Uttarajjhayana 1179
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1179
- Language
- Gujarati
1179
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૭૮૩ થી ૭૯૫ [૨૧/૭૮૩ થી ૭૯૫]
[૭૮૩] દીક્ષા લઈને મુનિ મહાક્લેશકારી, મહામોહ અને પૂર્ણ ભયકારી સંગનો પરિત્યાગ કરીને પર્યાય ધર્મમાં, વ્રતમાં, શીલમાં, પરીષહોને સમભાવે સહેવામાં અભિરુચિ રાખે.
[૭૮૪] વિદ્વાન્ મુનિ અહિંસા, સત્ય, અસ્તેય, બ્રહ્મચર્ય અને અપરિગ્રહ, આ પાંચ મહાવ્રતોને સ્વીકારીને જિનોપદિષ્ટ ધર્મ આચરે.
[૭૮૫] ઈન્દ્રિયોનું સમ્યક્ સંવરણ કરનાર ભિક્ષુ બધાં જીવો પ્રતિ કરુણાવાન રહે, ક્ષમાથી દુર્વચનાદિ સહે, સંપત થાય, બ્રહ્મચારી થાય, સદૈવ સાવદ્ય યોગનો પરિત્યાગ કરતો વિચરે.
[૭૮૬] સાધુ સમયાનુસાર પોતાના બલાબલને જાણીને રાષ્ટ્રોમાં વિચરણ કરે. સિંહની માફક ભયોત્પાદક શબ્દો સાંભળીને પણ સંત્રસ્ત ન થાય. અસભ્ય વચન સાંભળીને બદલામાં અસભ્ય વચન ન કહે.
[૭૮૭] સંયમી પ્રતિકૂળતાઓની ઉપેક્ષા કરતો વિચરે. પ્રિય-અપ્રિય પરીષહોને સહન કરે. સર્વત્ર બધી વસ્તુની અભિલાષા ન કરે. પૂજા અને ગર્હાની પણ ઈચ્છા ભિક્ષુ ન કરે.
[૭૮૮] અહીં સંસારમાં મનુષ્યોને અનેક પ્રકારના છંદ-અભિપ્રાય હોય છે. ભિક્ષુ તેને પોતામાં પણ ભાવથી જાણે છે. તેથી દેવ-મનુષ્ય-તિર્યંચ કૃત્ ભયોત્પાદક ભીષણ ઉપસર્ગોને સહન કરે.
[૭૮૯] અનેક દુર્વિષમ પરીષહ પ્રાપ્ત થતાં ઘણાં કાયર લોકો ખેદનો અનુભવ કરે છે. પરંતુ ભિક્ષુ પરીષહ પ્રાપ્ત થતાં સંગ્રામમાં આગળ રહેનારા હાથીની માફક વ્યથિત ન થાય.
[૭૯૦] શીત, ઉષ્ણ, ડાંસ, મચ્છર, દિણ સ્પર્શ તથા બીજા વિવિધ પ્રકારના આતંક જ્યારે ભિક્ષુને સ્પર્શે, ત્યારે તે કુત્સિત શબ્દો ન કરતો, તેને સમભાવથી સહન કરે. પૂર્વકૃત્ કર્મોને ક્ષીણ કરે.
[૭૯૧] વિચક્ષણ ભિક્ષુ સતત રાગદ્વેષ અને મોહને છોડીને, વાયુથી અકંપિત મેરુની માફક આત્મગુપ્ત બનીને પરીષહોને સહન કરે.
[૭૯૨] પૂજા-પ્રતિષ્ઠામાં ઉન્નત અને ગર્હામાં અવનત ન થનાર મહર્ષિ પૂજા અને ગર્હામાં લિપ્ત ન થાય. તે સમભાવી, વિરત, સંયમી, સરળતાને સ્વીકારીને નિર્વાણ માર્ગને પ્રાપ્ત થાય છે.
[૭૯૩] જે અરતિ-રતિને સહન કરે છે, સંસારીજનના પરીચયથી દૂર રહે છે, વિરક્ત છે, આત્મહિતનો સાધક છે, સંયમશીલ છે, શોક રહિત છે, મમત્વ રહિત છે, અકિંચન છે, તે પરમાર્થ પદોમાં સ્થિત થાય છે.
[૭૯૪] ત્રાયી, મહાયશસ્વી,ઋષિઓ દ્વારા સ્વીકૃત,લેપાદિ કર્મરહિત,અસંસ્કૃત,એકાંત સ્થાનોને સેવે અને પરીષહોને સહન કરે.
[૭૯૫] અનુત્તર ધર્મ સંચયનું આચરણ કરીને સદ્જ્ઞાનથી જ્ઞાનને પ્રાપ્ત કરનારા, અનુત્તર જ્ઞાનધારી, યશસ્વી, મહર્ષિ, અંતરીક્ષમાં સૂર્યની સમાન ધર્મસંઘમાં પ્રકાશમાન થાય છે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit