Pramāṇa · Search · About · API

Dasaveyaliya 316

Dasaveyāliya: ṭīkānusārī vivecana 316

Language
Gujarati

316

વિવેચન–૧૬૨ થી ૧૭૧
વસતિને આશ્રીને ભોજનવિધિ કહે છે – કદાચ બીજા કારણોના અભાવમાં સાધુ વસતિમાં આવીને ભોજન કરવા ઈચ્છે તો આ વિધિ છે. વિશુદ્ધ આહારાદિ સહ વસતિમાં આવે, ત્યાં બહાર જ સ્થાનને જોઈને વિધિપૂર્વક ત્યાં રહી અન્ન-પાન તપાસી લે. તપાસીને નૈષેધિકી કરી - ‘નમો ખમાસમણાણં’ બોલી, અંજલિ જોડીને વસતિમાં પ્રવેશે. પછી ગુરૂ સમીપે ‘ઈરિયા વહિયાએ૦’ સૂત્ર બોલીને, કાયોત્સર્ગ કરે. તે કાયોત્સર્ગમાં અનુક્રમે સર્વે અતિચાર આલોવે. કયા અતિચાર? ગમનાગમનના અતિચાર તથા ભોજન-પાનના જે અતિચાર, તે સંયત સાધુ કાયોત્સર્ગમાં હૃદયમાં સ્થાપે. તે અકુટિલ મતિવાળો, બધે ભૂખ આદિનો જય કરીને પ્રશાંત થઈ, અન્યત્ર ઉપયોગ રાખ્યા વિના વિધિપૂર્વક ગુરુની પાસે નિવેદન કરે. જે પ્રકારે કોઈ હાથ ધોતી હતી, તેની પાસેથી લીધું છે.
કદાચ કોઈ સૂક્ષ્મ દોષ અજાણપણાથી કે વિસરી જવાથી રહેલ હોય, પૂર્વકર્મ કે પશ્ચાત્કર્મ થયેલ હોય, તો ફરીથી આલોચના ઉત્તરકાળે તેને પ્રતિક્રમે તે સૂક્ષ્મ અતિચારને ‘ઈચ્છિત પડિક્કમિઉં ગોઅરચરિઆએ’ ઈત્યાદિ સૂત્ર ભણીને કાયોત્સર્ગમાં રહીને આ પ્રમાણે ચિંતવે – ‘અહો જિણેહિં અસાવજ્જા૦’ ગાથા. જેનો ગાથાર્થ કહ્યો. વિશેષ વૃત્તિ આ છે – ‘અહો’ વિસ્મયની વાત છે. અસાવદ્ય - અપાપ, દેસિયા - ઉપદેશેલ છે. મોક્ષસાધન - સમ્યગ્‌દર્શન જ્ઞાન ચારિત્ર સાધન, સાધુને દેહને ધારણ કરવા માટે બતાવેલ છે. ‘નમો અરિહંતાણં’ બોલીને કાયોત્સર્ગ પારીને ‘લોગસ્સ’ સૂત્રરૂપ જિન સંસ્તવ કરે. પછી પૂર્વે સ્વાધ્યાય પ્રસ્થાપિત ન હોય તો સ્વાધ્યાયને પ્રસ્થાપીને (સજ્ઝાય પઠાવીને) મંડલી ઉપજીવક તે જ કરે, જ્યાં સુધીમાં બીજા સાધુઓ આવે. કોઈ તપસ્વી આવે તો તે પણ સ્વાધ્યાય સ્થાપી વિશ્રાંતિ લે.
વિશ્રાંતિ લેતા મુનિ પરિણત ચિત્તથી આ પ્રમાણે ચિંતવે – કલ્યાણ પ્રાપ્ત કરાવનાર, નિર્જરાદિ અર્થ આનો છે તે લાભાર્થિક (વિચારે કે) મારી ઉપર અનુગ્રહ કરીને સાધુઓ પ્રાસુક ભોજન ગ્રહણ કરે તો હું ભાવસમુદ્રથી તરી જઈશ. એ પ્રમાણે વિચારીને ઉચિત વેળામાં આચાર્યને આમંત્રણા કરે, જો ગ્રહણ કરે તો સુંદર. જો તેઓ કહે કે – તું જ આપ, તો તેટલામાં ગુરુ દ્વારા અનુજ્ઞાત સાધુને મનઃ પ્રણિધાનથી રત્નાધિકના ક્રમે નિમંત્રણા કરે, અથવા ગ્રહણના ઔચિત્યની અપેક્ષાથી કે બાળ આદિના ક્રમથી નિમંત્રણા કરે. જો તે ધર્મબંધુઓ ઈચ્છે તો સાધુ તેની સાથે ઉચિત સંવિભાગ દાનથી સાથે ભોજન કરે. જો કોઈ ન ઈચ્છે તો સાધુ રાગાદિ રહિત થઈ એકલો ભોજન કરે. કઈ રીતે કરે? માખી વગેરે જોઈ શકાય તેવા પ્રકાશવાળા (ખુલ્લા) પાત્રમાં, ઉપયુક્ત થઈને અને હાથ કે મુખમાંથી કંઈ ન પડે તે રીતે ભોજન કરે.

Linked texts (1)