Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1433

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1433

Language
Gujarati

1433

વિવેચન–૧૧૧૨
શ્રુતમ્‌-સાંભળેલ છે, આયુષ્યમાન્‌-શિષ્ય આમંત્રણ, સુધર્માસ્વામી જંબૂસ્વામીને કહે છે. ભગવત-સમગ્ર ઐશ્વર્યાદિવાળા મહાવીરે કહેલ છે-જગતમાં કે જિનપ્રવચનમાં નિશ્ચિત સમ્યક્‌ત્વ ગુણયુક્ત જીવ, તેના સમ્યક્‌ત્વ-માં પરાક્રમ - ઉત્તરોત્તર ગુણ પ્રતિપત્તિથી કર્મશત્રુના જયને માટે સામર્થ્ય લક્ષણ જેમાં વર્ણવાય છે તે ‘સમ્યક્‌ત્વ પરાક્રમ’ અધ્યયન છે. આ ગૌણ નામ જ છે, તો નિર્યુક્તિકારે કેમ તેને ‘આદાનપદ’ વડે કહ્યું? બીજું નામ ગૌણ છે. નામનું અનેકવિધત્વ સૂચવવા માટે નિર્યુક્તિકારશ્રીએ આમ કહ્યું છે. તેના ગૌણત્વના વ્યવચ્છેદને માટે નહીં.
તે કોણે કહ્યું છે? શ્રમણ - શ્રામણ્યને અનુચરનાર. ભગવંત મહાવીરે કહેલ છે. અર્થાત્‌ ભગવંતે મને કહેલ છે. આના વડે વક્તાના દ્વારથી પ્રસ્તુત અધ્યયનનું માહાત્મ્ય કહ્યું. (શંકા) સુધર્મા સ્વામીને પણ શ્રુતકેવલિત્વ દ્વારથી આનું પ્રામાણ્ય સિદ્ધ હતું જ, તો પછી આ પ્રમાણે કેમ કહ્યું? (સમાધાન) લબ્ધપ્રતિષ્ઠિત છતાં ગુરુના ઉપદેશથી ગુરુનું માહાત્મ્ય બતાવવા માટે અને સૂત્રના અર્થને કહેવા માટે કહેલ છે.
હવે ફળ દ્વારથી કહે છે – પ્રસ્તુત અધ્યયનનો સમ્યગ્‌ શ્રદ્ધા સામાન્યથી સ્વીકારીને ઉક્તરૂપે જ વિશેષથી આ પ્રમાણે નિશ્ચિત કરીને અથવા સંવેગાદિ જનિત ફળના અનુભવ લક્ષણથી પ્રતીતિ કરીને, રુચિ કરીને તેમાં કહેલ અર્થાનુષ્ઠાન વિષયક અભિલાષ આત્મામાં ઉત્પન્ન કરીને, તે અનુષ્ઠાનને સ્પર્શીને, તે વિહિત અનુષ્ઠાનને અતિચારથી બચાવીને. તે અનુષ્ઠાનને પાર પમાડીને, સ્વાધ્યાય વિધાનથી કીર્તન કરીને, તે અનુષ્ઠાનની ગુણસ્થાન પ્રાપ્તિથી ઉત્તરોત્તર શુદ્ધિ કરીને, ઉપસર્ગ - અપવાદની કુશળતાથી યાવજ્જીવ તેના અર્થના સેવનથી, ગુરુનિયોગ રૂપથી સતત આસેવીને અથવા મન, વચન, કાયના યોગથી, એ પ્રમાણે પરાવર્ત્તનાદિથી રક્ષા કરીને અધ્યયનાદિથી પરિસમાપ્ત કરીને, ગુરુએ વિનયપૂર્વક આ મને ભણાવ્યું એમ નિવેદન કરીને, શુદ્ધિ કરીને, જિનાજ્ઞાથી આરાધે. એ પ્રમાણે કરીને શું? અનેક જીવો સિદ્ધત્વને પામ્યા છે. ઘાતિ કર્મક્ષયથી બોધ પામે છે, ચાર ભવોપગ્રાહી કર્મથી મૂકાય છે. પછી કર્મરૂપી દાવાનળના ઉપશમથી પરિનિર્વાણ પામે છે. તેથી જ શારીરિક માનસિક બધાં દુઃખોનો અંત કરે છે, મુક્તિપદ પામે છે. હવે શિષ્યોના અનુગ્રહને માટે પ્રસ્તુત અધ્યયન કહે છે –

Linked texts (2)