Uttarajjhayana 180
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 180
- Language
- Gujarati
180
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૮૯ + વિવેચન [૨/નિર્યુક્તિ-૮૯ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃત્તિકાર જણાવે છે – તે કાળે તે સમયે ઉજ્જૈની નગરીમાં હસ્તિમિત્ર નામે ગાથાપતિ હતો. તેની પત્ની મૃત્યુ પામેલી. તેનો પુત્ર હસ્તિભૂતિ નામે બાળક હતો. તે તેને લઈને પ્રવ્રજિત થયો. તે બંને કોઈ દિવસે ઉજ્જૈનથી ભોગકટ જવા નીકળ્યા. અટવી મધ્યમાં તે વૃદ્ધનો પગ કાંટાથી વિંધાયો. તે અસમર્થ થયો. તેણે સાધુઓને કહ્યું – તમે નીકળો, અટવી પાર કરી દો. હું મહા કષ્ટમાં પડેલ છું. જો તમે મને વહન કરશો, તો વિનાશ પામશો. હું ભક્ત-પ્રત્યાખ્યાન કરું છું. તે હસ્તિમિત્ર મુનિ ગિરિકંદાના એક પડખે ભક્ત-પ્રત્યાખ્યાન કરી રહ્યા. સાધુઓએ વિહાર કર્યો. તે ક્ષુલ્લક મુનિએ કહ્યું કે – હું અહીં રહેવા ઈચ્છું છું. તેને બીજા સાધુ બળપૂર્વક લઈ ગયા. થોડે દૂર ગયા ત્યારે સાધુઓ વિશ્રામ કરવા રહ્યા ત્યારે ક્ષુલ્લક મુનિ નીકળીને વૃદ્ધ સાધુ પાસે પાછો આવી ગયો.
વૃદ્ધ સાધુએ પૂછ્યું – તું કેમ આવી ગયો? અહીં તું મરી જઈશ. તે વૃદ્ધ સાધુ વેદનાથી પીડાઈને તે જ દિવસે કાળ પામ્યા. ક્ષુલ્લક મુનિ તે જાણતા ન હતા કે વૃદ્ધે કાળ કર્યો છે. તે વૃદ્ધ મુનિ દેવલોકમાં ઉત્પન્ન થયા. પછી તેણે અવધિજ્ઞાન પ્રયોજ્યું - મેં શું આપેલ છે કે તપ કર્યો છે? જેટલામાં પોતાનું શરીર જોયું, ત્યાં ક્ષુલ્લક સાથે વાત કરતાં રહ્યો. તેણે કહ્યું – હે પુત્ર! ભિક્ષા માટે જા. ક્ષુલ્લકે પૂછ્યું – ક્યાં? દેવે કહ્યું – આ ધવ, ન્યગ્રોધાદિ વૃક્ષો છે. અહીં તેના નિવાસીએ રસોઈ કરી છે, તેઓ તને ભિક્ષા આપશે. સારું, એમ કહીને નીકળ્યો. વૃક્ષની નીચે ‘ધર્મલાભ’ આપે છે. પછી અલંકાર સહિત હાથ નીકળીને ભિક્ષા આપે છે. એ પ્રમાણે રોજેરોજ ભિક્ષાને ગ્રહણ કરતો રહે છે. યાવત્ તે સાધુઓ તે દેશમાં દુકાળ પડતાં ફરી પણ ઉજ્જૈની દેશે પાછા જતાં તે જ માર્ગેથી આવતા, બીજા સંવત્સરમાં તે પ્રદેશમાં જતા, તેમણે ક્ષુલ્લક મુનિને જોયા.
તેને સાધુઓએ પૂછતાં તે બોલ્યો કે વૃદ્ધ સાધુ પણ અહીં રહે છે. જઈને જોયું તો શુષ્ક શરીર દેખાયું. તેઓએ જાણ્યું કે - દેવ વડે અનુકંપા કરાઈ છે. અહીં વૃદ્ધે ક્ષુધા પરીષહ સહન કર્યો, પણ ક્ષુલ્લક મુનિએ ન સહન કર્યો. અથવા ક્ષુલ્લકે પણ સહન કર્યો, તેને એવો ભાવ ન થયો કે - મને ભિક્ષા મળી નથી. પછી તે ક્ષુલ્લક મુનિને સાધુ લઈ ગયા. જે રીતે તેઓએ પરીષહ સહન કર્યો તે રીતે વર્તમાનમાં મુનિએ પણ સહન કરવો. ક્ષુધા પરીષહ કહ્યો. એ પ્રમાણે સહન કરતા ન્યૂન કુક્ષીતાથી કે એષણીય આહારાર્થે પર્યટન કરતાં શ્રમ આદિથી અવશ્ય તૃષા લાગે છે. તેને સમ્યક્પણે સહન કરવી જોઈએ, તે કહે છે –