Dasaveyaliya 525
Dasaveyāliya: ṭīkānusārī vivecana 525
- Language
- Gujarati
525
વિવેચન–૫૩૪ થી ૫૪૦
અસંક્લિષ્ટની સાથે વસવું તેમ કહ્યું. અહીં વિશેષ કહે છે – કદાચ કાળના દોષથી સંયમ અનુષ્ઠાનમાં કુશળ અને પરલોક સાધવામાં તત્પર એવા બીજા કોઈ સંગાથી ન મળે, અર્થાત્ સંગાથી જ્ઞાનાદિ ગુણમાં અધિક હોય કે સમાન પણ હોય કે સહેજ ઓછા ગુણવાળા હોય, પણ તે ઉત્તમ કંચન જેવો હોય તેની સોબત કરવી. પણ ત્રણમાં એકે ન મળે અને જ્યાં-ત્યાં ગૃહસ્થના પરિચય કરનાર જોવામાં આવે તો તેમનો સંસર્ગ ન કરતાં અથવા કંટાળી હતાશ ન થતાં પોતે એકલો પણ વિચરે.
કેવી રીતે? તે કહે છે – પાપના કારણ એવા ખરાબ કૃત્યોને છોડીને સૂત્રોક્ત ઉત્તમ આચાર વડે, ઉચિત વિહાર વડે વિચરે અને ઈચ્છાકામ વગેરે વિષયની વાંછતાથી સંભાળતો વિચરે પણ પાસત્થા વગેરેની કુસંગતિમાં ન રહે. જો રહે તો તેની દુષ્ટતા પણ પોતાને લાગે.
બીજાઓ પણ કહે છે કે – સાપની સાથે વિચરવું સારું, તથા શઠ આત્માવાળા શત્રુ સાથે પણ રહેવું સારું પણ અધર્મયુક્ત ચપળ એવા મૂર્ખ પાપી મિત્રો સાથે રહેવું કે વર્તવું તે ઘણું જ ખરાબ છે.
કદાચ સાપ કોપિત થાય, તો મૃત્યુ આપે તથા તલવારવાળા શત્રુઓ લાગ જોઈને મારી નાંખે. પણ કુમાર્ગે ચાલતા પુરુષની સાથે સોબત કરતાં આલોક-પરલોક બંનેમાં હણાવું પડે છે.
પરલોક વિરુદ્ધ કાર્ય કરનારને દૂરથી જ તજવા. જે પોતે દુર્ગતિમાં જાય, તે બીજાને હીત કરનારો કેવી રીતે થાય?
બ્રહ્મ હત્યા, દારૂપાન, ચોરી કરવી, ભણાવનારા ગુરુની સ્ત્રીનો સંગ કરવો વગેરે મહાન પાપ પાપીઓની સોબત કરનારા માણસોને થાય.
૦ હવે વિહાર કાલમાન કહે છે –
જ્યાં ચોમાસું કે માસકલ્પ કરેલ હોય, ત્યાં સાધુએ બીજા વર્ષે ન રહેવું અર્થાત્ બે વર્ષ છોડીને પછી ચોમાસું કરે. તેથી વધુ શું કહેવું?
પણ દરેક રીતે સિદ્ધાંતમાં કહેલા માર્ગે સાધુ ચાલે, તેમ પૂર્વ અને પછી એ બંનેમાં વિરોધ ન આવે. એવો યુક્તિ એ પ્રમાણ તથા પરમાર્થ સાધનરૂપ ઉત્સર્ગ અપવાદ સહિત જેમ શાસ્ત્રમાં કહેલ હોય તે પ્રમાણે વર્તે એટલે જરૂર પડતા કારણે રહેવું પડે તો પ્રતિમાસ સાધુ સંથારો, ગૌચરી આદિ બદલતો રહે. તે પ્રમાણે વાંદણા, પ્રતિક્રમણ આદિમાં પણ વિધિસર અનુષ્ઠાન કરતો રહે, પણ લોકહેરીથી ખેદ પામીને મૂકી ન દે. જો મૂકી દે તો આશાતના થાય. આ પ્રમાણે જુદે જુદે સ્થાને વિચરતો આ તેના ગુણોનો ઉપાય હવે બતાવે છે –
૦ મેં શું કર્યું અને મારે શું કરવાનું છે?
