Dasaveyaliya 282
Dasaveyāliya: ṭīkānusārī vivecana 282
- Language
- Gujarati
282
વિવેચન–૮૪ થી ૮૬
અનંતર સૂત્રમાં પહેલાં વ્રતની યાતના કહી, અહીં ચોથા વ્રતની યતના કહે છે – ગણિકાના ઘરની નિકટ ન જાય. કેમકે મૈથુન વિરતિરૂપ બ્રહ્મચર્ય પાળવા જે સાધુ ઈચ્છે છે, તેને ત્યાં જતાં દર્શનથી ચિત્તમાં વ્યાક્ષેપ થાય. સાધુ ઈન્દ્રિય અને નોઈન્દ્રિયના દમનાર હોય, વેશ્યાગૃહ સમીપે જવાથી તેના રૂપના દર્શન કે સ્મરણ અપધ્યાનરૂપ કચરાથી જ્ઞાન અને શ્રદ્ધારૂપ જળને વિઘ્ન થતાં ચિત્તમાં વિક્રિયા થાય છે. આ દોષ એક વખત વૈશ્યાગૃહ સમીપે જવાથી કહ્યો. હવે વારંવાર જવાનો દોષ કહે છે –
અનાયતન એટલે વેશ્યા કે દુરાચારીના સ્થાન પાસે વારંવાર જતાં પ્રાણાતિપાત આદિ વ્રતોમાં ક્ષતિ થાય, આક્ષિપ્ત ચિત્તથી ભાવ વિરાધના થાય, શ્રમણભાવમાં દ્રવ્યથી રજોહરણાદિ ધારણ રૂપ અને ભાવથી વ્રતપ્રધાન હેતુમાં સંશય થાય, કદાચિત દીક્ષા છોડી દે.
પૂર્વાચાર્ય કૃત વ્યાખ્યા – વૈશ્યાદિગત ભાવથી મૈથુનની પીડા થાય. અનુપયોગથી એષણા કરતા હિંસા થાય, કોઈ પૂછે તો અસત્ય વચન બોલે, વેશ્યાના દર્શનની જિનાજ્ઞા ન હોવાથી અદત્તાદાન, મમત્વ કરવાથી પરિગ્રહ એમ બધાં વ્રતને ક્ષતિ પહોંચે. સાધુપણામાં પણ સંશય થાય. તેથી આ અનંતરોક્ત દુર્ગતિવર્ધન વચનો જાણીને મુનિ વૈશ્યાલયસમીપે જવાનો ત્યાગકરે અને મોક્ષનો આશ્રયકરે. (શંકા) પહેલાં વ્રતની વિરાધના પછી સીધી જ ચોથા વ્રતની વિરાધના કેમ કહી? પ્રાધાન્ય જણાવવા માટે. બીજા વ્રતો કરતા તેની મહત્તા જણાવવા. હવે વિશેષથી કહે છે–
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit