Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1098

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1098

Language
Gujarati

1098

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૫૯૩ થી ૬૧૦ [૧૮/૫૯૩ થી ૬૧૦]
[૫૯૩] અર્થ અને ધર્મથી ઉપશોભિત આ પુન્ય પદને સાંભળીને ભરત ચક્રવર્તી ભારતવર્ષ અને કામભોગોનો ત્યાગ કરીને પ્રવ્રજિત થયા.
[૫૯૪] નરાધિપ સાગર ચક્રવર્તી સાગર પર્યન્ત ભારતવર્ષ અને પૂર્ણ ઐશ્વર્યને છોડીને સંયમ સાધનાથી પરિનિર્વાણને પ્રાપ્ત થયા.
[૫૯૫] મહાન્‌ ઋદ્ધિ સંપન્ન, મહા યશસ્વી મધવા ચક્રવર્તીએ ભારતવર્ષનો ત્યાગ કરીને પ્રવ્રજ્યા સ્વીકારી.
[૫૯૬] મહા ઋદ્ધિ સંપન્ન, મનુષ્યેન્દ્ર સનત્કુમાર ચક્રવર્તીએ પુત્રને રાજ્ય ઉપર સ્થાપીને તપનું આચરણ કર્યું.
[૫૯૭] મહર્દ્ધિક અને લોકમાં શાંતિ કરનાર શાંતિ ચક્રવર્તીએ ભારતવર્ષને છોડીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
[૫૯૮] ઈક્ષ્વાકુ કુળના રાજાઓમાં શ્રેષ્ઠ નરેશ્વર, વિખ્યાત કીર્તિ, ધૃતિમાન્‌ કુંથુ એ અનુત્તર ગતિને પ્રાપ્ત કરી.
[૫૯૯] સાગર પર્યન્ત ભારતવર્ષનો ત્યાગ કરીને, કર્મરજને દૂર કરીને નરેશ્વરોમાં શ્રેષ્ઠ અર(નાથે) અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
[૬૦૦] ભારતવર્ષનો ત્યાગ કરીને, ઉત્તમ ભોગોનો ત્યાગ કરીને મહાપદ્મ ચક્રવર્તીએ તપનું આચરણ કર્યું.
[૬૦૧] શત્રુઓના માનનું મર્દન કરનાર હરિષેણ ચક્રવર્તીએ પૃથ્વી ઉપર એકછત્ર શાસન કરીને પછી અનુત્તરગતિ પ્રાપ્ત કરી.
[૬૦૨] હજાર રાજાઓની સાથે શ્રેષ્ઠ ત્યાગી જય ચક્રવર્તીએ રાજ્યનો પરિત્યાગ કરીને જિનભાષિત સંયમને આચરીને અનુત્તર ગતિ પ્રાપ્ત કરી.
[૬૦૩] સાક્ષાત્‌ દેવેન્દ્રથી પ્રેરિત થઈને દશાર્ણભદ્ર રાજાએ પોતાના બધાં પ્રકારની પ્રમુદિત દશાર્ણ રાજ્યને છોડીને પ્રવ્રજ્યા લીધી અને મુનિધર્મનું આચરણ કર્યું.
[૬૦૪] સાક્ષાત્‌ દેવેન્દ્રથી પ્રેરિત થઈને પણ વિદેહરાજ નમિ શ્રામણ્ય ધર્મમાં સમ્યક્‌ સ્થિર રહ્યા અને પોતાને અતિ વિનમ્ર બનાવ્યા.
[૬૦૫] કલિંગમાં કરકંડુ, પાંચાલમાં દ્વિમુખ, વિદેહમાં નમિ રાજા અને ગાંધારમાં નગ્ગતિ.... (એ બધાં)
[૬૦૬] રાજાઓમાં વૃષભ સમાન હતા. તેઓએ પોતપોતાના પુત્રોને રાજ્યમાં સ્થાપિત કરીને શ્રામણ્ય ધર્મ સ્વીકાર કર્યો.
[૬૦૭] સૌવીર રાજાઓમાં વૃષભ સમાન ઉદ્દાયણ રાજાએ રાજ્યનો ત્યાગ કરીને, પ્રવ્રજ્યા લીધી. મુનિ ધર્મે વિચર્યો. અનુત્તર ગતિ પામ્યા.
[૬૦૮] આ પ્રકારે શ્રેય અને સત્યમાં પરાક્રમશીલ કાશી રાજાએ કામભોગોનો પરિત્યાગ કરી, કર્મરૂપી મહાવનનો નાશ કર્યો.
[૬૦૯] તે જ પ્રમાણે અમરકીર્તિ, મહાયશસ્વી વિજય રાજાએ ગુણસમૃદ્ધ રાજ્યને છોડીને પ્રવ્રજ્યા લીધી.
[૬૧૦] તે પ્રમાણે જ અનાકુળ ચિત્તથી ઉગ્ર તપશ્ચર્યા કરીને રાજર્ષિ મહાબલે અહંકારનું વિસર્જન કરી, સિદ્ધિરૂપ ઉચ્ચપદ પ્રાપ્ત કર્યું.

Linked texts (1)