Dasaveyaliya 440
Dasaveyāliya: ṭīkānusārī vivecana 440
- Language
- Gujarati
440
વિવેચન–૩૬૭ થી ૩૭૮
સિદ્ધાંત વિધિથી, શક્તિ હોય ત્યાં સુધી અન્યૂનાતિરિક્ત પોતાના પાત્ર, કંબલ, ઉપકરણાદિ, શય્યા, સંથારો, સ્થંડિલાદિ પડિલેહે. તથા ઉચ્ચાર, પ્રસ્રવણ, શ્લેષ્મ ઈત્યાદિને પહેલાં આંખો વડે અચિત્ત જગ્યા જોઈને પછી સંયત તેને વોસિરાવે. ઉપાશ્રય સ્થાન વિધિ કહી. હવે ગોચર પ્રવેશને આશ્રીને કહે છે – બીજાને ઘેર ભોજન, પાન અર્થે કે ગ્લાનાદિ માટે ઔષધાર્થે જાય ત્યારે ગવાક્ષાદિનું અવલોકન ન કરતો, ઉચિત દેશે ઊભો રહે. યતનાપૂર્વક આગમન પ્રયોજનાદિ ટૂંકમાં જણાવે. દેનાર સ્ત્રીનું રૂપ મનથી પણ ન જુએ. રસાદિમાં પણ મન ન કરે
ગૌચરી ગયેલાને કોઈ કંઈ પૂછે તો આ પ્રમાણે કહે કે – કાનો વડે અનેક પ્રકારે શોભન કે અશોભન શબ્દો સાંભળે છે, અનેક પ્રકારે શોભન-અશોભન ભેદે આંખ વડે રૂપને જુએ છે. એ પ્રમાણે જોયેલ-સાંભળેલ બધાંને સ્વ, પર કે ઉભય હીતને માટે ન કહે, જેમકે મેં તારી પત્નીને રોતી જોઈ કે સાંભળી હતી. - X - તેનાથી તે ગૃહસ્થના ઘરમાં ક્લેશ થતાં ચારિત્રમાં ઉપઘાત થાય. પરંતુ બંનેને હિતકારી હોય તે કહેવું. જેમકે – તમારા શિષ્યને મેં રાજાને શાંતિ પમાડતો જોયો.
આ જ વાતને સ્પષ્ટ કરતાં કહે છે –
બીજાથી સાંભળેલ હોય કે પોતે જોયેલ હોય, તો પણ ઔપઘાતિક વચન ન બોલે. જેમકે – ‘તું ચોર છે.’ અથવા કોઈ પણ ઉપાયે સૂક્ષ્મ ભાંગાએ પણ ગૃહસ્થનો સંબંધ ન કરે. અર્થાત્ તેના બાળકને રમાડવું કે તેના વ્યાપાર સંબંધી પોતે કંઈ પણ ન આચરે. ગૃહસ્થને ઘેર બધાં રસથી યુક્ત રસોઈ હોય કે બગડી ગયેલું નીરસ ભોજન હોય, તો પણ આ સારું છે કે નઠારું છે એવું પોતે બીજાએ પૂછતાં પણ ન કહે. પોતાને મળેલ કે ન મળેલ હોય તો પણ કંઈ ન કહે.
સારા ભોજનમાં રક્ત બનીને ઐશ્વર્યવાળા કુળ ન શોધે. પણ અજાણ્યા ઘરોમાં મોટેથી ધર્મલાભ બોલતો પ્રવેશ કરે. ત્યાં સચિત્ત કે મિશ્ર ભોજન ન લે. વેચાતું લાવેલ કે સાધુ માટે બનાવેલું કે સાધુ માટે દૂરથી આણેલું તેવું દોષિત ભોજન ન લે. આ વિશોધિ-અવિશોધિકારી બતાવી. પૂર્વોક્ત સ્વરૂપની સંનિધિ ન કરે, મુધાજીવી રહે. પદ્મિનીપત્ર અને ઉદકવત્ ગૃહસ્થોથી અસંબદ્ધ રહે. આવા પ્રકારનો થઈ જગત્ના સ્થિર-અસ્થિર જીવોનું રક્ષણ કરતો વિચરે.
વાલ, ચણા આદિ રૂક્ષવૃત્તિથી અસંતુષ્ટ રહે. અલ્પેચ્છા - ન્યૂન ઉદરતાથી આહાર ત્યાગી, સુભર થાય. - X - સ્વપક્ષના ક્રોધ વિપાકના પ્રતિપાદક વીતરાગ વચનને સાંભળીને ક્રોધભાવ ન પામે. કેમકે ક્રોધથી જીવ અસુરપણાનું કર્મ બાંધે છે. જો કોઈ અજ્ઞાની, મિથ્યાદૃષ્ટિ આક્રોશ કરે તો સાધુ વિચારે કે તે મારો કોઈ અપરાધ કરતો નથી, પણ આ મારા પૂર્વકર્મના જ દોષ છે, તેમ સહન કરવાથી જ નિર્જરા થાય છે.
કર્ણસુખના હેતુથી વેણુ-વીણાદિ સંબંધી શબ્દોમાં રાગ ન કરે. અનિષ્ઠ કઠિન સ્પર્શને કાયા વડે સહન કરતાં તે દ્વેષ ન કરે. આ રીતે આદિ-અંતના રાગ-દ્વેષનું નિરાકરણ કરીને બધાં ઈન્દ્રિય વિષયોમાં રાગ-દ્વેષનો પ્રતિષેધ જાણવો. વળી ભૂખ, તરસ, વિષમ ભૂમ્યાદિ શય્યા, શીતોષ્ણ, મોહનીયોદ્ભવ, અરતિ, વ્યાઘ્રાદિથી થતો ભય, અદીન મનવાળો થઈ, શરીરમાં આ દુઃખ થાય છે, પણ શરીર અસાર છે, સમ્યક્ રીતે સહન કરતાં મોક્ષફળદા થાય તેમ વિચારે. સૂર્ય અસ્ત થાય - અદૃશ્ય થાય અને સવારે ન ઉગે ત્યાં સુધી સર્વ કોઈ આહારને મનમાં પણ ન પ્રાર્થે. પછી વચન-કર્મનું તો કહેવું જ શું?
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit