Dasaveyaliya 181
Dasaveyāliya: ṭīkānusārī vivecana 181
- Language
- Gujarati
181
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૮૨ થી ૧૮૮ + વિવેચન [૩/૧૮૨ થી ૧૮૮ + વિવેચન]
દર્શનાચાર, જ્ઞાનાચાર, ચારિત્રાચાર, તપાચાર, વીર્યાચાર એ પાંચ ભેદે ભાવાચાર જાણવો. તેમાં દર્શન એટલે સમ્યગ્ દર્શન પણ ચક્ષુ આદિ દર્શન નહીં. તે ક્ષાયોપશમિકાદિ રૂપત્વથી ભાવ જ છે. તેથી તેનું આચરણ તે દર્શનાચાર. એ પ્રમાણે બધામાં યોજવું. હવે ભાવાર્થ કહે છે–
દર્શનાચાર આઠ ભેદે છે – નિઃશંકિત આદિ. જેનામાંથી શંકા નીકળી ગયેલ છે, તે નિઃશંકિત અર્થાત્ દેશ શંકા રહિત. તેમાં દેશ શંકા આ રીતે – જીવત્વ સમાન છે, તો એક ભવ્ય અને બીજો અભવ્ય કેમ? સર્વ શંકા – પ્રાકૃતમાં બધાં શાસ્ત્રો હોવાથી તે પરિકલ્પિત જ હશે. પણ વિચારતા નથી કે ભાવો હેતુથી ગ્રાહ્ય છે, અહેતુથી અગ્રાહ્ય છે. તેમાં હેતુગ્રાહ્ય તે - જીવ અસ્તિત્વ આદિ. અહેતુગ્રાહ્ય તે ભવ્યત્વ આદિ, કેમકે અમારા જેવા ઈન્દ્રિય જ્ઞાનીઓને તે હેતુનું પ્રકૃષ્ટ જ્ઞાનનું ગોચરત્વ ન થઈ શકે.
પ્રાકૃતમાં રચવાનું કારણ પણ બાળ આદિ સાધારણ માટે છે. તે દૃષ્ટ, ઈષ્ટ અને અવિરુદ્ધ છે. તે માટે આવશ્યકમાં ‘પેય-અપેય’નું દૃષ્ટાંત જાણવું. નિઃશંકિત જીવ જ અર્હત્ શાસન પ્રતિપન્ન છે. તે દર્શનના આચરણના પ્રાધાન્યની વિવક્ષાથી દર્શનાચાર કહેવાય છે. અહીં દર્શન અને દર્શનીનું અભેદત્વ કહ્યું. ઈત્યાદિ - X - આ પ્રમાણે શેષ પદોમાં પણ કહેવું.
૦ નિષ્કાંક્ષિત – દેશ અને સર્વકાંક્ષા રહિત. દેશકાંક્ષા તે દિગમ્બર દર્શનાદિને ઈચ્છે, સર્વકાંક્ષા તે બધાં દર્શનની ઈચ્છા કરે. પણ છ જીવનિકાયની પીડા, તથા અસત્ પ્રરૂપણાના લાગતા દોષને વિચારતો નથી. અહીં રાજા અમાત્યનું ઉદાહરણ આવશ્યક સૂત્ર મુજબ જાણવું.
૦ વિચિકિત્સા – જેનો મતિ વિભ્રમ દૂર થયો છે તે. કોઈ માને કે આ જિનદર્શન તો સારું છે, પણ તેમાં પ્રવૃત્ત એવા મને તેનું ફળ મળશે કે નહીં મળે તે વિચિકિત્સા છે. - X - વિકલ્પરહિત ભાવ તે નિર્વિચિકિત્સા. અહીં અંશ વડે જ નિઃશંકિતથી ભિન્ન છે. અહીં વિદ્યા સાધકનું દૃષ્ટાંત આવશ્યકમાં છે. અથવા નિર્વિચિકિત્સ એટલે સાધુ જુગુપ્સારહિત. અહીં શ્રાવકપુત્રીનું દૃષ્ટાંત આવશ્યકમાં છે.
