Pramāṇa · Search · About · API

Dasaveyaliya 501

Dasaveyāliya: ṭīkānusārī vivecana 501

Language
Gujarati

501

વિવેચન–૪૯૦ થી ૪૯૪
ક્રોધાદિ ચારે કષાયોને તેના પ્રતિપક્ષના અભ્યાસથી સદા વમે છે. ધ્રુવયોગી - ઉચિત નિત્ય યોગવાળા થાય છે. તીર્થંકરના વચન વડે ચારિત્રમાં સ્થિર ભાવવાળો થાય છે. ગાય, ભેંસ આદિ ચતુષ્પદની ઉપાધિથી રહિત હોય. સોનુ, રૂપુ ન રાખે અને ગૃહસ્થના સંબંધોને સર્વ પ્રકારે તજી દે, તે ભાવભિક્ષુ છે.
સમ્યગ્‌ દૃષ્ટિ બનીને ચિત્તમાં શંકા ન કરે. મૂઢતાને છોડે અને ત્યજી દેવા યોગ્ય અથવા ગ્રહણ કરવા યોગ્ય જે પદાર્થનું જ્ઞાન છે, તેમાં તથા જે ઈન્દ્રિયથી ન જણાય, ત્યાં બુદ્ધિથી વિચારીને માને તથા બંને પ્રકારનો તપ જે કર્મ મળને દૂર કરવામાં સમર્થ છે, તેને તથા નવા કર્મો ન આવે તેવા સંયમને વિશે દૃઢ ભાવ રાખે અને તે તપ વગેરેથી પૂર્વના પાપોને ઉત્તમ વૃત્તિથી, ત્રણ ગુપ્તિથી ગુપ્ત બની દૂર કરે તે ભિક્ષુ છે.
પૂર્વ ઋષિના વિધાનથી પૂર્વોક્ત સ્વરૂપના અશન અને પાનને તથા અનેક પ્રકારના ખાદ્ય અને સ્વાદ્યને પામીને, પ્રયોજનથી કાલે કે પરમ દિવસે કામ આવશે, તેમ માની અશનાદિને ન સ્વયં રાખે કે ન બીજા પાસે રખાવે કે રાખનારને ન અનુમોદે. જે સર્વથા સંનિધિનો પરિત્યાગ કરનાર બને તે ભિક્ષુ છે.
વળી, તે પ્રમાણે જ અશન, પાન અને વિવિધ ખાદ્ય, સ્વાદ્યને પૂર્વવત્‌ પામીને શું કરે? સમાન આધર્મિક સાધુને નિમંત્રીને ખાય, સ્વ આત્મતુલ્યતાથી તેનું વાત્સલ્ય સિદ્ધ કરે અને ભોજન કરીને સ્વાધ્યાય રત બને. ચ શબ્દથી બાકીના અનુષ્ઠાનરત બને તે ભિક્ષુ છે.
ભિક્ષુના લક્ષણના અધિકારથી જ કહે છે –
કલહ પ્રતિબદ્ધ કથા ન કરે. સદ્વાદ કથાદિમાં પણ બીજા ઉપર કોપ ન કરે. પરંતુ ઈન્દ્રિયોને વશમાં રાખીને રાગાદિ રહિત રહે. પૂર્વોક્ત સંયમમાં સર્વકાળ મન-વચન-કર્મના લક્ષણથી યુક્ત અર્થાત્‌ યોગયુક્ત થઈ પ્રતિભેદમાં ઔચિત્યથી પ્રવૃત્ત થાય તથા કાયાની ચપળતાદિ રહિત - અનાકુળ થાય, ઉચિત કૃત્યમાં અનાદરવાળો ન થાય. બીજા કહે છે – ક્રોધાદિને ઘટાડે, તે ભિક્ષુ છે.

Linked texts (1)