Pramāṇa · Search · About · API

Uttarajjhayana 294

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 294

Language
Gujarati

294

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૭ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૭ + વિવેચન]
પ્રત્યાખ્યાન પરિણામરહિતપણે જ કરવું જોઈએ. જેમાં પરિમાણ કરાય છે, તેમાં દુષ્ટ આશંસા સંભવે છે - આ ગાથાર્થ કહ્યો.
ગોષ્ઠામાહિલે કહ્યું કે – ભાવિમાં ‘હું હણીશ’ એવો આશંસા દોષ. કાળ મર્યાદાથી પ્રત્યાખ્યાન કરવામાં આવે છે, માટે પ્રત્યાખ્યાન કદી કાળ મર્યાદા પૂર્વકનું હોવું ન જોઈએ.
તેણે એ પ્રમાણે કહેતા, તેને વિંધ્યમુનિએ તેને કહ્યું કે - હે ગોષ્ઠામાહિલ! તમારા કહેવાનો આશય કંઈક આવો જણાય છે –
જે પરિમાણવત્‌ - સમયની મર્યાદાવાળું પ્રત્યાખ્યાન છે, તે આસક્તિ પૂર્વકનું છે. જેમ - ગૃહસ્થનું ઈત્થરકથિત - અલ્પકાલીન પ્રત્યા-ખ્યાન છે. કાળ મર્યાદાવાળું પ્રત્યાખ્યાન જે સાધુ જાવજ્જીવને માટે - સર્વ સાવદ્યનો ત્યાગ કહ્યો, તે આ અનૈકાંતિક હેતુ છે. તેથી કહે છે કે - કેમ અહીં પરિમાણત્વ માત્રથ સાભિષ્વંગતા - આસક્તિયુક્તતા સાધો છો અથવા આશંસાથી?
પહેલાં પક્ષમાં સાધુને અદ્ધા-કાળ પ્રત્યાખ્યાન હોય છે કે નહીં? જો હોય છે, તો શું પોરિસી આદિ પદયુક્ત હોય છે કે બીજી રીતે હોય છે? જો તે પોરિસી આદિ પદોથી યુક્ત હોય તો તેમાં પરિમાણ વાળાપણાથી શા માટે આસક્તિયુક્તતા કે આશંસા ન કહી?
જો સમતા સ્થિતત્વથી ન હોય તો પરિમાણવાળાને અનૈકાંતિક છે, જો તમને પોરિસી આદિ પદોનો સ્વીકાર અભિમત ન હોય તો પછી પ્રવ્રજ્યાના દિવસથી જ અનશનની આપત્તિ આવશે. વળી આગમમાં જે કહ્યું છે કે – ‘નિષ્પાદિતા શિષ્યો અને દીર્ઘ પર્યાય પરિપાલિત કર્યો.’ ઈત્યાદિ આગમ કથનમાં પણ વિરોધ આવશે.
સાધુને અદ્ધા પ્રત્યાખ્યાન નથી જ એવો પક્ષ નથી. કેમકે અનાગત અને અતિક્રાંત એવા પ્રત્યાખ્યાન આગમમાં જ જણાવેલા છે.
બીજા પક્ષમાં - આવી આશંસા પણ હોતી નથી. જેમકે - ‘ભાવાંતરમાં હું સાવદ્યનું સેવન કરીશ, એવી આશંસા થાય.’ (તેમ કહો છો) પણ ‘જાવજ્જીવ’ એ પદનું ઉચ્ચારણ પણ વ્રતભંગના ભયથી જ છે. કહ્યું છે કે - ‘વ્રતભંગ’ ના ભયથી જ ‘જાવજ્જીવ માટે’ એવો નિર્દેશ છે.
- X - X - X - X - X - X - X - X - અહીં આશંસા એ છે કે ‘આટલો કાળ તો મારે પાળવું જ.’ તે ભાવ છે, પણ તે પ્રત્યાખ્યાનનો મારે ભંગ કરવો, એવા કોઈ ભાવથી પ્રત્યાખ્યાન કરાતું નથી. જેમ ‘સાંજે ચાર આહારના ત્યાગરૂપ પ્રત્યાખ્યાન રાત્રિભોજન ન કરવાના ભાવને પુષ્ટ કરે છે, પરંતુ આવું પ્રત્યખ્યાન કરનાર દિવસ ઉગ્યા પછી ખાવું જ છે, તેવી આશંસા સેવે છે, તેમ સિદ્ધ થતું નથી. પછીના દિવસે નિશ્ચે ઉપવાસ કરનારો પણ પૂર્વ સંધ્યાએ ચાતુર્વિધ આહારનો ત્યાગ કરે જ છે ને?
(અહીં પણ વૃત્તિકારશ્રીએ ઘણો લાંબો વાદ પ્રસ્થાપિત કરેલો જ છે, પણ પૂર્વવત્‌ કારણોથી જ અમે સમગ્ર વૃત્તિનો અનુવાદ અહીં આપતા નથી. વળી વાદ-પ્રતિવાદને આ અનુવાદનો મુખ્ય વિષય પણ નથી. અહીં ‘મૂળ તત્ત્વનો સરળ બોધ’ એ અમારું કાર્યક્ષેત્ર છે.)
આ પ્રમાણે ગોષ્ઠા માહિલને સમજાવતા છેલ્લે કહે છે કે આ પ્રમાણે કાળ પરિમાણની મર્યાદામાં કોઈ દોષ નથી. છતાં જો કોઈ સાધુ અવ્રતના ભાવને મનમાં ધારણ કરીને તેને અવશ્યંભાવી બતાવે તો વ્રતનું અપરિમાણ બતાવતા પણ તે પ્રત્યક્ષ મૃષાવાદી જ છે. જ્યા આશંસા નથી ત્યાં અવધિ સહિતના પ્રત્યાખ્યાનમાં પણ સાભિષ્વંગ - આસક્તિ નથી, જેમ કાયોત્સર્ગમાં પણ કાળમર્યાદા કરાય, છતાં ત્યાં કોઈ આશંસા હોતી નથી, તેમ સાધુના પ્રત્યાખ્યાનમાં જાવજ્જીવ એવા પદથી પ્રગટ થતી કાળમર્યાદામાં કોઈ આશંસા વિદ્યમાન નથી. ઈત્યાદિ.
જેમ આચાર્ય ભગવંતે કહ્યું, તેમ બધાં જ કહે છે. જેમ આટલું આચાર્યએ કહ્યું, તેમ જે કોઈ બીજા સ્થવિરો, બહુશ્રુતો, અન્ય ગચ્છવાળા છે તેઓને પૂછવામાં આવે તો તેઓ પણ આટલું જ કહે છે.
ત્યારે પૂછે છે – તમે કઈ રીતે જાણો છો?
તીર્થંકરે પણ આ પ્રમાણે જ કહેલું છે. આ બધું સમજાવવા છતાં જ્યારે ગોષ્ઠામાહિલ સ્થિર ન થયો ત્યારે સંઘને ભેગો કરવામાં આવ્યો. પછી દેવતાને આશ્રીને કાયોત્સર્ગ કર્યો. જે શ્રાવકો હતા તે દેવતા આવ્યા. આવીને તેમણે કહ્યું - આજ્ઞા કરો, શું પ્રયોજન છે?
ત્યારે સંઘે તેઓને કહ્યું - જઈને તીર્થંકરને આટલું પૂછીને આવો કે જે ગોષ્ઠામાહિલ કહે છે, તે શું સત્ય છે? અથવા દુર્બલિકા પુષ્પમિત્ર આદિ શ્રીસંઘ કહે છે, તે કથન સત્ય છે?
ત્યારે તે દેવીએ કહ્યું કે - મને અનુબલ આપો. કાયોત્સર્ગનો આરંભ કર્યો. તે અનુબલને લીધે દેવી ગયા અને તેણીએ તીર્થંકરને પૂછ્યું કે આ બેમાં સાચું કથન કોનું છે? તીર્થંકર ભગવંતે કહ્યું - સંઘ છે તે જ સમ્યગ્‌વાદી છે, ગોષ્ઠામાહિલ મિથ્યાવાદી છે. આ સાતમો નિહ્નવ છે.
દેવ ત્યાંથી પાછા આવ્યા. આવીને બોલ્યા કે - સંઘ સમ્યક્‌વાદી છે અને આ ગોષ્ઠામાહિલ મિથ્યાવાદી નિહ્નવ છે.
ત્યારે ગોષ્ઠામાહિલે કહ્યું કે - આ અલ્પ ઋદ્ધિવાળી બિચારી છે. ત્યાં જવાની આની શક્તિ જ ક્યાં છે? તે દેવીની પણ શ્રદ્ધા ન કરી. ત્યારે પુષ્પમિત્ર આચાર્યએ તેને કહ્યું - હે આર્ય! તું આ વાતને સ્વીકારી લે, જેથી તને સંઘમાંથી બહાર કરવાનો પ્રસંગ ન આવે.
ગોષ્ઠામાહિલ તો પણ ન માન્યો. ત્યારે સંઘે તેને સંઘ બહાર કર્યો. બાર પ્રકારનો સંભોગ તેની સાથે બંધ કર્યો. તે બાર સંભોગ આ પ્રમાણે – (૧) ઉપધિ, (૨) શ્રુત, (૩) ભોજનપાન, (૪) અંજલિપગ્રહ - મળે ત્યારે હાથ જોડવા રૂપ, (૫) દાન, (૬) નિકાચના, (૭) અભ્યુત્થાન, (૮) કૃતિકર્મ કરણ, (૯) વૈયાવચ્ચકરણ, (૧૦) સમોસરણસન્નિષદ્યા, (૧૧) કથા, (૧૨) નિમંત્રણા.
આ બાર ભેદે સંભોગ કહ્યો. પંચ કલ્પમાં સત્તર ભેદો બતાવેલા છે.
૦ આ પ્રમાણે અલ્પતર વિસંવાદી નિહ્નવો કહ્યા. હવે પ્રસંગથી બહુતર વિસંવાદી ‘બોટિક’ને કહે છે –

Linked texts (1)