૦ અમૂઢ દૃષ્ટિ – બાલ તપસ્વીની તપોવિદ્યા અથવા અતિશય દર્શનથી મૂઢ ન બને, મૂઢ - સ્વરૂપથી ચલિત ન હોય. દૃષ્ટિ - સમ્યગ્ દર્શન રૂપ. અહીં સુલસા શ્રાવિકાનું દૃષ્ટાંત છે – અંબડ નામે લૌકિક ઋષિ રાજગૃહ જતો હતો, ત્યારે ઘણાં ભવ્ય જીવોના સ્થિરીકરણાર્થે ભગવંતે ‘સુલસા’ના ખબર પૂછવા કહ્યું. અંબડને થયું સુલસા પુન્યવતી છે. અંબડે તેણીની અનેક રીતે પરીક્ષા કરી, તેણી સંમૂઢ ન થઈ. એ પ્રમાણે કુતીર્થીની ઋદ્ધિ જોઈને, કોઈએ તેનાથી સંમૂઢ ન થવું, તે અમૂઢ દૃષ્ટિ.
આટલો ગુણીપ્રધાન દર્શનાચારનો નિર્દેશ કર્યો. હવે ગુણપ્રધાન કહે છે – ઉપબૃંહણા અને સ્થિરીકરણ - સમાન ધાર્મિકોના સદ્ગુણોની પ્રશંસા વડે તેની વૃદ્ધિ કરવી તે ઉપબૃંહણા અને ધર્મથી સીદાતાને ધર્મમાં સ્થાપવા તે સ્થિરીકરણ.
ઉપબૃંહણાનું દૃષ્ટાંત – રાજગૃહ નગરમાં શ્રેણિક રાજા હતો. શક્રેન્દ્રએ તેના સમ્યક્ત્વને પ્રશંસ્યું. એ દેવે તેની શ્રદ્ધા ન કરીને, શ્રેણિક બહાર જતાં ક્ષુલ્લક રૂપે માછલાં પકડવા લાગ્યો. શ્રેણિકે અટકાવ્યો. આગળ ગર્ભવતી સાધ્વી જોઈ. તેણીને કોઈ ન જાણે તેમ તેનું પ્રસૂતિકાર્ય કર્યું. ત્યારે તે દેવે દિવ્યરૂપ પ્રગટ કરી કહ્યું – ઓ શ્રેણિક! તમે જન્મ અને જીવિત બંનેને સફળ કર્યા છે કે - જે તમારી પ્રવચન ઉપર આવી ભક્તિ છે. આ રીતે સાધર્મિકને ઉપબૃંહણા કરે.
૦ સ્થિરીકરણનું ઉદાહરણ – ઉજ્જૈનીમાં આષાઢાચાર્ય કાળ કરતા સાધુને કહેતા કે મને દર્શન આપજે, ઉત્તરાધ્યયનમાં આ દૃષ્ટાંત જોવું. તે ચારિત્ર મૂકવા તૈયાર થયા ત્યારે છેલ્લા શિષ્યએ સ્થિર કર્યા.
૦ વાત્સલ્ય અને પ્રભાવના – વાત્સલ્ય એટલે સમાન ધાર્મિકને પ્રીતિ અને ઉપકારનું કારણ. પ્રભાવના એટલે ધર્મકથાદિ વડે તીર્થની ખ્યાતિ કરવી તે. તેમાં વાત્સલ્યમાં દૃષ્ટાંત – વજ્રસ્વામીએ જે રીતે દુર્ભિક્ષમાં સંઘની રક્ષા કરી ઈત્યાદિ આવશ્યક ટીકાથી જાણવું. પ્રભાવનાનું દૃષ્ટાંત – વજ્રસ્વામીએ જે રીતે અગ્નિશીખ પાસેથી ફૂલો લાવીને શાસનની પ્રભાવના કરી, આ પણ આવશ્યકથી જાણવું. એ પ્રમાણે સાધુએ સર્વ પ્રયત્નથી કરવી. - X
પ્રવચન પ્રભાવના સ્વ અને પર ઉપકારિણી છે. તીર્થંકર નામ-કર્મ બંધાવનારી છે. તેથી ભેદ વડે પ્રવચન પ્રભાવકોનું સ્વરૂપ કહે છે – અતિશયી - અવધિ આદિ જ્ઞાનથી યુક્ત, આમર્ષ ઔષધિ આદિ ઋદ્ધિવાળા સાધુ કે આચાર્ય. વાદી, ધર્મકથી, ક્ષપક (તપસ્વી), નૈમિત્તિક એ પ્રસિદ્ધ છે. વિદ્યાસિદ્ધ - આર્ય ખપુટ માફક સિદ્ધમંત્ર, મંત્રી આદિ તે રાજ સંમત, મહત્તરાદિ તે ગણ સંમત, ‘ચ’ શબ્દથી દાન શ્રાદ્ધકાદિ લેવા. આ બધાં તીર્થ અર્થાત્ પ્રવચનની પ્રભાવના કરે છે - X -. દર્શનાચાર કહ્યો.
