Dasaveyaliya 457
Dasaveyāliya: ṭīkānusārī vivecana 457
- Language
- Gujarati
457
વિવેચન–૪૧૬ થી ૪૨૪
જે કોઈ દ્રવ્ય સાધુ અને અગંભીર હોય, ગુરુને ક્ષયોપશમની વિચિત્રતાથી તંત્રયુક્તિથી આલોચનામાં અસમર્થ, સત્પ્રજ્ઞારહિત જાણીને, તથા અપ્રાપ્ત વયવાળા છે, એવું બીજું કારણ સ્થાપીને આ બાળક જેવા છે, આગમ ભણ્યા નથી એમ જાણીને અસૂયાથી કે અસૂયા વિના પણ ખિંસા-અપમાન કરે, જેમકે – મશ્કરીમાં કહે, અહો! તેમ તો બહું ભણ્યા છો, વયોવૃદ્ધ છો, બહુશ્રુત છો. અથવા ઈર્ષ્યાથી બોલે કે તમે મંદબુદ્ધિ છો એમ આશાતના કરવાથી મિથ્યાત્વ પામે છે. માટે ગુરુની હીલણા ન કરવી. એ રીતે તત્ત્વ ન જાણવાથી બોલનારા શિષ્યો ગુરુની લઘુતા કરે છે. એકની આશાતનાથી બધાંની આશાતના કરે છે. પોતાના સમ્યગ્દર્શનનો હ્રાસ કરે છે. - X - તેથી ગુરુની આશાતના ન કરવી.
કર્મના વૈચિત્ર્યથી કેટલાંક ગુરુ વયોવૃદ્ધ છતાં સદ્બુદ્ધિ રહિત હોય, કેટલાંક નાના સાધુ પણ અમંદ-બુદ્ધિવાળા હોય છે. તેઓ શ્રુતથી કે બુદ્ધિથી સમ્યક્ પ્રજ્ઞાવાન હોય છે. અથવા ભાવિની વૃત્તિ આશ્રીને અલ્પશ્રુત ગુરુ હોય પણ સર્વથા જ્ઞાનાદિ આચારયુક્ત, ગુણોમાં-સંગ્રહ કરનારા, સારા ભાવમાં આત્માને રમણતા કરાવનારા હોય, તેથી તેમની હીલના ન કરવી. જેમ અગ્નિ ઈંધણને બાળી નાંખે છે, તેમ ગુરુ આશાતનાથી જ્ઞાનાદિ ગુણ સંઘાત પણ ભસ્મસાત્ થાય છે. વિશેષથી ડહર - બાળ સમજીને ગુરુની હીલના કરવાનો દોષ જે બાળ સમજીને કિલિંચનાદિથી કટ્ટર્થના કરે છે, તો જેમ નાનો સાપ પણ તેવી કદર્થનાથી અહિતને માટે થાય છે, તેમ કારણે અપરિણતને આચાર્ય પણ સ્થાપેલા હોય, તેની હીલનાથી શિષ્ય બેઈન્દ્રિયાદિ જાતિરૂપ સંસારે ભટકે.
અહીં દૃષ્ટાંત અને દાર્ષ્ટાન્તિકનું મોટું અંતર બતાવે છે – સાપ પણ કોપાયમાન થાય તો જીવન નાશ-મૃત્યુથી વધુ શું કરે? કંઈ નહીં. પણ આચાર્યની હીલના-અનનુગ્રહમાં પ્રવૃત્ત અબોધિ પામે, તે નિમિત્તે મિથ્યાત્વ સંચિત કરે, એ રીતે ગુરુની આશાતનાથી મોક્ષ ન થાય પણ અબોધિ સંતાન અનુબંધથી અનંત સંસારનું ઉપાર્જન થાય છે. વળી જે બળતા અગ્નિને ઉલ્લંઘે અથવા સાપને કોપાયમાન કરે અથવા જીવવાને અર્થે ઝેર ખાય, તેનાથી જે નુકશાન થાય તેમ ગુરુ સંબંધી આશાતનાથી પણ તેવા જ નુકશાનને પામે. અહીં જ વિશેષથી કહે છે કે – કદાચ મંત્રાદિ પ્રતિબંધથી તેને અગ્નિ ભસ્મસાત્ ન કરે, કોપાયેલો સાપ ડસે નહીં કે કદાચ હળાહળ ઝેર પણ મારી ન નાંખે, એવું કદાચ બની જાય, પણ ગુરુની આશાતના કરનારનો મોક્ષ તો ન જ થાય.
કોઈ કદાચ મસ્તક વડે પર્વતને ભેદવા ઈચ્છે, સૂતેલા સિંહને પર્વતની ગુફામાં જઈ જગાડે, અથવા પ્રહરણ વિશેષના અગ્રભાગથી હાથને પ્રહાર કરે, આવી ઉપમા ગુરુની આશાતનાથી પૂર્વવત્ કહેવી. અહીં વિશેષ કહે છે – કદાચ કોઈ વાસુદેવાદિ પ્રભાવના અતિશયથી મસ્તક વડે પર્વતને ભેદી નાંખે, મંત્રાદિના સામર્થ્યથી કોપાયમાન સિંહ પણ ન ખાઈ જાય, દેવના અનુગ્રહથી પ્રહરણ વિશેષનો પ્રહાર પણ લાગે નહીં, એવું કદાચ બની જાય, પણ ગુરુ આશાતનાથી મોક્ષ ન જ થાય.
એ પ્રમાણે અગ્નિ આદિની આશાતના કરતાં ગુરુની આશાતના વધારે હોય છે, તે અતિશય પ્રદર્શનાર્થે કહે છે – શિષ્યથી આચાર્ય અપ્રસન્ન હોય તો તે મોક્ષ ન પામે, તેથી અવ્યાબાધ સુખનો અભિલાષી શિષ્ય ગુરુના પ્રસાદને ઈચ્છતો, ગુરુને અનુકૂળ વર્તન કરે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit