Pramāṇa · Search · About · API

Uttarajjhayana 195

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 195

Language
Gujarati

195

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૯૪ થી ૯૭ + વિવેચન [૨/નિર્યુક્તિ-૯૪ થી ૯૭ + વિવેચન]
અહીં ચાર નિર્યુક્તિ છે. તેમાં વર્ણવાયેલ સંક્ષિપ્તરૂપ દૃષ્ટાંતનો વિસ્તાર વૃદ્ધસંપ્રદાયથી જાણવો. એમ કહીને વૃત્તિકારશ્રી અત્રે નોંધે છે–
જીવિત સ્વામીની પ્રતિમાની વક્તવ્યતા અને દશપુરની ઉત્પત્તિ જેમ કહેવાયેલ છે તે જ રીતે કહેવી. યાવત્‌ વજ્રસ્વામીની પાસે નવ પૂર્વો પૂરા અને દશમાં પૂર્વને કંઈક ભણીને આર્ય રક્ષિત દશપુર જ ગયા. ત્યાં સર્વ સ્વજન વર્ગને - માતા, ભાઈ, બહેનને દીક્ષા આપી. જે તેના પિતા હતા તે પણ તેમના અનુરાગથી ત્યાં જ સારી રીતે રહે છે, પણ લજ્જાને કારણે વેશ ગ્રહણ કરતાં નથી. હું કઈ રીતે શ્રમણપણે પ્રવ્રજ્યા સ્વીકારું? અહીં મારી પુત્રી, પુત્રવધૂ, પૌત્રી આદિ છે, તેમની આગળ હું નગ્ન રહી ન શકું. એ પ્રમાણે તે ત્યાં રહે છે. આચાર્ય ઘણું કહે છે ત્યારે તે કહે છે કે જો મને વસ્ત્રયુગલ, કુંડિકા, છત્ર, જોડા, જનોઈ સાથે દીક્ષા આપવી હોય તો હું દીક્ષા લેવા તૈયાર છું. દીક્ષા લીધી. તેણે છત્ર, કરક, જનોઈ આદિ રાખી મૂક્યા. બાકીનું બધું વૃદ્ધે છોડી દીધું.
કોઈ દિવસે તેઓ ચૈત્યોને વાંદવા ગયા. આચાર્યએ બાળકો તૈયાર કર્યા, તેઓને કહ્યું કે બધાંને વંદન કરજો, આ એક છત્રીવાળાને ન વાંદતા. ત્યારે વૃદ્ધે કહ્યું કે – આ બાળકો મારા પુત્રો અને પૌત્રોને વાંદે છે, તો મને કેમ વાંદતા નથી. શું મેં દીક્ષા લીધી નથી? ત્યારે તેઓ બોલ્યા કે શું પ્રવ્રજિત થયેલાને જોડાં, કરક, જનોઈ અને છત્ર હોય છે? ત્યારે વૃદ્ધે જાણ્યું કે – આ બધાં પણ મને પ્રતિચારણા કરી રહ્યા છે. તો હું તેનો ત્યાગ કરું? ત્યારે આર્યરક્ષિતને કહે છે, હે પુત્ર! આ છત્રની જરૂર નથી. ત્યારે તેણે કહ્યું – બરોબર છે. જ્યારે ગરમી થશે, ત્યારે ઉપર વસ્ત્ર ઢાંકી દઈશ.
એ પ્રમાણે તેની કરક પણ છોડાવી ત્યારે તેમના પુત્રોએ કહ્યું કે માત્રક લઈને સંજ્ઞાભૂમિ જવું.
એ પ્રમાણે જનોઈ છોડાવી. ત્યારે આચાર્યએ કહ્યું કે – આપણે કોણ નથી જાણતું કે બ્રાહ્મણો છીએ. એ પ્રમાણે તેનાથી મુક્ત થયા. પછી બાળકોને ફરી સમજાવ્યું કે, બધાંને વંદન કરજો પણ પેલા ધોતીવાળાને ન વાંદતા. ત્યારે તે રોષિત થઈને કહે છે કે પિતા-દાદાને વાંદતા નથી? જાઓ, આ ધોતી હું નહીં છોડું. ત્યાં કોઈ સાધુએ ભક્ત-પ્રત્યાખ્યાન કરેલ. ત્યારે તેના નિમિત્તે ધોતીને છોડાવવા આચાર્યએ કહ્યું – જે સાધુને વહન કરે, તેને મહાફળ પ્રાપ્ત થાય છે. ત્યાં પહેલાંથી પ્રવ્રજિત થયેલાને આચાર્યએ સંકેત કરી રાખેલ કે તમે કહેજો - ‘અમે વહન કરીશું.’ ત્યારે તે સ્થવિરે પૂછ્યું – હે પુત્ર! આમાં ઘણી નિર્જરા છે? આચાર્યએ કહ્યું – ગાઢ નિર્જરા થાય. ત્યારે વૃદ્ધે કહ્યું કે, તમો કહો તો હું તેનું વહન કરું. આચાર્યએ કહ્યું – તેમાં ઉપસર્ગો થશે. જો સહન કરી શકો તો જ વહન કરજો. જો સહન નહીં કરો તો અમને પણ સુંદર નહીં થાય. એ પ્રમાણે તેમને સ્થિર કર્યા.
જ્યારે તે વૃદ્ધ સાધુને ઉંચકીને માર્ગથી ચાલ્યા, પાછળ સાધ્વીઓ ચાલ્યા. ત્યારે બાળકોએ કહ્યું – હવે ધોતી મૂકી દો. ત્યારે બીજાઓ બોલ્યા કે ન મૂકતા. બાળકોએ ધોતી ખેંચી લીધી, ત્યારે લજ્જાથી તે વૃદ્ધે ચલોપટ્ટક ધારી લીધો. ઉપર દોરી વીંટી દીધી. તે વૃદ્ધે પણ ઉપસર્ગ સમજીને તેને ધારણ કરી રાખ્યો. આચાર્યએ કહ્યું, શાટક - ધોતી જેવું વસ્ત્ર લાવો, મારા પિતાને તે જોઈશે. ત્યારે વૃદ્ધે કહ્યું – જે જોવાનું હતું, તે તો જોવાઈ ગયું. હવે મને ચોલપટ્ટક ચાલશે. એ પ્રમાણે તેમણે ચોલપટ્ટક ગ્રહણ કર્યો. તેણે એ રીતે અચેલ પરીષહ સહન કર્યો.
અચેલ એવા અપ્રતિબદ્ધ વિહારીને શીતાદિ વડે અભિભૂત થતાં અરતિ ઉત્પન્ન થવી ન જોઈએ, તેથી તે પરીષહ કહે છે –

Linked texts (1)