હવે જ્ઞાનાચાર કહે છે – અંગપ્રવિષ્ટ આદિનો કહેલા કાળમાં જ સ્વાધ્યાય કરવો, અન્ય સમયે નહીં. કેમકે તે તીર્થંકર વચન છે. - X - અહીં ઉદાહરણ છે – એક સાધુ પ્રાદોષિક કાળમાં પહેલી પોરિસી પૂરી થયા પછી કાલિક શ્રુત ભણતા હતા. સમ્યક્ દૃષ્ટિ દેવતાએ વિચાર્યું કે આને કોઈ પ્રાંત દેવતા છળે નહીં તેમ કરું. તેણી ‘છાશ લ્યો ને છાશ’ એમ બોલતી વારંવાર ત્યાંથી ચાલે છે. સાધુને સ્વાધ્યાયમાં વિઘાત થતાં તે બોલે છે – હે અજ્ઞાની સ્ત્રી! શું આ છાશ વેચવાનો કાળ છે? દેવી બોલી – તો શું આ કાલિક શ્રુત ભણવાનો સમય છે? ત્યારે સાધુએ જાણ્યું કે આ કોઈ સામાન્ય સ્ત્રી નથી, તુરંત ઉપયોગ મૂક્યો, મધ્યરાત્રિ જાણી, ‘મિચ્છામિ દુક્કડં’ દીધું. - X - X - એ રીતે કાળે સ્વાધ્યાય કરવો.
૦ શ્રુતગ્રહણ કરનાર ગુરુનો વિનય કરવો જોઈએ. વિનય - અભ્યુત્થાન, પગ ધોવા વગેરે. અવિનયથી ગૃહીત અફળ થાય છે. ઉદાહરણ–શ્રેણિક રાજાની રાણીએ કહ્યું, મને એક સ્તંભ પ્રાસાદ કરાવી દો. અધ્યયન-૧-માં કહેલ છે. તેથી વિનયથી ભણવું, અવિનયથી નહીં.
૦ શ્રુતગ્રહણમાં ઉદ્યતે ગુરુનું બહુમાન કરવું જોઈએ. તેથી ક્ષેપ વિના શ્રુતનું અધિક ફળ થાય છે. વિનય અને બહુમાન સંબંધી આ ચૌભંગી કહે છે – (૧) વિનય અને બહુમાન યુક્ત, (૨) વિનય રહિત - બહુમાનયુક્ત, (૩) વિનયયુક્ત - બહુમાન રહિત. (૪) વિનય - બહુમાન રહિત. વિનય અને બહુમાનનું દૃષ્ટાંત –
એક પહાડની ગુફામાં શિવજીનું મંદિર હતું. ત્યાં બ્રાહ્મણ અને ભીલ બંને પૂજા કરતા હતા. બ્રાહ્મણ - X - વિનયવાળો હતો, પણ બહુમાન રહિત હતો. પણ ભીલ શિવજી પ્રત્યે બહુમાનભાવ રાખે છે, પણ વિનય નથી તેથી ગંદા પાણીથી સ્નાન કરાવે છે. શિવજી તેની સાથે પ્રત્યક્ષ વાતો કરવા લાગ્યા. બ્રાહ્મણે બંનેનો સ્વર સાંભળ્યો. ભીલ ગયા પછી બ્રાહ્મણે શિવજીની સેવા કરી, ઠપકો આપ્યો કે તમે આવા કટપૂતના શિવજી છો, આવી હલકી જાતના સાથે વાતો કરો છો? શિવજીએ કહ્યું તેનામાં બહુમાન છે, જે તારામાં નથી. કોઈ વખતે શિવજીની એક જ આંખ જોઈ, બ્રાહ્મણ રડીને શાંત થઈ ગયો. ભીલે તીર વડે આંખ કાઢીને શિવજીને ચઢાવી. ત્યારે શિવજીએ બ્રાહ્મણને ખાત્રી કરાવી. એ પ્રમાણે જ્ઞાનવાળાએ વિનય અને બહુમાન બંને રાખવા જોઈએ.
૦ શ્રુત ગ્રહણ કરનારે ઉપધાન કરવા જોઈએ. ઉપધાન એટલે તપ. જો આ અધ્યયનમાં આગાઢ આદિ યોગલક્ષણ કહ્યા, તે-તે કરવા જોઈએ. તે ઉપધાન પૂર્વક શ્રુતનું ગ્રહણ જ સફળ થાય. તેનું ઉદાહરણ – એક આચાર્ય વાચનામાં શ્રાંત, પરિતાંત થતાં સ્વાધ્યાયમાં અસ્વાધ્યાયિક જાહેર કરવા લાગ્યા. જ્ઞાનાંતરાય બાંધી કાળ કરી દેવલોકે ગયા. ત્યાંથી ચ્યવીને આહીર કુળમાં ઉત્પન્ન થયા. કોઈ વખતે તેને પુત્રી થઈ. તે ઘણી રૂપવતી હતી. તે બંને ગાયો ચરાવવા અન્યત્ર જતાં હતા.
તે આહીર પોતાનું ગાડું બધાં ગાડાંની આગળ લઈ ગયો. તેની પુત્રી-કન્યા ગાડાંના ઘુંસરા ઉપર બેઠી. યુવકોને થયું, આપણે ગાડું સાથે રાખીને કન્યાને જોતા જઈએ. તેમણે ઉન્માર્ગે ગાડાં ચલાવ્યા. ગાડાં ભાંગ્યા. લોકોએ તે કન્યાનું નામ ‘અશકટા’ રાખી દીધું. તેના પિતાને ‘અશકટા-તાત’ કહેવા લાગ્યા. લોકની મૂઢ દશા જોઈને આહીરને વૈરાગ્ય થયો. દીક્ષા લીધી. ‘ચાતુરંગીય’ અધ્યયન સુધી ભણ્યો. ‘અસંખ્ય’ અધ્યયન ઉદ્દિષ્ટ કરાવતા પૂર્વ જ્ઞાનાવરણીય કર્મ ઉદયમાં આવ્યું. ભણે છતાં યાદ ન રહે. - X - આચાર્યએ કહ્યું કે – તને ન આવડે ત્યાં સુધી આયંબિલ કરવા. તે બાર વર્ષે બાર ગાથા ભણ્યો. ત્યાં સુધી આયંબિલ કર્યા. તેના જ્ઞાનાવરણીય કર્મો ક્ષય પામ્યા. આ રીતે સાધુએ આગાઢ યોગને સમ્યક્ પાળવા જોઈએ.
૦ અનિહ્નવ – ગ્રહણ કરેલ શ્રુતને ન છૂપાવવું. જેની પાસે ભણ્યા તેનું જ નામ કહેવું જોઈએ. નહીં તો ચિત્તની કલુષતા રૂપ દોષ થાય. દૃષ્ટાંત – કોઈ નાપિતને અસ્ત્રો આદિનું ભાજન - કોથળી વિદ્યાના સામર્થ્યથી આકાશમાં ચાલતી હતી. કોઈ પરિવ્રાજક તેની પાસે વિદ્યા શીખ્યો. બીજે જઈને ત્રિદંડને આકાશમાં ચલાવતા મહાજન વડે પૂજાયો. રાજાએ પૂછ્યું કે આ વિદ્યાતિશય છે કે તપનો અતિશય? તે બોલ્યો – વિદ્યાતિશય. કોની પાસે ભણ્યા? ઋષિ પાસે. આમ સંક્લેશ દુષ્ટતાથી બોલતાં જ તે દંડ ખટ્ કરતો પડ્યો. - X - એ રીતે મલિન ચિત્તપણાથી પરલોકને વિશે હિતકારી ન થાય.