તે મધ્યરાત્રિએ ઉઠીને વિચારવું. ઉંમરના પ્રમાણમાં મારે શું શક્ય છે?
અને તે પ્રમાણે હું કેટલું આચરું છું?
એ બધું શાસ્ત્ર રીતીથી વિચારવું. જો તેમ ન કરે તો ગયેલો કાળ ફરીથી આવવાનો નથી.
૦ - તથા - હું કેટલે અંશે સ્ખલિત થયો છું અને તે મારું વિપરીત વર્તન બીજે કોઈ જુએ છે?
તે જોનારો સ્વપક્ષનો છે કે પરપક્ષનો?
મારો આત્મા પોતે જુએ છે કે નહીં?
વળી મારી સ્ખલના સુધારું છું કે નહીં?
એવું ઉત્તમ આગમમાં કહેલી વિધિઓ સારી રીતે હંમેશાં તપાસતો રહે, તેમ ભવિષ્યકાળના પાપનો પ્રબંધ પણ ન કરે.
૦ કઈ રીતે?
જે સાધુને આ પ્રમાણે ભૂલ કબૂલ કરવાનું એટલે મન, વચન, કાયાથી ધર્મ ઉપધિના પ્રતિલેખન આદિમાં પોતાની ભૂલ થયેલી જુએ, તો ધીરજવાળો થઈને, પોતાની ભૂલ સુધારી લે, જેમ ઉત્તમ જાતિનો સારી ચાલવાળો ઘોડો કોઈ સ્થાને ઠોકર ખાય, પણ તુરંત સાવધાન થઈને પોતાના માલીકને બચાવી લે, તેમ ઉત્તમ સાધુ પોતાની થયેલી ભૂલને સુધારી લે છે.
૦ જે પૂર્વરાત્રિ ઈત્યાદિ અધિકારના ઉપસંહારને માટે કહે છે – જે સાધુને પોતાના હીતની વિચારવાની પ્રવૃત્તિ રૂપ મન, વચન, કાયાનો વેપાર છે, તે સાધુ પોતાની ઈન્દ્રિયોને જીતીને સંયમમાં ધૃતિ રાખી પ્રમાદનો જય કરે છે, તે સત્પુરુષની લોકોમાં નિત્ય પ્રશંસા થાય છે. એટલે જ્યારથી તેણે દીક્ષા લીધી, જ્યારથી સામાયિક ઉચ્ચર્યું, તે મરતાં સુધી તેના ઉત્તમ ચારિત્રથી લોકો તેને પ્રતિબુદ્ધ જીવી કહે છે. તે જ સંયત જીવિતથી જીવે છે.
૦ શાસ્ત્રનો ઉપસંહાર કરતાં ઉપદેશ સર્વસ્વ કહે છે –
આત્માને નિશ્ચયથી શક્તિ અનુસાર હંમેશાં પરલોકના અપાયથી બચાવવો જોઈએ.
કેવી રીતે?
સ્પર્શન આદિ બધી ઈન્દ્રિયોના વિષયમાં કુમાર્ગે જતાં અટકાવીને સમાધિવાળા થવું.
જો તે પ્રમાણે આત્માની રક્ષા કરવામાં ન આવે તો જન્મ-મરણના માર્ગરૂપ સંસારમાં ભ્રમણ કરવું પડે. પણ સૂત્રમાં લખ્યા પ્રમાણે અપ્રમાદપણે આત્માની રક્ષા કરવામાં આવે, તો શરીર અને મનના અનેક પ્રકારના દુઃખોથી મૂકાય છે, જેથી જન્મ મરણ ફરીથી ન થાય અને એકાંત શ્રેષ્ઠ શાંતિપદની પ્રાપ્તિ થાય છે.
આ પ્રમાણે સુધર્મા સ્વામી કહે છે.
Linked texts (1)
- Dasaveyāliya (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit