Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1074

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1074

Language
Gujarati

1074

વિવેચન–૫૭૦ થી ૫૭૬
(સૂત્રાર્થ અતિ સ્પષ્ટ છે, તેથી વૃત્તિગત વિશેષતા જ નોંધીએ છીએ.)
અભય - ભયનો અભાવ. તને કંઈ બાળશે નહીં. આ પ્રમાણે તેને આશ્વાસ્ય કરીને કહ્યું – પ્રાણીને અભય દેનાર થા. જેમ તને મૃત્યુનો ભય છે, તેમ બીજાને પણ છે. આ જ અર્થને વ્યતિરેક દ્વારથી કહે છે - આ અશાશ્વત જીવલોકમાં શા માટે પ્રાણીવધ રૂપ હિંસામાં અભિષ્વક્ત છે? જીવલોક પણ અનિત્ય છે, તું પણ અનિત્ય છે, તો થોડાં દિવસ માટે આ પાપ શા માટે ઉપાર્જે છે? આ ઉચિત નથી.
આ પ્રમાણે હિંસાત્યાગનો ઉપદેશ આપીને રાજ્ય પરિત્યાગનો ઉપદેશ કહે છે – આ બધો ખજાનો આદિ અહીં જ છોડીને જવાનું છે. તે પણ અવશપણે જવાનું છે. ક્યાં? અનિત્ય જીવલોકમાં. તો પછી શા માટે રાજાપણાનો ત્યાગ કરતા નથી? રાજ્યનો ત્યાગ જ યુક્ત છે.
જીવલોકના અનિત્યત્વને જ બતાવતા કહે છે – આયુ અને શરીરની શોભા વિદ્યુતના ચમકારા જેવી અતીવ અસ્થિર છે. તે જીવિત અને રૂપમાં તું મોહન ધારણ કરીને રહેલો છે. મૂઢ જ હિંસામાં આસક્ત થાય છે. હે રાજન્‌! તું પરલોકના પ્રયોજનને જાણતો નથી. પછી શું કરવું?
પત્ની, મિત્રો, સ્વજનો જીવતાના જ ઉપાર્જિત ધન આદિના ઉપભોગથી ઉપજીવે છે. મૃત્યુની પાછળ કોઈ જતું નથી. તો શા માટે તું સાથે જાય છે? આ સ્ત્રી આદિ કૃતઘ્નોમાં આસ્થા રાખીને ધર્મમાં ઉદાસીન થવાનું યુક્ત નથી. ફરી તેના નિબંધનના નિરાકરણને માટે કહે છે– મરણ પામેલાના પુત્રો પિતાને, ઘણું દુઃખ થાય તો પણ ઘરમાંથી કાઢી જાય છે, હે રાજન્‌! તો શું કરવું જોઈએ? તપ આચર.
વળી તે મૃતના નીહરણ પછી તેણે અર્જિત કરેલ ધન આદિ અને સર્વ ઉપાયથી પરિપાલિત સ્ત્રી વગેરેની સાથે તે મિત્ર આદિ વિલાસ કરે છે. હે રાજન્‌! તે બીજા, હૃષ્ટ - બહારથી પુલકાદિવાળા, તુષ્ટ - અંતરની પ્રીતિવાળા, અલંકૃત - વિભૂષિત થઈ તે જ ધનથી અને સ્ત્રીઓથી વિલાસ કરે છે. હે રાજન્‌! આવી ભવસ્થિતિ છે, તેથી તપ કર.
મરનારનું શું વૃત્તાંત છે, તે કહે છે – મરેલ વ્યક્તિએ જે શુભ - પુન્યપ્રકૃતિ રૂપ અથવા સુખહેતુક કર્મ કરેલ છે અથવા દુઃખહેતુક કે પાપપ્રકૃતિરૂપ કર્મ છે, તે શુભાશુભ કર્મો વડે જાય છે, પણ દુઃખેથી પરિરક્ષિત દ્રવ્યાદિ વડે બીજા ભવમાં જતો નથી. જો શુભા-શુભ જ સાથે જનારા છે, તો શુભહેતુક તપને જ આચર. પછી રાજાએ શું કર્યું?

Linked texts (2)