Dasaveyaliya 182
Dasaveyāliya: ṭīkānusārī vivecana 182
- Language
- Gujarati
182
‘દશવૈકાલિક’ નિર્યુક્તિ–૧૮૯ થી ૧૯૨ + વિવેચન [૩/૧૮૯ થી ૧૯૨ + વિવેચન]
(૧) અર્થકથા-વિદ્યા આદિ અર્થ, તેની પ્રધાન કથા. એ રીતે (૨) કામકથા, (૩) ધર્મકથા જાણવી. (૪) મિશ્રકથા. આ કથાઓની એક-એક કથા પણ અનેક ભેદે હોય છે. આ રીતે ગાથાર્થ કહીને તેનો વિસ્તાર કહે છે –
અર્થકથા – વિદ્યા, શિલ્પ, ઉપાય, અનિર્વેદ, સંચય, દક્ષત્વ, શામ, દંડ, ભેદ, ઉપપ્રદાન તે અર્થ પ્રધાનત્વ આદિ કથા. ભાવાર્થ આ પ્રમાણે – વિદ્યાને આશ્રીને અર્થકથા કે જે વિદ્યા વડે ધનનું ઉપાર્જન કરે. કોઈએ વિદ્યા સાધી, તે તેને પ્રભાતે પાંચ મુદ્રા આપે છે. અથવા સત્યકી વિદ્યાધર (તથા) ચક્રવર્તીને વિદ્યા પ્રભાવથી ભોગો મળ્યા. સત્યકીને આવશ્યક ટીકાથી જાણવો.
હવે ‘શિલ્પ’ને કહે છે. શિલ્પથી ધન ઉપાર્જે છે. દૃષ્ટાંત – કોકાસ. ઉપાયમાં ચાણક્યનું દૃષ્ટાંત. ચાણક્યએ ઘણાં ઉપાયોથી ધન મેળવ્યું. હવે અનિર્વેદ અને સંચયમાં એક જ ઉદાહરણ મમ્મણ વણિક્નું છે. આ ત્રણે દૃષ્ટાંત આવશ્યક ટીકાથી જાણવા. હવે ‘દક્ષત્વ’ તે પ્રસંગ સહ કહે છે – દક્ષત્વથી સાર્થવાહ પુત્રને પાંચ, સૌંદર્યથી શ્રેષ્ઠીપુત્રને - ૧૦૦, મંત્રીપુત્રને બુદ્ધિથી ૧૦૦૦, રાજપુત્રને પુન્યથી - એક લાખ મૂલ્ય પ્રાપ્ત થયું. આ ગાથાર્થ કહ્યો. ભાવાર્થ આ છે –
બ્રહ્મદત્ત કુમાર, કુમાર મંત્રીપુત્ર, શ્રેષ્ઠીપુત્ર અને સાર્થવાહપુત્ર એ ચારેમાં પરસ્પર વાદ થયો કે કોણ, કોનાથી જીવે છે? રાજપુત્ર બોલ્યો – હું પુન્યથી જીવું છું, કુમાર મંત્રીપુત્ર બોલ્યો - હું બુદ્ધિથી, શ્રેષ્ઠીપુત્ર બોલ્યો - હું રૂપથી, સાર્થવાહ પુત્ર બોલ્યો - હું દક્ષત્વથી જીવું છું. તેઓ બોલ્યા કે – અન્યત્ર જઈને આપણે આની પરીક્ષા કરીએ. કોઈ ન જાણતું હોય તેવા નગરમાં તેઓ ગયા. ઉદ્યાનમાં રહ્યા. દક્ષને આદેશ કર્યો – શીઘ્ર ભોજન લાવ. તે કોઈ વૃદ્ધ વણિકની દુકાને ઊભો રહ્યો. ત્યાં ઘણાં ખરીદનાર આવ્યા. વણિક પડીકા બાંધવા અસમર્થ હતો. સાર્થવાહ પુત્રે દક્ષત્વથી જેને જે જોઈએ તે મીઠું, તેલ, ઘી, ગોળ આદિ આપ્યા. વણિકને ઘણો લાભ થયો. તે સંતુષ્ટ થઈ બોલ્યો કે – તમે અહીંના છો કે આગંતુક? તે બોલ્યો – આગંતુક. વણિકે ભોજન માટે નિમંત્રણા કરી. બધાં ભોજનાર્થે આવ્યા. વણિકે તેમને ભોજન, સત્કાર, પાન, સોપારી આદિ આપીને પાંચ રૂપિયા આપ્યા.
