Dasaveyaliya 233
Dasaveyāliya: ṭīkānusārī vivecana 233
- Language
- Gujarati
233
વિવેચન–૩૨/૨
સંભળાય તે શ્રુત - પ્રતિ વિશિષ્ટ અર્થ પ્રતિપાદન ફળવાળું વાગ્યોગ માત્ર ભગવંતે કહેલ વચન પોતાના કર્ણમાં પ્રવેશેલ અને ક્ષાયોપ-શમિક ભાવે પરિણામને પ્રગટ કરનાર કારણ તે શ્રુત કહેવાય છે. તે શ્રુત - અવધૃત - અવગૃહીત એ એકાર્થક પર્યાયો છે. સૂત્રમાં મયા શબ્દ આત્મ પરામર્શ છે. હે આયુષ્યમાન્! આમંત્રણ છે, તે સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. તે ભગવંતે સમોસરણમાં કહેલ, તે મેં સાંભળેલ. ભગ - સમગ્ર ઐશ્વર્યાદિ રૂપ છે. - X - તે જેને હોય તે ભગવાન્ - વર્ધમાન સ્વામી. તેઓએ કેવલજ્ઞાન પામીને આ કહેલ છે –
આ ‘છ જીવનિકાય’ નામે અધ્યયન છે. આ લોક કે પ્રવચનમાં, અન્ય તીર્થંકરના પ્રવચનમાં છ જીવનિકાયનો અર્થ બધે સમાન છે. ‘મેં સાંભળેલ છે.’ આના વડે - આત્મ પરામર્શથી એકાંત ક્ષણભંગ દૂર કરવા કહે છે. તે ક્ષણભંગમાં આ પ્રમાણે અર્થની ઉત્પત્તિ થાય . હે આયુષ્યમાન્! ઉત્તમ ગુણથી બનેલ આમંત્રણ વચન વડે ગુણવાળા શિષ્યને આગમનું રહસ્ય આપવું, પણ ગુણરહિતને ન આપવું, તે તેની અનુકંપાની પ્રવૃત્તિ છે. આ સિદ્ધાંતનું રહસ્ય તુચ્છ બુદ્ધિવાળાનો નાશ કરે છે. વળી આયુ તે પ્રધાન ગુણ છે. આયુ લાંબુ હોય તો પોતે પહેલાં ભણી પછી શિષ્યોને ભણાવી પરંપરા ચાલુ રાખે. ‘તે ભગવંતે કહ્યું’ એ વચનથી એમ સૂચવેલ છે કે - મેં મતિ કલ્પનાથી કહ્યું તેમ નહીં, પણ શાસ્ત્ર પારતંત્ર્ય દર્શાવેલ છે. અસર્વજ્ઞએ અને આત્મજ્ઞાન વિમુખ પુરુષે આત્માનો ઊલટો, સમ્યક્ રીતે અવિચારીત, પરલોક સંબંધી ઉપદેશ ન આપવો. કેમકે તેથી વિપર્યયનો સંભવ છે. - X -
હવે સૂત્રના એકદેશને બીજી રીતે કહે છે –
આઉસંતેણ૦ એ ભગવંતનું વિશેષણ છે. આયુષ્યવાળા ભગવંત અર્થાત્ ‘ચિરંજીવ’ એ મંગળ વચન છે. અથવા જીવિત ભગવંતે સાક્ષાત્ કહ્યું છે. આ વચન વડે ગણધરો દ્વારા પરંપરાગમ થયું. જીવન વિમુક્ત અનાદિ શુદ્ધ બોલનારનો અપોહ કહ્યો. કેમકે દેહાદિ અભાવે તથાવિધ બોલવાના પ્રયત્નનો અભાવ થાય. - X - અથવા ‘આવસંતેણ’ અર્થ લેતા ગુરુના ચરણમાં વસતા, આના વડે શિષ્યએ સદા ગુરુ ચરણસેવી થયું તે કહ્યું છે. તેથી જ્ઞાનાદિની વૃદ્ધિ થાય છે. અથવા આમુસંતેણ પાઠ લેતા - ભગવંતના ચરણયુગલને મસ્તક વડે સ્પર્શતા મેં સાંભળ્યું. આના વડે વિનય પ્રતિપત્તિ કહી. કેમકે વિનય એ મોક્ષનું મૂળ છે. - X -
આ છ જીવનિકાય કોણે પ્રવેદિત કે પ્રરૂપિત કર્યું છે? શ્રમણ એટલે મહાતપસ્વી, ભગવતા - સમગ્ર ઐશ્વર્યાદિ યુક્ત, મહાવીર - કષાય આદિ શત્રુનો જય કરવાથી મહાવિક્રાંત. મહાન્ એવા વીર તે ‘મહાવીર’ તે કાશ્યપગોત્રીય વીરે કહ્યું છે. બીજે ક્યાંયથી સાંભળીને જાણેલ નથી, પણ સ્વયં જ કેવળજ્ઞાનના પ્રકર્ષ વડે જાણેલ છે. તથા દેવ-મનુષ્ય-અસુરોની પર્ષદામાં સારી રીતે કહેલ છે. જેમ છે તેમ જ કહેલ છે. સૂક્ષ્મ પરિહારના આસેવન વડે પ્રકર્ષથી સમ્યગ્ આસેવિત છે. - X - આવા ‘છ જીવનિકાય’ અધ્યયનને ભણતાં મારું કલ્યાણ છે. મમ - આત્માનું. ભણવું - સાંભળવું - ભાવવું એકાર્થક છે. - X - અધ્યયનપણાથી આત્માને અંદર લાવવો, તે ચિત્તની વિશુદ્ધિ પ્રાપ્તિથી થાય. ધર્મપ્રજ્ઞપ્તિ - ધર્મનું જણાવવું તે. ધર્મને જણાવવાના કારણથી ચિત્તની વિશુદ્ધિ થાય. વિશુદ્ધિ થવાથી ભણવું તે આત્માને શ્રેયસ્કર છે. - X - X -
અભિમાન છોડીને સંવિગ્ન શિષ્યએ બધાં કાર્યોમાં ગુરુને પૂછવું અને ગુરુએ ગુણવાન્ શિષ્યને ઉપદેશ આપવો. તે આ પ્રમાણે – પૃથ્વી વગેરે ઉદાહરણ બતાવવા માટે છે. પૃથ્વી - કાઠિન્ય લક્ષણવાળી, પ્રસિદ્ધ છે. તે જ કાયા - શરીર જેનું છે, તે પૃથ્વીકાય. તે જ પૃથ્વીકાયિક જીવ છે. આપ - દ્રવ્યરૂપ છે, તે જેનું શરીર છે તે અપ્કાયિક. એ પ્રમાણે તેજ - ઉષ્ણ લક્ષણ છે. વાયુ - ચલન ધર્મવાળો પ્રસિદ્ધ છે. વનસ્પતિ - લતા આદિ રૂપ. એ પ્રમાણે ત્રાસ પામવાના સ્વભાવવાળા તે ત્રસ. કાય - શરીર, જેને છે તે ત્રસકાયિક. અહીં બધાં જીવોના આધારપણે હોવાથી પહેલાં પૃથ્વી-કાયિક પહેલો કહ્યો. પૃથ્વી ઉપર પાણી રહે છે, માટે અપ્કાયિક બીજો કહ્યો. પાણીના પ્રતિપક્ષ અગ્નિ હોવાથી તેઉકાયિક ત્રીજો કહ્યો છે. અગ્નિનો ઉપકારી હોવાથી પછી વાયુકાયિક કહ્યો. વાયુ વૃક્ષોની શાખાના કંપનથી વનસ્પતિકાય પાંચમે કહ્યો. વનસ્પતિને ત્રસ જીવોનું ઉપગ્રહકત્વ છે, તેથી ત્રસકાય કહ્યો.
હવે વિપ્રતિપત્તિના નિરાસ માટે ફરી કહે છે – પૃથ્વી જે ઉક્ત લક્ષણ છે, તે સજીવ - ચેતનાવંત છે. અહીં ‘માત્ર’ શબ્દ સ્તોકવાચી છે. જેમકે - સરસવના ત્રીજા ભાગ માત્ર છે. અર્થાત્ તેનું થોડું જ જ્ઞાન છે. કેમકે તેને પ્રબળ મોહના ઉદયથી બધાંથી થોડું ચૈતન્ય એકેન્દ્રિય જીવોને છે. તેનાથી કંઈક અધિક બેઈન્દ્રિયાદિને છે. એમ સર્વજ્ઞએ કહેલ છે. તેમાં અનેક જીવો છે, એક જીવ નથી. વૈદિક મતે પૃથ્વી એકજીવ છે. પણ સ્વમતે પૃથ્વીમાં અનેક જીવો છે. ઈત્યાદિ - X - X - શસ્ત્ર વડે પરિણત પૃથ્વી સિવાયની અન્ય પૃથ્વી સચિત્ત - જીવવાળી જાણવી. પૃથ્વીનું શસ્ત્ર શું છે? તે દ્રવ્ય અને ભાવ બે ભેદે શસ્ત્ર કહેલ છે –