૦ વ્યંજન, અર્થ, તદુભય શુદ્ધ બોલવા. તે જો ન બોલે તો શ્રુતજ્ઞાન ન થાય, તેથી ભણતાં કે અર્થમાં ભેદ ન કરવો. વ્યંજન ભેદ આ છે – ધમ્મો મંગલમુક્કિઠ ને બદલે તે જ અર્થવાળા પુણ્ણં કલ્લાણમુક્કોસં બોલે. એ જ પ્રમાણે વૃત્તિકારશ્રી અર્થભેદ અને ઉભયભેદનું દૃષ્ટાંત પણ આપે છે. - X - X - વ્યંજન ભેદ થવાથી અર્થભેદ થાય, અર્થભેદથી ક્રિયાભેદ થાય, તેનાથી મોક્ષનો અભાવ થાય, તેના અભાવે દીક્ષા નિરર્થક થાય. આ વિષયમાં ‘અંધીયતાં કુમાર’ દૃષ્ટાંત છે, તે અનુયોગદ્વારથી જાણવું.
કાળ આદિ ભેદ દ્વારથી જ્ઞાનાચાર આઠ પ્રકારે છે. તે કહ્યા.
હવે ચારિત્રાચાર કહે છે – પ્રણિધાન - ચિત્તનું સ્વાસ્થ્ય. તે જેમાં પ્રધાન છે, એવો યોગ-વ્યાપાર, તેનાથી યુક્ત. તે પ્રણિધાનયોગ યુક્ત. અથવા પાંચ સમિતિમાં અને ત્રણ ગુપ્તિમાં આવા જ પ્રણિધાન યોગયુક્ત જે છે તે આ ચારિત્રાચાર. આચાર અને આચારવાળાના કંઈક અભેદથી તે આઠ ભેદે થાય છે, તેમ જાણવું. સમિતિ અને ગુપ્તિના ભેદથી. સમિતિ અને ગુપ્તિનું સ્વરૂપ શુભ પ્રવિચાર - અપ્રવિચાર રૂપ પ્રતિક્રમણમાં કહ્યા મુજબ જાણવું. ચારિત્રાચાર કહ્યો. હવે તપાચાર કહે છે –
બાર પ્રકારના અભ્યંતર તથા બાહ્ય તપનું વર્ણન અધ્યયન-૧-મુજબ જાણવું. બાહ્યમાં અનશનાદિ, અભ્યંતરમાં પ્રાયશ્ચિત્તાદિ છે. તીર્થંકરે બતાવેલ આ તપ ગ્લાની રહિત કરવો, રાજ વેઠ માફક ન ગણતાં, યથાશક્તિ સ્પૃહા રહિત મોક્ષ માટે સમજીને જાણવો. તે તપાચાર છે. - X -.
હવે વીર્યાચાર કહે છે – બળ અને વીર્ય અર્થાત્ બાહ્ય-અભ્યંતર સામર્થ્ય છૂપાવ્યા વિના યથોક્ત ૩૬ લક્ષણવાળા અર્થાત્ જ્ઞાન, દર્શન, ચારિત્રના આઠ-આઠ અને તપાચારના બાર એ ૩૬ ભેદવાળા આચારમાં ઉપયુક્ત થાય ને પરાક્રમ કરે, એટલે ગ્રહણકાળમાં ઉદ્યુક્ત રહે. પોતાના સામર્થ્ય અનુસાર પ્રવર્તે તે વીર્યાચાર છે. - X - X - હવે કથા સ્વરૂપ કહે છે –