Pramāṇa · Search · About · API

Dasaveyaliya 441

Dasaveyāliya: ṭīkānusārī vivecana 441

Language
Gujarati

441

‘દશવૈકાલિક’ સૂત્ર–૩૭૯ થી ૩૯૦ [૮/૩૭૯ થી ૩૯૦]
[૩૭૯] સાધુ આહાર ન મળે કે નીરસ મળે ત્યારે બબડાટ ન કરે, ચંચળતા ન કરે. અલ્પભાષી, મિતભોજી અને ઉદરનો દમન કરનાર થાય, થોડું મળે તો પણ દાતાને ન નિંદે.
[૩૮૦] કોઈ જીવનો તિરસ્કાર ન કરે, ઉત્કર્ષ પણ પ્રગટ ન કરે. શ્રુત - લાભ - જાતિ - તપ અને બુદ્ધિનો મદ ન કરે.
[૩૮૧] જાણતા કે અજાણતા કોઈ અધાર્મિક કૃત્ય થઈ જાય તો તુરંત પોતાને તેનાથી રોકે તથા બીજી વખત તે કાર્ય ન કરે.
[૩૮૨] અનાચાર સેવીને તેને ન છૂપાવે કે ન અપલાપ કરે, પણ સદા પવિત્ર થઈ પ્રગટ ભાવે, અસંસક્ત અને જિતેન્દ્રિય રહે.
[૩૮૩] મુનિ મહાન આત્મા આચાર્યના વચનને સફળ કરે. તે આચાર્યના કથનને સારી રીતે ગ્રહણ કરી, કાર્ય દ્વારા સંપન્ન કરે.
[૩૮૪] જીવનને અધ્રુવ અને આયુને પરિમિત જાણીને તથા સિદ્ધિ માર્ગમાં વિશેષ રૂપે જ્ઞાન પામીને ભોગોથી નિવૃત્ત થઈ જાય.
[૩૮૫] પોતાનું બળ, પરાક્રમ, શ્રદ્ધા અને આરોગ્યને જોઈને તથા ક્ષેત્ર અને કાળને જાણીને, પોતાના આત્માને ધર્મકાર્યમાં નિયોજિત કરે.
[૩૮૬] જ્યાં સુધી જરા ન પીડે, રોગ વધે નહીં, ઈન્દ્રિયો ક્ષીણ ન થાય, ત્યાં સુધી ધર્મનું સમ્યક્‌ આચરણ કરે.
[૩૮૭ થી ૩૯૦] ક્રોધ, માન, માયા, લોભ પાપવર્ધક છે. આત્મા હિતનો ઈચ્છુક, આ ચારે દોષોનું અવશ્ય વમન કરે. ક્રોધ પ્રીતિનો નાશ કરે છે, માન વિનયનો, માયા મૈત્રીનો અને લોભ સર્વનો વિનાશ કરનાર છે. ક્રોધને ઉપશમથી હણે, માનને માર્દવતાથી જીતે, માયાને આર્જવ ભાવથી અને લોભને સંતોષથી જીતે. અનિગૃહીત ક્રોધ અને માન તથા પ્રવર્ધમાન માયા અને લોભ, આ ચારે સંક્લિષ્ટ કષાયો પુનર્જન્મના મૂળને સીંચે છે.

Linked texts (1)