Uttarajjhayana 1128
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1128
- Language
- Gujarati
1128
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૬૫૮ થી ૬૮૮ [૧૯/૬૫૮ થી ૬૮૮]
[૬૫૮] ત્યારે મૃગાપુત્રએ માતાપિતાને કહ્યું – તમે જે કહ્યું તે ઠીક છે, પણ આ સંસારમાં જેની તરસ છીપી ગઈ છે, તેને કશું જ દુષ્કર નથી.
[૬૫૯] મેં અનંતવાર શારીરિક, માનસિક વેદનાને સહન કરી છે અને અનેકવાર ભયંકર દુઃખ અને ભયને અનુભવ્યા છે.
[૬૬૦] મેં જરા મરણ રૂપ કાંતારમાં, ચાતુરંત ગતિમાં, ભયંકરમાં ભયંકર જરા-મરણને સહ્યા છે.
[૬૬૧] જેમ અહીં અગ્નિ ઉષ્ણ છે, તેનાથી અનંતગુણ દુઃખ રૂપ ઉષ્ણ વેદના મેં નરકમાં અનુભવી છે.
[૬૬૨] જેમ અહીં શીત છે, તેનાથી અનંતગુણ દુઃખરૂપ શીત વેદના મેં નરકમાં અનુભવેલી છે.
[૬૬૩] હું નરકની કંદુ કુંભીમાં ઉપર પગ અને નીચે મસ્તક કરીને પ્રજ્વલિત અગ્નિમાં આક્રંદ કરતો અનંતવાર પકાવાયો છું.
[૬૬૪] મહાભયંકર દાવાગ્નિ તુલ્ય મરુપ્રદેશમાં તથા વજ્ર વાલુકા અને કદંબ વાલુકામાં અનંતવાર બળાયો છું.
[૬૬૫] બંધુથી રહિત અસહાય, રડતો એવો હું કુંદકુંભીમાં ઉંચે બંધાયો તથા કરવત આદિ શસ્ત્રોથી અનંતવાર છેદાયો છું.
[૬૬૬] અત્યંત તીવ્ર કાંટાથી વ્યાપ્ત, ઊંચા શાલ્મલી વૃક્ષ ઉપર પાશ વડે બાંધીને અહીંતહીં ખેંચીને મને અસહ્ય કષ્ટ અપાયું છે.
[૬૬૭] અતિ ભયાનક આક્રંદ કરતો હું પાપકર્મી, પોતાના કર્મોના કારણે શેરડી માફક મોટા યંત્રમાં અનંતવાર પીલાયો છું.
[૬૬૮] હું અહીં-તહીં ભાગતો, આક્રંદન કરતો, કાળા અને કાબરચીતરા સુવર અને કૂતરા દ્વારા અનેકવાર પાડી દેવાયો, ફાડી ખવાયો અને છેદાયેલો છું.
[૬૬૯] પાપકર્મોના કારણે હું નરકમાં જન્મીને અલસીના ફૂલ સમાન નીલરંગી તલવારોથી, ભાલાથી, લોહદંડોથી છેદાયો, ભેદાયો, ખંડ-ખંડ કરાયો છું.
[૬૭૦] સમિલાયુક્ત યૂપવાળા બળતા લોહરથમાં પરાધીન પણે હું જોતરાયો છું, ચાબૂક અને રસ્સીથી ચલાવાયો છું તથા રોઝની માફક પીટાઈને જમીન ઉપર પાડી દેવાયો છું.
[૬૭૧] પાપકર્મોથી ઘેરાયેલો, પરાધીન હું અગ્નિની ચિત્તામાં ભેંસની જેમ બળાયો અને પકાવાયો છું.
[૬૭૨] લોહ સમાન કઠોર સંડાસી જેવી ચાંચવાળા ઢંકાદિ વડે હું રોતો-વિલપતો અનંતવાર નોચાયો છું.
