Pramāṇa · Search · About · API

Uttarajjhayana 1690

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 1690

Language
Gujarati

1690

વિવેચન–૧૩૯૨ થી ૧૩૯૭
સૂત્રાર્થ સ્પષ્ટ જ કહેલ છે. માત્ર વિશેષ શબ્દો જ અત્રે નોંધીએ છીએ –
કટુક - કડવો, રસ - આસ્વાદ, નિંબ - લીમડો, રોહિણી - ત્વચાવિશેષ.
અહીં કટુક વિશેષણ તેના અતિશયને જણાવવાને માટે છે. અથવા ઔષધિ વિશેષને જણાવવા અહીં કટુક શબ્દ બીજી વખત નોંધેલ છે. આ કડવા તુંબડા આદિના રસથી અનંત રાશિ વડે ગુણતા જેવો આસ્વાદ હોય તેવો કડવો રસ કૃષ્ણ લેશ્યાનો જાણવો તે તાત્પર્ય છે.
ત્રિકટુ - તીક્ષ્ણ કટુ. નીલ લેશ્યાનો રસ અતિ તીક્ષ્ણ - તીખો જાણવો.
તરુણ - અપરિપક્વ કેરીનો રસ, તુવર - કષાયેલો. જેવો રસ હોય તેનાથી અનંતગુણ રસ કાપોત લેશ્યાનો જાણવો.
પરિણંત - પરિપક્વ એવી કેરી, કવિત્થનો રસ અર્થાત્‌ કંઈક ખાટો અને કંઈક મીઠો એવો રસ તેજોલેશ્યાનો જાણવો.
વરવારુણી - પ્રધાન સૂરા. વિવિધ પુષ્પોનો દારુ, મદ્ય આદિનો રસ. આ બધાં રસો કરતા અનંતગુણ કંઈક અમ્લ કષાય માધુર્યવાન્‌ રસ પદ્મનો છે. ખર્જૂર, દ્રાક્ષ આદિ પ્રસિદ્ધ છે. તેના જેવો મધુર રસ એમ અર્થ લેવો.
૦ આ પ્રમાણે લેશ્યાનો રસ કહ્યો. હવે લેશ્યાની ગંધ કહે છે –

Linked texts (2)