બીજા દિવસે રૂપજીવી શ્રેષ્ઠીપુત્રને કહ્યું – આજે તારે ભોજન અપાવવું. તે સારી રીતે મંડિત થઈને ગણિકાના મહોલ્લામાં ગયો. ત્યાં દેવદત્તા નામે ગણિકા પુરુષ દ્વેષિણી હતી, તેણી ઘણાં રાજપુત્રો, શ્રેષ્ઠીપુત્રોએ માંગણી કરવા છતાં જતી નથી. શ્રેષ્ઠીપુત્રનું સુંદર રૂપ જોઈને ક્ષુભિત થઈ. દાસીએ તે વાત તેણીની માતાને કહી. માતાએ કહ્યું કે તેને અમારે ત્યાં ભોજન અર્થે નિમંત્રો. - X - બધાં શ્રેષ્ઠીપુત્રની સાથે ત્યાં જમ્યા. ૧૦૦ દ્રવ્યનો વ્યય થયો.
ત્રીજે દિવસે બુદ્ધિમાન્ અમાત્યપુત્રને કહ્યું – આજે તારે ભોજન અપાવવું. તે કરણશાલા - ન્યાયાલયે ગયો. ત્યાં બે શોક્યોનો એક પુત્ર માટે વિવાદ હતો, બે દિવસ સુધી નિકાલ ન આવ્યો. મંત્રીપુત્ર આવ્યો. તેણે ન્યાય આપ્યો કે ધનના અને પુત્રના બે ભાગ કરીને વહેંચી દો. તેની ખરી માતા બોલી - મારે દ્રવ્યનું કામ નથી, પુત્ર પણ તેને આપી દો. જેથી હું તેને જીવતો જોઈ શકું. બીજી માતા મૌન રહી. ખરી માતાએ પુત્ર આપી દીધો. ખરી માતાએ પ્રસન્ન થઈ (ભોજન આપ્યું.) પૂર્વવત્ ૧૦૦ મૂલ્યનો ખર્ચ થયો.
ચોથા દિવસે રાજપુત્રને કહ્યું – આજે તારે પુણ્ય વડે યોગવહન કરાવવું. રાજપુત્ર ઉદ્યાનમાં ગયો. ત્યાં રાજા અપુત્ર મરી ગયેલો. રાજાને પસંદ કરવા અશ્વ તૈયાર કર્યો. અશ્વ રાજપુત્ર પાસે જઈને ઊભો રહ્યો. તેને રાજ્યપદે સ્થાપ્યો. અનેક લાખની પ્રાપ્તિ થઈ. આ પ્રમાણે અર્થ પ્રાપ્તિ થઈ.
હવે શામ, ભેદ, દંડ, ઉપપ્રદાન એ ચારથી અર્થ મળે છે, તે બતાવે છે. તેનું દૃષ્ટાંત – શિયાળે ભમતા મરેલ હાથીને જોયો. તેને થયું કે મારે આને નિશ્ચયથી ખાવો. તેટલામાં સિંહ આવ્યો. શિયાળે વિચાર્યું કે સિંહની ચેષ્ટા જોતાં ઊભા રહેવું. સિંહે કહ્યું – કેમ ભાણીયા! ઊભો છે? શિયાળ બોલ્યો – હા, મામા. સિંહે કહ્યું – આ કોણ મર્યું છે? શિયાળ બોલ્યો – હાથી. કોણે માર્યો? વાઘે. સિંહે વિચાર્યું, નીચ જાતિએ મારેલ હું કેમ ખાઉં? સિંહ ગયો. વાઘ આવ્યો. તેને કહ્યું કે, સિંહે મારેલ છે, તે પાણી પીવા ગયો છે. વાઘ ભાગી ગયો. આ ભેદનું દૃષ્ટાંત હતું. કાગડો આવ્યો, તેણે વિચાર્યું - જો હું આને નહીં આપું તો ‘કા-કા’ કરીને કાગડા ભેગા કરશે. તેના શબ્દથી શિયાળ વગેરે આવશે, કેટલાને રોકીશ? કેટલાંને આપીશ? એમ વિચારી કાગડાને કકડો કાપી દીધો. આ દાનનું દૃષ્ટાંત છે. ત્યાં બીજો શિયાળ આવ્યો. પે’લા શિયાળે વિચાર્યું કે તેની સાથે હઠ કરીને અટકાવું, આવેલા શિયાળને તેણે ભગાડી દીધો. - X - અર્થકથા કહી.