Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1158

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1158

Language
Gujarati

1158

‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૨૮ થી ૭૪૭ [૨૦/૭૨૮ થી ૭૪૭]
[૭૨૮] હે પાર્થિવ! તું અનાથના અર્થ કે પરમાર્થને જાણતો નથી કે મનુષ્યો અનાથ કે સનાથ કઈ રીતે થાય છે?
[૭૨૯] હે મહારાજ! અવ્યાક્ષિપ્ત ચિત્તથી મને સાંભળો. અનાથ કેમ થાય? મેં કેમ તે પ્રયોજ્યો?
[૭૩૦] પ્રાચીન નગરોમાં અસાધારણ કૌશાંબી નગરી છે. ત્યાં મારા પિતા છે. તેની પાસે પ્રચૂર ધનનો સંગ્રહ હતો.
[૭૩૧] મહારાજ! યુવાવસ્થામાં મારી આંખોમાં અતુલ વેદના ઉત્પન્ન થઈ. હે પાર્થિવ! તેનાથી મારા આખા શરીરમાં અત્યંત જલન થતી હતી.
[૭૩૨] ક્રુદ્ધ શત્રુ જે રીતે શરીરના મર્મસ્થાનોમાં અત્યંત તીક્ષ્ણ શસ્ત્ર ઘોંચી દે અને તેનાથી જેમ વેદના થાય, તેમ મારી આંખોમાં વેદના થતી હતી.
[૭૩૩] જેમ ઈન્દ્રના વજ્રપ્રહારથી ભયંકર વેદના થાય, તે રીતે મારે કટિભાગ, હૃદય અને મસ્તકમાં અતિ દારૂણ વેદના મને થઈ રહી હતી.
[૭૩૪] વિદ્યા અને મંત્રથી ચિકિત્સા કરનાર, મંત્ર-મૂલના વિશારદ્‌ અદ્વિતીય શાસ્ત્ર કુશલ, આચાર્યો ઉપસ્થિત હતા.
[૭૩૫] તેઓએ મારી ચતુષ્પાદ ચિકિત્સા કરી, પણ મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા તે મારી અનાથતા.
[૭૩૬] મારા પિતાએ મારા માટે ચિકિત્સકોને સર્વોત્તમ વસ્તુઓ આપી, પણ તે મને દુઃખથી મુક્ત ન કરાવી શક્યા, એ મારી અનાથતા હતી.
[૭૩૭] મારી માતા, પુત્ર શોકના દુઃખથી ઘણી પીડિત રહેતી હતી, પણ તોયે મને દુઃખ મુક્ત ન કરાવી શકી, તે મારી અનાથતા હતી.
[૭૩૮] મહારાજ! મારા મોટા-નાના બધાં ભાઈ મને દુઃખમુક્ત ન કરાવી શક્યા. તે મારી અનાથતા છે.
[૭૩૯] મારી મોટી અને નાની સગી બહેનો પણ મને દુઃખ મુક્ત ન કરાવી શકી. આ હતી મારી અનાથતા.
[૭૪૦] મહારાજ! મારામાં અનુરક્ત અને અનુવ્રત પત્ની અશ્રુપૂર્ણ નયને મારી છાતી ભીંજવતી રહેતી હતી.
[૭૪૧] તે બાળા મારી જાણમાં કે અજાણમાં ક્યારેય પણ અન્ન, પાન, સ્નાન, ગંધ, માલ્ય અને વિલેપનનો ઉપભોગ કરતી ન હતી.
[૭૪૨] ક્ષણ-માત્ર પણ મારાથી દૂર થતી ન હતી. તો પણ તે મને દુઃખથી મુક્ત કરાવી ન શકી. મહારાજ! આ મારી અનાથતા હતી.
[૭૪૩] ત્યારે મેં વિચાર કર્યો કે જીવને આ અનંત સંસારમાં વારંવાર અસહ્ય વેદના અનુભવવી પડે છે.
[૭૪૪] આ વિપુલ વેદનાથી જો એક વાર મુક્ત થાઉં, તો હું ક્ષાંત, દાંત, નિરારંભ અણગાર વૃત્તિમાં પ્રવ્રજિત થઈ જઈશ.
[૭૪૫] હે નરાધિપ! આ પ્રમાણે વિચારીને હું સૂઈ ગયો. વીતતી એવી રાત્રિ સાથે મારી વેદના પણ ક્ષીણ થઈ ગઈ.
[૭૪૬] ત્યારપછી પ્રાતઃ કાળમાં નીરોગી થતાં જ હું બંધુજનોને પૂછીને ક્ષાંત, દાંત, નિરારંભ થઈ અણગાર વૃત્તિમાં પ્રવ્રજિત થઈ ગયો.
[૭૪૭] ત્યારપછી હું પોતાનો અને બીજાનો, ત્રસ અને સ્થાવર બધાં જીવોનો નાથ થઈ ગયો.

Linked texts (1)