Pramāṇa · Search · About · API

Uttarajjhayana 295

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 295

Language
Gujarati

295

‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૧૭૮ + વિવેચન [૩/નિર્યુક્તિ-૧૭૮ + વિવેચન]
આ નિર્યુક્તિનો ભાવાર્થ સંપ્રદાયથી વૃત્તિકારશ્રી આ પ્રમાણે કહે છે –
ભગવંત મહાવીર સિદ્ધિમાં ગયા પછી ૬૦૯ વર્ષે બોટિકોનો આ મત રથવીરપુર નામક નગરમાં ઉત્પન્ન થયો.
તે કાળે તે સમયે રથવીરપુર નામે કર્બટ હતું. ત્યાં દીપક નામે ઉદ્યાન હતું. ત્યાં આર્યકૃષ્ણ નામે આચાર્ય હતા. ત્યાં શિવભૂતિ નામે એક સહસ્રમલ્લ હતો, તે રાજાની પાસે ગયો. હું તમારી ચાકરી સ્વીકારવા ઈચ્છું છું યાવત્‌ પરીક્ષા કરી લો. રાજાએ કહ્યું - ઠીક.
કોઈ દિવસે રાજાએ તેને કહ્યું કે - માતૃગૃહે સ્મશાનમાં જા અને કાળી ચૌદશે બલિ દઈને આવજે. દેવો અને પશુઓને બલિ આપી.
બીજા પુરુષોને કહેલું કે - આને ડરાવજો. તે જઈને માતૃબલિ આપ્યા પછી - હું ભૂખ્યો થયો છું, એમ વિચારીને તે જ સ્મશાનમાં પશુને મારીને, પકાવીને ખાય છે. તે પુરુષો શિવ આરસિત વડે ચારે તરફથી ભૈરવ રવ કરવા લાગ્યા. તે શિવભૂતિના રૂવાળું પણ ફરકાવી ન શક્યા. ત્યારપછી તે ત્યાંથી ઊભો થઈને ગયો. રાજાએ નિયુક્ત કરેલા પુરુષોએ બધી વાત રાજાને કહી. ત્યારે તે શિવભૂતિને ચાકરીમાં રાખ્યો.
અન્ય કોઈ દિવસે રાજાએ દંડિકને આજ્ઞા કરી કે - મથુરાને ગ્રહણ કરી લો - કબજો કરો. તેઓ સર્વ સૈન્ય સાથે હલ્લો લઈને ગયા. ત્યાંથી થોડે દૂર ગયા પછી તેઓ બોલ્યા કે - અરે! આપણે એ તો પૂછ્યું જ નહીં કે મથુરામાં અમે જઈએ. રાજાએ પણ કહ્યું નથી.
તેઓ અસમંજસથી દ્વિધામાં પડીને ઉભા રહેલા. શિવભૂતિ ત્યા આવીને પૂછે છે - અરે! તમે કેમ ઉભા રહી ગયા છો? ત્યારે તેઓએ જણાવ્યું કે કઈ મથુરાને જીતવાની છે, તે તો અમે જાણતા નથી. ત્યારે શિવભૂતિ બોલ્યો - આપણે બંને મથુરાને એકસાથે જ જીતી લઈશું.
તેઓ બોલ્યા - તે શક્ય નથી. તેના બે વિભાગમાંથી એકના પણ ગ્રહણમાં ઘણો કાળ લાગી જશે. ત્યારે શિવભૂતિએ દંડિકને જણાવ્યું કે - જે દુર્જય છે, તે મને આપી દો. યાવત્‌ ત્યાંથી નીકળ્યા - X - X - X - X - પાંડુ મથુરાના માર્ગમાં હલ્લો લઈને ચાલ્યા. ત્યા પ્રત્યંતોને સંતાપવાનો આરંભ કર્યો. પછી દુર્ગમાં રહેતા. એ પ્રમાણે આગળ વધતા-વધતા થોડું નગર બાકી રહ્યું એમ કરતા નગરને પણ ગ્રહણ કરી લીધું.
ત્યારપછી પાછા આવીને રાજાને નિવેદન કર્યું. તેનાથી ખુશ થઈને રાજા બોલ્યો - તને શું આપું? તે વિચારીને બોલ્યો કે જે મારા વડે ગ્રહણ કરાયું છે, તે સુગૃહિત છે, મને જેમ ઈચ્છું તેમ ફરવાની છૂટ આપો. રાજા કહે - સારું, તેમ થાઓ.
એ પ્રમાણે તે બહાર ભટકવા લાગ્યો. અડધી રાત્રે ઘેર આવતો કે ન પણ આવતો. તેની પત્ની ત્યાં સુધી ભોજન ન કરતી. ન સૂઈ જતી, જ્યાં સુધી તે ઘેર પાછો ન આવે. છેલ્લે તેણી પણ કંટાળી ગઈ. કોઈ દિવસે તેની પત્ની તેની માતા સાથે ઝઘડવા લાગી - તમારો પુત્ર રોજેરોજ અર્ધરાતે આવે છે, હું જાગતી રહું છું. ભૂખથી પીડાતી રહું છું. ત્યારે તેની માતાએ કહ્યું - આજે તું દ્વાર બંધ ન કરતી. હું જાગતી બેઠી છું.
