Pramāṇa · Search · About · API

Uttarajjhayana 189

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 189

Language
Gujarati

189

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯૨ + વિવેચન [૨/નિર્યુક્તિ-૯૨ + વિવેચન]
આ નિર્યુક્તિ ભાવાર્થ વૃદ્ધ સંપ્રદાયથી વૃત્તિકાર જણાવે છે – તગરા નામે નગરી હતી. ત્યાં અર્હન્મિત્ર નામે આચાર્ય હતા. તેની પાસે દત્ત નામે વણિક્‌. તેની પત્ની ભદ્રા અને પુત્ર અર્હન્નકે દીક્ષા લીધી. તે બાળમુનિ અર્હન્નકને કદી ભિક્ષાર્થે મોકલતા ન હતા. પ્રથમાલિકાદિથી શું જોઈએ છે? તેમ પૂછી પોષતા હતા. તે સુકુમાલ સાધુઓમાં અપ્રીતિક બન્યો. કંઈ ભણવા પણ તૈયાર ન થયો. કોઈ દિવસે તે વૃદ્ધે કાળ કર્યો. સાધુઓએ બે ત્રણ દિવસ ભિક્ષા લાવી આપી. તે પછી ભિક્ષાર્થે મોકલ્યો. તે સુકુમાલ શરીરી ગ્રીષ્મમાં મસ્તકે અને પગે બળવા લાગ્યો. તૃષ્ણાથી પીડાઈને છાયામાં વિશ્રામ લેતો હતો. કોઈ વણિક્‌ સ્ત્રી, જેનો પતિ પરદેશ ગયેલો, તેણીએ અર્હન્નક મુનિને જોયા. મુનિના ઉદાર સુકુમાલ શરીરને જોઈને તેણીને તેનામાં રાગ ઉત્પન્ન થયો. દાસી વડે તપાસ કરાવી કે તેને શું જોઈએ છે? અર્હન્નક મુનિને લાડવા વહોરાવ્યા અને પૂછ્યું – ‘તમે શા માટે ધર્મ કરો છો?’ સાધુએ કહ્યું - સુખને માટે. ત્યારે તેણી બોલી, તો મારી સાથે ભોગ ભોગવો. તે ગરમી વડે પીડાયો હતો. ઉપસર્ગોથી ભગ્ન થઈને ભોગો ભોગવે છે.
સાધુઓ વડે બધે તેની તપાસ કરાઈ, ક્યાંય ભાળ ન મળી. પછી તેની માતા પુત્રશોકથી ઉન્મતા થઈ ગઈ. નગરમાં પરિભ્રમે છે. ‘અર્હન્નક - અર્હન્નક’ એમ વિલાપ કરે છે. જેને જ્યાં જુએ, ત્યાં તે બધાંને કહે છે - કોઈ છે કે જેણે મારા અર્હન્નકને જોયો હોય. એ પ્રમાણે વિલાપ કરતી ભમ્યા કરે છે.
અર્હન્નકે કોઈ વખત માતા સાધ્વીને જોયા. તુરંત ઉતરીને પગે પડ્યો. તેને જોઈને માતા પૂર્વવત્‌ સ્વસ્થચિત્ત વાળા થયા. ત્યારે કહ્યું – હે પુત્ર! ફરી દીક્ષા લે. દુર્ગતિમાં ન જઈશ. તેણે કહ્યું – મારાથી સંયમ નહીં પાળી શકાય, પણ હું અનશન કરું. પછી માતાના વચનથી તેણે તપતી શિલા ઉપર પાદપોપગમન અનશન કર્યું. મુહૂર્ત્ત માત્રમાં સુકુમાલ શરીર ઉષ્ણતાથી ઓગળી ગયું. આ પ્રમાણે ઉષ્ણ પરીષહને સહન કરવો જોઈએ.
ઉષ્ણતા ગ્રીષ્મમાં હોય. પછી વર્ષાનો સમય આવે, તેમાં દંશમશક સંભવે છે, તેથી તે પરીષહને કહે છે –

Linked texts (1)