[૬૭૩] તરસથી વ્યાકુળ થઈ, દોડતો એવો હું વૈતરણી નદીએ પહોંચ્યો, ‘પાણી પીશ’ એમ વિચારતો હતો, ત્યારે છરાની ધાર જેવી તીક્ષ્ણ જલધારા વડે હું ચીરાયો છું.
[૬૭૪] ગરમીથી સંતપ્ત થઈને હું છાયાને માટે અસિપત્ર મહાવનમાં ગયો. ત્યાં પણ ઉપરથી પડતાં અસિપત્રો વડે - તેના તીક્ષ્ણ પાંદડાઓ વડે અનેકવાર છેદાયો છું.
[૬૭૫] બધી તરફથી નિરાશ થયેલા મારા શરીરને મુદ્ગરો, મુસુંડીઓ, શૂળો અને મુસલ દ્વારા ચૂર-ચૂર કરાયું. એ રીતે મેં અનંતવાર દુઃખ પ્રાપ્ત કર્યું.
[૬૭૬] તેજ ધારવાળી છરી, છૂરા અને કાતરથી અનેક વાર કપાયો, ટૂકડા કરાયા, છેદાયો તથા મારી ચામડી ઉતારાઈ છે.
[૬૭૭] પાશા અને કૂટજાળોથી વિવશ બનેલા મૃગની માફક હું અનેકવાર છળ વડે પકડાયો, બંધાયો, રોકાયો અને વિનષ્ટ કરાયો છું.
[૬૭૮] ગલ વડે તથા મગરો પકડવાની જાળથી માછલા માફક વિવશ હું અનંતવાર ખેંચાયો, ફડાયો, પકડાયો અને મરાયો છું.
[૬૭૯] બાજપક્ષી, જાળ, વજ્રલેપ દ્વારા પક્ષી માફક અનંતવાર પકડાયો, ચીપકાવાયો, બંધાયો, મરાયો છું.
[૬૮૦] કઠિયારા દ્વારા વૃક્ષની માફક કુહાડી અને ફરસી આદિથી હું અનંતવાર કૂટાયો, ફડાયો, છેદાયો, છોલાય છું.
[૬૮૧] લુહારો દ્વારા લોઢાની માફક હું પરમાધામી અસુરો દ્વારા થપ્પડ અને મુક્કા આદિ દ્વારા અનંતવાર પીટાયો, કૂટાયો, ખંડ-ખંડ કરાયો અને ચૂર્ણ બનાવી દેવાયો છું.
[૬૮૨] ભયંકર આક્રંદ કરતા છતાં પણ મને કળકળતા ગરમ તાંબા, લોઢા, રાંગા અને સીસા પીવડાવાયા છે.
[૬૮૩] ‘તને કાપેલું અને શૂળમાં પરોવી પકાવાયેલા માંસ પ્રિય હતું.’ એમ યાદ કરાવીને, મારા જ શરીરનું માંસ કાપીને અને તપાવીને અનેકવાર ખવડાવાયું છે.
[૬૮૪] ‘તને દારુ, સીઘ્ર, મૈરેય આદિ પ્રિય હતા.’ તે યાદ દેવડાવીને મને સળગતી ચરબી અને ખૂન પીવડાવાયેલ છે.
[૬૮૫] મેં પૂર્વ જન્મોમાં આ રીતે નિત્ય ભયભીત, સંત્રસ્ત, દુઃખી અને વ્યથિત રહેતા અત્યંત દુઃખપૂર્ણ વેદના અનુભવી છે.
[૬૮૬] તીવ્ર, પ્રચંડ, પ્રગાઢ, ઘોર, અત્યંત દુઃસહ, મહા ભયંકર, ભીષ્મ વેદનાઓને મેં નરકમાં અનુભવી છે.
[૬૮૭] હે તાત! મનુષ્યલોકમાં દેખાતી વેદનાથી અનંતગુણ અધિક વેદના નરકમાં છે.
[૬૮૮] મેં બધાં ભવોમાં અસાતા વેદના વેદી છે. ક્ષણવાદ પણ સુખરૂપ વેદના ત્યાં અનુભવી નથી.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit