Uttarajjhayana 288
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 288
- Language
- Gujarati
288
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૧ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૧ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃત્તિકાર આમ જણાવે છે –
ભગવંત મહાવીરના સિદ્ધિગમન બાદ બસો અને અઠ્ઠાવીસ (૨૨૮) વર્ષ વીત્યા પછી આ પાંચમો નિહ્નવ થયો.
ઉલ્લુકા નામે નદી હતી, તે નદીને કાંઠે ઉલ્લુકતીર નામે નગર હતું. બીજા કાંઠે ખેટસ્થામ નામે નગર હતું. ત્યાં મહાગિરિ નામે આચાર્યના શિષ્ય ધનગુપ્ત નામના હતા, તેમના શિષ્ય ગંગદેવ નામે આચાર્ય હતા.આ ગંગદેવ આચાર્ય કોઈ વખતે પૂર્વના કિનારે ઉલ્લુકતીર નગરમાં હતા. ત્યારે આચાર્ય, તે નદીના પશ્ચિમી કિનારે હતા.
તે વખતે શરદ ઋતુમાં તે ગંગદેવાચાર્ય, આચાર્ય મહાગિરિના વંદનને માટે ત્યાંથી નીકળ્યા. તે ઉપરી ખલ્વાટથી, તે ઉલ્લુક નદીને પાર ઉતરતા હતા, ત્યારે તે ખલિત ઘણી ઉષ્ણ હોવાથી દઝાડતી હતી અને નીચે શીતળ પાણી વડે પગમાં ઠંડી લાગતી હતી.
ત્યારે તેને વિચાર આવ્યો કે – જેમ સૂત્રમાં કહેલ છે કે - એક જ ક્રિયા વેદાય છે - શીત અથવા ઉષ્ણ. પરંતુ હું હાલ બે ક્રિયાનું વેદન કરું છું - શીત અને ઉષ્ણનું. તેથી એક સમયે બે ક્રિયાનું વેદન થાય છે. ત્યારે તેણે આચાર્યને આ વાત કરી.
આચાર્ય ભગવંતે તેને સમજાવ્યું કે - હે આર્ય! તું આવી પ્રરૂપણા ન કર, એક સમયે બે ક્રિયા કદી વેદાતી નથી. જે જ્યારે જણાય છે, તે ત્યારે હોય છે. જેમ શ્વેત વર્ણ શ્વેતપણે જ જણાય છે. ઉપયોગ એકસાથે બે વર્તાતા નથી. પણ ક્રમાનુલક્ષણ માત્રથી જ વર્તે છે.
(આ પૂર્વે ત્રણ નિહ્નવોમાં અમે વૃત્તિકાર કથિત વાદ, તર્ક, પ્રતિવાદાદિ મૂકેલા છે. પણ અહીં માત્ર અનુવાદથી અર્થને સમજવો કઠિન છે, વાસ્તવમાં આ આક્ષેપ-પરિહાર તજજ્ઞ પાસે જ સમજી શકાય તેવા હોવાથી અમે નોંધેલ નથી, જિજ્ઞાસુઓએ મૂળ વૃત્તિથી સમજવા પ્રયત્ન કરવો જ સલાહ ભરેલો છે, અથવા ગ્રન્થાંતરથી જાણવો શક્ય છે.)
– બહુ બહુવિધ આદિના ગ્રહણમાં ખરેખર ઉપયોગની બહુતા શ્રુતમાં કહેલી નથી. તેના અનેકના ગ્રહણમાં પણ ઉપયોગમાં અનેકતા નથી.
– જીવ ઉપયોગમય છે, તે જેમાં જે કાળે ઉપયોગ રાખે છે, તે ઈન્દ્રિયના ઉપયોગમાં તન્મય ઉપયોગ રહે છે. તે ઉપયોગ પૂરતી જ તે શક્તિ રોકાય છે. તેથી જ્યારે શીત ઉપયોગ હોય તે સમયે ઉષ્ણ ઉપયોગ ન હોય અને ઉષ્ણ ઉપયોગ સમયે શીત ઉપયોગ ન હોય.
આ પ્રમાણે ગુરુ ભગવંત દ્વારા પ્રજ્ઞાપના કરાવા છતાં તે ગંગાચાર્ય તેની શ્રદ્ધા કરતા નથી અને અસત્ ભાવનાથી આત્માને, બીજાને અને ઉભયને વ્યુદ્ગ્રાહિત કરે છે. સાધુને પણ તેવી પ્રરૂપણા કરતા હતા.
આ બધું પરંપરાએ આચાર્યએ સાંભળતા, તેમણે ગંગાચાર્યને વાર્યા, તે પણ સ્થિર ન થયા, ત્યારે સંઘમાંથી બહાર કાઢી મૂકાયા.
તે ગંગાચાર્ય ચાલત-ચાલતા રાજગૃહીએ ગયા. ત્યાં એક ચૈત્ય મહાતપસ્તીરપ્રભ નામે હતું. ત્યાં મણિનાગ નામે નાગ (યક્ષ) તે ચૈત્યમાં રહેતો હતો. ત્યાં ગંગાચાર્યએ પર્ષદાની મધ્યે આ પ્રમાણે પ્રરૂપણા કરી કે - નિશ્ચે જીવો એક સમયે બે ક્રિયાને વેદે છે.
ત્યારે તે મણિનાગે તે જ પર્ષદામાં કહ્યું કે – તમે આવી પ્રજ્ઞાપના ન કરો, આ પ્રજ્ઞાપના સુંદર નથી. હે દુષ્ટ શૈક્ષ! હું આટલા લાંબા કાળથી વર્ધમાન સ્વામીની પાસે ધર્મ શ્રવણ કરતો આવેલ છું. તેમણે કહ્યું છે કે – એક જ ક્રિયા વેદાય છે. તમે તેનાથી પણ વિશેષતર જ્ઞાની થયા છો શું?
હવે તમે આવો વાદ-કથનનો ત્યાગ કરી દો. જેથી મારે તમારા દોષને કારણે તમને શિક્ષા ન કરવી પડે. શિક્ષા કરીશ, તો તમારા માટે તે સારું નહીં થાય. કેમકે ભગવંતે અહીં જ - આ સ્થાને સમોસરીને આવી પ્રરૂપણા કરેલ છે કે - ‘એક જ ક્રિયા વેદાય.’ એ પ્રમાણે મણિનાગે કહેતા ગંગાચાર્યએ તે વાત સ્વીકારી. પછી ગંગાચાર્યએ ઉભા થઈને ‘મિચ્છામિ દુક્કડં’ કહ્યું.
હવે ષડલૂકથી જે રીતે ત્રૈરાશિક મતની ઉત્પત્તિ થઈ તેને નિર્યુક્તિકારશ્રી હવેની નિર્યુક્તિમાં કહે છે –