પુત્રવધૂના પગનું ઝાંઝર કાઢી લીધું. સ્ત્રીએ જાણ્યું, યુવકને ભગાડી દીધો. આપત્તિમાં સહાય કરવાનું વચન લઈ લીધું. તે સ્ત્રી પોતાના પતિને ઉઠાડીને ગરમીના બહાને બહાર લાવી, બંને ત્યાં સૂઈ ગયા. પછી પતિને ઉઠાડીને ફરિયાદ કરી કે સસરાજી પગનું ઝાંઝર લઈ ગયા, આ યોગ્ય છે? સસરાને પુત્રને સમજાવ્યું કે આ સ્ત્રી દુરાચારિણી છે. તે સ્ત્રી બોલી કે હું બધાના દેખતા મારું કલંક દૂર કરીશ. યક્ષમંદિરે ચાલી, યક્ષના પગમાં અપરાધી ન નીકળી શકતા, નિરપરાધી નીકળી જતાં હતાં. ત્યારે તે યુવક - પ્રિયતમ પિશાચરૂપ કરીને આવ્યો, પેલી સ્ત્રીને ગળે વળગી પડ્યો. પછી તે સ્ત્રી યક્ષ પાસે જઈને બોલી કે મારા પતિ અને આ પિશાચને છોડીને જો મેં કોઈ પુરુષને જાણ્યો-સેવ્યો હોય, તો મને અટકાવજે. યક્ષ વિલખો થઈ વિચારે છે કે આ ધૂર્તા મને પણ છેતરે છે. આ ધૂર્તા સતી નથી. પરંતુ હું પણ તેથીથી છેતરાયો છું. યક્ષ વિચારતો હતો તેટલામાં તેણી નીકળી ગઈ, લોકોએ તે વૃદ્ધનો ઘણો તિરસ્કાર કર્યો. તે અધૃતિથી તે વૃદ્ધની નિદ્રા ચાલી ગઈ. રાજાએ તેને અંતઃપુર રક્ષક રૂપે નીમ્યો. અભિષેક્ય હસ્તિ-રત્ન વાસગૃહની નીચે બાંધેલો. કોઈ રાણી મહાવતમાં આસક્ત થઈ. હાથી સૂંઢ વડે તેણીને નીચે ઉતારતો. સવારે પાછી મૂકી દેતો. એ પ્રમાણે કાળ જતો હતો.
કોઈ રાત્રે રાણીને બહું મોડું થતાં મહાવતે હાથીની સાંકળ વડે મારી. રાણી બોલી કે હું કંઈ સૂઈ નહોતી ગઈ. તું મારા ઉપર રોષ ન કર. તે વૃદ્ધે આ બધું જોઈને વિચાર્યું કે જ્યારે રક્ષાયેલી રાણીઓ આવું કરે તો સદા સ્વચ્છંદા સ્ત્રી આવું કરે તેમાં શી નવાઈ? સવારે બધાં જાગી ગયા, પણ પે’લો વૃદ્ધ સૂઈ ગયેલો તે ન ઉઠ્યો. રાજાએ સૂવા દીધો. ઘણાં કાળે ઉઠ્યો ત્યારે પૂછતાં બધું કહી દીધું. કોઈ એક રાણી છે, તે દુરાચાર કરે છે.
રાજાએ માટીનો હાથી કરાવ્યો. આની પૂજા કરીને ઉલ્લંઘો. ત્યારે બધી રાણીએ ઉલ્લંઘન કર્યું. એક રાણી બોલી – હું ડરું છું, હું નહીં ઉલ્લંઘું. ત્યારે રાજાએ કમળ માર્યું. તેણી મૂર્ચ્છિત થઈ પડી ગઈ. રાજાએ જાણ્યું કે આ અપરાધિની છે. રાણીને કહ્યું કે – ઉન્મત્ત હાથી ઉપર બેસી શકે છે અને માટીના હાથીથી ડરે છે? સાંકળનો માર સહે છે, કમળથી મૂર્ચ્છા પામે છે? તેના શરીરે સાંકળનો પ્રહાર જોયો. ક્રોધિત થઈને રાણી, મહાવત તથા હાથી ત્રણેને ડુંગર ઉપર ચડાવ્યા. મહાવતને કહ્યું – હાથીને નીચે પાડી દે. બંને બાજુ વેણુગ્રાહ રાખ્યો. હાથીએ ક્રમશઃ એક, બે, ત્રણ પગ ઊંચા કરીને માત્ર એક પગે ઊભો રહ્યો. લોકો કહેવા લાગ્યા કે આવા હસ્તિરત્નને શા માટે મારો છો? હાથીને નીચે ઊતારવા કહ્યું. મહાવતે અંકુશ બતાવીને હાથીને નીચે ઊતાર્યો. તે વખતે અંકુશ બતાવીને ઉતારેલો. આ દૃષ્ટાંતનો પરમાર્થ સૂત્રાર્થથી કહ્યો છે.

Linked texts (1)