Pramāṇa · Search · About · API

Uttarajjhayana 287

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 287

Language
Gujarati

287

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૦ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૦ + વિવેચન]
આના ભાવાર્થને બતાવતો સંપ્રદાય આ પ્રમાણે છે –
ભગવંતના નિર્વાણ પછી ૨૨૦ વર્ષે ચોથો નિહ્નવ ઉત્પન્ન થયો. મિથીલા નગરીમાં લક્ષ્મીગૃહે ચૈત્ય હતું. ત્યાં મહાગિરિ આચાર્ય હતા. ત્યાં તેમના શિષ્ય કૌંડીન્ય હતા. તેમનો શિષ્ય અશ્વમિત્ર હતો.
તે અનુપ્રદાવ પૂર્વમાં નિપુણ વસ્તુનું અધ્યયન કરતો હતો. તેમાં છિન્નછેદનક વક્તવ્યતાનો આલાવો આવ્યો. બધાં વર્તમાન સમયે નૈરયિકો વ્યુચ્છેદ પામશે. એ પ્રમાણે વૈમાનિક સુધી કહ્યું.
એ પ્રમાણે અશ્વમિત્રને તેમાં વિચિકિત્સા જન્મી. બધાં જ સંયતો વ્યુચ્છેદ પામશે. એ પ્રમાણે બધાંનો સમુચ્છેદ થશે. ત્યારે તેનું તેમાં સ્થિર ચિત્ત થઈ ગયું.
(અહીં વૃત્તિકારશ્રીએ વાદ-પ્રતિવાદ રૂપે આ વાતનું ખંડન કરેલ છે, પણ આ પૂર્વેના ત્રણ નિહ્નવોના મત ખંડનથી અમને લાગ્યું છે કે આ માત્ર અનુવાદ યોગ્ય કથન નથી, પણ તજજ્ઞ પાસે સમજવા યોગ્ય કથન છે, તેથી અમે આનો અનુવાદ છોડી દીધેલ છે. જિજ્ઞાસુઓએ આ વૃત્તિ કોઈ તજજ્ઞ પાસે પ્રત્યક્ષ સમજવી હિતાવહ છે.)
આચાર્ય ભગવંતે ત્યારે તેને વિવિધ યુક્તિઓ, નયો, તર્કો આદિથી ઘણો સમજાવ્યો, છતાં તે સમજવા તૈયાર ન થયો ત્યારે આ નિહ્નવ છે, એમ જાણીને સંઘમાંથી હાંકી કાઢ્યો.
તે સામુચ્છેદન વાદને પ્રચારતા ભ્રમણ કરે છે. કેમકે – આ લોક શૂન્ય થઈ જશે. અસદ્ભાવના વડે ભાવિત કરતો તે અશ્વમિત્ર રાજાને ઘેર પહોંચ્યો. ત્યાં ખંડરક્ષકો અને આરક્ષકો બધાં શ્રમણોપાસકો હતા અને જે શુલ્કપાલકો હતા તે જાણીતા હતા.
તે બધાંએ આ અશ્વમિત્ર અને તેના સાધુઓને મારવાનું શરૂ કર્યું. ત્યારે તેઓ ડરતાં-ડરતાં બોલ્વા લાગ્યા - અમે તો સાંભળેલ કે તમો શ્રાવક છો, તો પણ અસંયત થઈને તમે અમને સંયત-સાધુને મારી રહ્યા છો?
તેઓ બોલ્યા - જે પ્રવ્રજિત અર્થાત્‌ સાધુઓ હતા, તે તો બધાં વિચ્છેદ પામ્યા, બાકી રહ્યા તે ચોર કે જાસૂસ આદિ છે. યાવત્‌ તમે તો સ્વયં જ વિનાશ પામવાના છો. તમારો વિનાશ કોણ કરી શકે? આ તમારો જ સિદ્ધાંત છે.
હા, જો તમે ભગવંત મહાવીરના સિદ્ધાંતને માનતા હો તો તમારો વિનાશ અમારા વડે થઈ રહ્યો છે, તેમ મનાય. કેમકે તે જ વસ્તુ કાલાદિ સામગ્રીને પામીને પહેલાં સામયિકત્વથી વિચ્છેદ પામીને બીજા સમયપણાથી ઉત્પન્ન થાય છે, એ પ્રમાણે ત્રણ સમયવાળા નૈરયિકોનો વિચ્છેદ થાય છે અને ચતુઃસમયિકા ઉત્પન્ન થાય છે. એ પ્રમાણે પાંચ સમયવાળા ઈત્યાદિ બધાં જાણવા.
અહીં તે વિચિકિત્સા કરતાં ક્ષણિકવાદની પ્રરૂપણા કરે છે. પણ હવે તેઓ બોધ પામ્યા. બોધ પામીને કહે છે – હે આર્ય! હું સમ્યક્‌ પ્રતિ ચોયણા ઈચ્છું છું. એ પ્રમાણે સમજાવવાથી તેઓ બોધ પામતા, તેમને મુક્ત કર્યા. તેમની સાથે ક્ષમાયાચના કરી. તે અશ્વમિત્રએ પણ ફરી ભગવંતનો માર્ગ જ સ્વીકારી લીધો.
હવે ગંગાચાર્યથી ‘બે ક્રિયા’ મત નીકળ્યો, તે કહે છે –

Linked texts (1)