Uttarajjhayana 1360
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1360
- Language
- Gujarati
1360
‘ઉત્તરાધ્યયન’ સૂત્ર–૧૦૨૭ થી ૧૦૪૪/૧ [૨૬/૧૦૨૭ થી ૧૦૪૪/૧]
[૧૦૨૭] દિવસના પહેલાં પ્રહરના ચોથા ભાગમાં પાત્રાદિનું પડિલેહણ કરી, ગુરુને વંદના કરી, દુઃખ વિમોક્ષક સ્વાધ્યાય કરે.
[૧૦૨૮] પોરિસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળને પ્રતિક્રમ્યા વિના જ પાત્રાનું પડિલેહણ કરે.
[૧૦૨૯] મુખવસ્ત્રિકાનું પડિલેહણ કરીને ગુચ્છાનું પડિલેહણ કરે. આંગળીઓથી ગુચ્છા પકડીને વસ્ત્રો પડિલેહે.
[૧૦૩૦] (ઉત્કુટુક આસને બેસે) પછી વસ્ત્ર ઊંચું રાખે, સ્થિર રાખે, અત્વરિતતાથી તેનું પડિલેહણ કરે. બીજામાં વસ્ત્રને ધીમે-ધીમે ઝટકીને પછી વસ્ત્રનું પ્રમાર્જન કરે.
[૧૦૩૧] પડિલેહણના સમયે વસ્ત્ર કે શરીરને નચાવે નહીં, વાળે નહીં. દૃષ્ટિથી અલક્ષિત ન કરે, દીવાલ આદિનો સ્પર્શ ન થવા દે. છ પૂર્વ અને નવ ખોટક કરે. જે કોઈ પ્રાણી હોય તેનું વિશોધન કરે.
[૧૦૩૨] પડિલેહણના દોષો કહે છે – આરભટા, સંમર્દા, મોસલી, પ્રસ્ફોટના, વિક્ષિપ્તા, વેદિકા.
[૧૦૩૩] પ્રશિથિલ, પ્રલંબ, લોલ, એકામર્શા, અનેકરૂપ ધૂનન, પ્રમાણ પ્રમાદ, ગણનોપગણના.
[૧૦૩૪] પ્રસ્ફોટન અને પ્રમાર્જનના પ્રમાણથી ન-ન્યૂન, ન અધિક, તથા અવિપરીત પ્રતિલેખના જ શુદ્ધ થાય છે. તેના આઠ વિકલ્પોમાં પહેલો ભેદ જ શુદ્ધ છે, બાકીના ભેદો અપ્રશસ્ત છે.
[૧૦૩૫] પડિલેહણ કરતી વખતે જે પરસ્પર વાર્તાલાપ કરે, જનપદની કથા કરે, પચ્ચક્ખાણ આપે, ભણાવે કે સ્વયં ભણે.
[૧૦૩૬] તે પડિલેહણમાં પ્રમત્ત મુનિ પૃથ્વી, અપ, તેઉ, વાયુ, વનસ્પતિ અને ત્રસકાય એ છ એ કાયના વિરાધક થાય છે.
[૧૦૩૭] છ માંનું કોઈ એક કારણ હોય તો ત્રીજા પ્રહરમાં ભોજન-પાનની ગવેષણા કરે.
[૧૦૩૮] ક્ષુધા વેદના, વૈયાવચ્ચ, ઈર્યાસમિતિ પાલનાર્થે, સંયમાર્થે, પ્રાણરક્ષા માટે, ધર્મચિંતા માટે આહાર ગવેષે.
[૧૦૩૯] ધૃતિ સંપન્ન સાધુ-સાધ્વી આ છ કારણે ભોજન-પાન ગવેષણા ન કરે, જેનાથી સંયમનું અતિક્રમણ ન થાય.
[૧૦૪૦] રોગ આવે, ઉપસર્ગ થાય, બ્રહ્મચર્યની ગુપ્તિની સુરક્ષા, પ્રાણી દયા, તપને માટે, શરીરના વિચ્છેદને માટે મુનિ આહારને ન ગવેષે.
[૧૦૪૧] બધાં ઉપકરણોની ચક્ષુ પ્રતિલેખના કરે, તેને લઈને અર્ધ યોજન સુધી મુનિ ભિક્ષાને માટે વિહાર કરે.
[૧૦૪૨] ચોથા પ્રહરમાં પડિલેહણા કરી બધી પાત્રાને બાંધી રાખી દે. ત્યારપછી જીવાદિ સર્વ ભાવોનો પ્રકાશક સ્વાધ્યાય કરે.
[૧૦૪૩] પોરિસીના ચોથા ભાગમાં ગુરુને વાંદીને કાળ પ્રતિક્રમણ કરીને શય્યાની પડિલેહણા કરે.
[૧૦૪૪/૧] યતનામાં પ્રયત્નશીલ મુનિ પછી પ્રસ્રવણ અને ઉચ્ચાર ભૂમિનું પડિલેહણ કરે.
Linked texts (1)
- Uttarajjhayaṇa (Āgamasuttāṇi, ed. Dīparatnasāgara 2012) — Ardhamāgadhī Prakrit