Pramāṇa · Search · About · API

Dasaveyaliya 266

Dasaveyāliya: ṭīkānusārī vivecana 266

Language
Gujarati

266

વિવેચન–૪૭ થી ૫૫
હવે ઉપદેશ નામે પાંચમો અધિકાર કહે છે. જયણા રાખ્યા વિના અર્થાત્‌ ઉપદેશ વિના કે સૂત્રની આજ્ઞા વિના ચાલવું આદિ ક્રિયામાં થતાં દોષને બતાવે છે. તે આ રીતે – (૧) અજયણાથી ચાલતા - ઈર્યા સમિતિનું ઉલ્લંઘન કરીને, બીજી રીતે નહીં. તેનાથી બેઈન્દ્રિયાદિ પ્રાણી અને એકેન્દ્રિય આદિ ભૂતોને પ્રમાદથી કે અનાભોગથી હણે છે - પીડે છે. તેમની હિંસા કરતો અકુશળ પરિણામથી ક્લિષ્ટ જ્ઞાનાવરણીયાદિ કર્મો બાંધે. તે પાપકર્મ તેને આયતચારી - દુઃખદાતા થાય છે. અશુભ ફળદાયી અર્થાત્‌ મોહાદિ હેતુપણાથી દારુણ વિપાકવાળા થાય છે. એ પ્રમાણે અજયણાથી ઉભતા - ઊંચે સ્થાને અસમાહિતપણે હાથ, પગ આદિ મૂકતા. અજયણાથી બેસતા - આકુંચનાદિમાં ઉપયોગ રહિતપણાથી. અજયણાથી સૂતા - અસમાહિતપણે અથવા દિવસના ખૂબ ઉંઘવાથી. અજયણાથી ખાતા - નિષ્પ્રયોજન, પ્રણીત અથવા કાગડા કે શિયાળ માફક ભક્ષણ કરતા. અયતનાથી બોલતા - ગૃહસ્થ ભાષાથી, કઠોર વચન કે અંતર ભાષાદિ વડે. આ છ બાબતે કટુફળ દેનારા પાપકર્મો બાંધે.
જો એ પ્રમાણે પાપકર્મ બંધાય તો - પૂછે છે કે કઈ પ્રકારે ચાલવું, ઉભવું આદિ કરે? જેથી પાપકર્મ ન બંધાય. આચાર્યશ્રી કહે છે – (૧) જયણાથી ચાલે - સૂત્રોપદેશથી ઈર્યાસમિત થઈને. (૨) જયણાથી ઊભે - હાથ-પગ હલાવ્યા વિના. (૩) આકુંચનાદિ રહિત જયણાથી બેસે. (૪) જયણાથી વિધિપૂર્વક રાત્રિના સૂવે અને પ્રકામ શય્યાદિનો પરિહાર કરે. (૫) પ્રયોજન હોય ત્યારે જ, અપ્રણીત, પ્રતર - સિંહ ભક્ષિતાદિ ખાય. (૬) મૃદુ અને કાલપ્રાપ્ત જ બોલે તો ક્લિષ્ટ, અકુશલાનુબંધી, જ્ઞાનાવરણ આદિ કર્મો ન બાંધે. કેમકે નિરાશ્રવ અને વિહિત અનુષ્ઠાન પરત્વ હોય.
વળી - બધાં જીવોને આત્મવત્‌ જુએ. વીતરાગે કહેલ વિધિથી પૃથ્વી આદિ ભૂતોને જોતો, પ્રાણાતિપાતાદિ આશ્રવને રોકતો, ઈન્દ્રિય અને મનનું દમન કરીને પાપકર્મ બંધ ન કરે. તેથી સંપૂર્ણપણે દયામાં જ પ્રયત્ન કરવો. આ જાણીને જ્ઞાનાભ્યાસી શું જરૂર? એમ કોઈ શિષ્ય વિચારે, તો તેના વિભ્રમને નિવારવા કહે છે –

Linked texts (1)