Pramāṇa · Search · About · API

Dasaveyaliya 514

Dasaveyāliya: ṭīkānusārī vivecana 514

Language
Gujarati

514

વિવેચન–૫૧૫ થી ૫૨૦
કોઈ બુદ્ધિમાન સાધુ દીક્ષા છોડીને આ પ્રમાણે પરિતાપ કરે છે – જો હું આજ સુધી સાધુ હોત તો આચાર્ય હોત, પ્રશસ્ત યોગ ભાવનાથી બહુશ્રુત – બહુ આગમયુક્ત થાત. અહીં જિનદેશિત શબ્દથી તીર્થંકર જ લેવા.
દીક્ષા છોડવા ઈચ્છતાના સ્થિરીકરણાર્થે કહે છે – સારા સાધુનો દીક્ષાપર્યાય દેવલોક સમાન છે. કેમ કે દેવલોકમાં પ્રેક્ષણાદિમાં લીન થઈને નિશ્ચિત બેઠા છે તેમ સાધુ સ્થિર મનથી પડિલેહણાદિ ક્રિયામાં પ્રવૃત્ત રહે છે. પણ જે અસ્ત છે – ભાવથી સામાચારીમાં અશક્ત છે. વિષયાભિલાષી અને ભગવંતના વેશના વિડંબક છે, ક્ષુદ્રસત્ત્વ છે. તેમને સાધુપણું રૌરવાદિ તુલ્ય મનના અતિશય દુઃખથી ભયકારી લાગે છે.
ઉપસંહાર કરતાં આનું નિગમન કહે છે –
પૂર્વે કહ્યા મુજબ દેવતા પ્રમાણે સાધુના પ્રશમાદિ ગુણોનું સુખ ચારિત્ર પર્યાયમાં રક્ત અને પડિલેહણાદિ ક્રિયામાં યત્ન કરનારને સુખરૂપ છે અને ચારિત્રમાં અરતિ કરનારને નરક તુલ્ય છે, તેથી આલોક-પરલોકમાં ઘણાં સુખ-દુઃખ વિચારીને પંડિત પુરુષે નિરંતર ચારિત્ર પર્યાયમાં રમણતા કરવી.
ચારિત્ર પર્યાયથી ચ્યુત થનારના ઔહિક દોષ કહે છે – શ્રમણધર્મથી ચ્યુતને તપોલક્ષ્મી નાશ પામે, બુઝાયેલ અગ્નિવત્‌ તે ભ્રષ્ટ સાધુ ઝાંખા લાગે છે, લોકો તેની હીલના કરે છે ઈત્યાદિ – X -.
એ પ્રમાણે ભ્રષ્ટ શીલના હવે ઉભય લોકના દોષોને બતાવે છે –
આ લોકમાં જ અધર્મ, અપયશ અને અપકીર્તિ થાય છે. લોકો કહે છે કે આનું નામ પણ લેવા યોગ્ય નથી. તુચ્છ માણસો પણ આવું કહે તો ઉત્તમ લોકોનું તો કહેવું જ શું? ઉત્પ્રવ્રજિત થયા પછી સ્ત્રી આદિ નિમિત્તે છકાય જીવની હિંસા કરનારા થાય છે. ખંડિત ચારિત્રને કારણે ક્લિષ્ટ કર્મ બાંધે છે અને નરકમાં જાય છે.
આના જ વિશેષ અપાયોને કહે છે –
તે ઉત્પ્રવ્રજિત શબ્દાદિ ભોગો ભોગવીને, ધર્મ નિરપેક્ષતાથી પ્રગટ ચિત્તે અજ્ઞોચિત અધર્મ ફળને કરીને કૃષિ આદિ આરંભરૂપ અધર્મ, અસંતોષી થઈને, મરીને અનિષ્ટ ગતિને પામે છે. જિનધર્મની પ્રાપ્તિ પણ તેને દુર્લભ થાય છે.

Linked texts (1)