શિવભૂતિ મોડી રાત્રે આવ્યો, તેની માતાએ તેનો તિરસ્કાર કર્યો. તેને કહી દીધું કે - આ વેળાએ જેના દ્વારો ખુલ્લા હોય ત્યાં જા - તેની ભવિતવ્યતાથી તેના દ્વારા માર્ગણા કરતાં સાધુની વસતિને ઉઘાડી જોઈ. ત્યાં જઈને વંદિત કર્યા અને કહ્યું - મને દીક્ષા આપી દો.
સાધુઓને તેની વાત સ્વીકાર્ય ન હતી. તેથી શિવભૂતિએ સ્વયં લોચ કરી લીધો. ત્યારે તેને વેશ આપ્યો. તેઓ વિચરવા લાગ્યા.
ફરી આવ્યા ત્યારે રાજાએ તેને કંબલરત્ન આપ્યું. આચાર્યએ તેને પૂછ્યું કે - સાધુને કંબલરત્નનું શું કામ છે? શા માટે ગ્રહણ કર્યું? એમ કહીને, શિવભૂતિને પૂછ્યા વિના તે કંબલરત્ન ફાડીને, નિષદ્યા બનાવી દીધી. ત્યારે શિવભૂતિ ઘણો ક્રોધે ચડ્યો.
અન્ય કોઈ દિવસે જિનકલ્પિકોનું વર્ણન ચાલતું હતું. જેમકે - જિનકલ્પિકો બે પ્રકારે છે - હાથરૂપ પાત્રવાળા અને પાત્રને ધારણ કરનારા. વસ્ત્રવાળા કે વસ્ત્ર વગરના. એ પ્રમાણે એકૈકના બે ભેદો થાય છે. શિવભૂતિએ પૂછ્યું - હવે આવું કેમ કરતા નથી? આચાર્યએ કહ્યું કે - જિનકલ્પનો હાલ વિચ્છેદ છે. પણ મારે તે વિચ્છેદ નથી, તે જ પરલોકાર્થીનું કર્તવ્ય છે. તેમાં પણ સર્વથા નિષ્પરિગ્રહત્વ જ શ્રેયસ્કર છે.
આચાર્યએ તેને સમજાવ્યું કે – આ ધર્મોપગરણ જ છે તે પરિગ્રહ નથી. ઘણાં જંતુઓ હોય છે તે આ ચક્ષુ વડે જોવા મુશ્કેલ છે, તેમની દયાને માટે રજોહરણ ધારણ કરવું જોઈએ. આસનમાં, શયનમાં, સ્થાનમાં, નિક્ષેપમાં, ગ્રહણમાં, ગાત્ર સંકોચનમાં, ચેષ્ટામાં પૂર્વે પ્રમાર્જના કરવી જોઈએ.
સંપાતિમ જીવો હોય છે, તેઓ સૂક્ષ્મ આદિ હોય, તેમની રક્ષા નિમિત્તે મુખવસ્ત્રિકાની આવશ્યકતા જાણવી. એ પ્રમાણે ભોજન અને પાનમાં પણ જંતુઓ હોય છે, તેથી તેની પરીક્ષા માટે પાત્રગ્રહણ જરૂરી છે. વળી સમ્યક્‌જ્ઞાન, શીલ, તપ એ બધાંની સિદ્ધિને માટે તેમના ઉપગ્રહાર્થે વસ્ત્ર ધારણ કરવા જરૂરી છે.
ઉક્ત ઉપકરણોને ગ્રહણ ન કરવાથી ક્ષુદ્ર પ્રાણીનો વિનાશ કે જ્ઞાન-ધ્યાનને ઉપઘાત થાય છે, તેમાં મહાન દોષ લાગે છે. જે વળી અતિ સહિષ્ણુતાથી આના વિના પણ ધર્મને બાધક ન થાય. તેમને તે હોતા નથી. તેથી કહે છે કે - ‘જેઓ આ દોષોને વર્જીને ધર્મોપગરણ છોડે, તેને તેનું અગ્રહણ યુક્ત છે, કે જેઓ જિનની માફક સમર્થ હોય.’ પણ તે પહેલાં સંહનનવાળા હોય. પણ હાલ પહેલું સંઘયણ નથી. ઈત્યાદિ ઘણું-ઘણું તેને યુક્તિથી સમજાવ્યું. શિવભૂતિએ ઉક્ત કથનોને કર્મોદયથી ન સ્વીકાર્યા. ચીવર-વસ્ત્ર આદિનો ત્યાગ કરીને તે ત્યાંથી નીકળી ગયો.
તેને ઉત્તરા નામે બહેન હતી. ઉદ્યાનમાં રહેલા શિવભૂતિને તે વાંદીને ગઈ. તેને જોઈને ઉત્તરાએ પણ વસ્ત્ર આદિ બધાંનો ત્યાગ કરી દીધો. તેણીને વસ્ત્રહીનપણે ભિક્ષાર્થે પ્રવેશતી હતી ત્યારે કોઈ ગણિકાએ જોઈ. તેણીને થયું કે આને જોઈને લોકો ક્યાંક અમારાથી વિરક્ત થઈ જશે. તેથી તેણીની છાતી ઉપર એક વસ્ત્ર બાંધ્યું. ઉત્તરા જો કે તે વસ્ત્ર માટે તૈયાર ન હતી. શિવભૂતિએ કહ્યું - હવે એ રીતે એક વસ્ત્રવાળી જ રહેશે. આ વસ્ત્ર તેને દેવતાનું આપેલ છે. શિવભૂતિએ બે શિષ્યોને દીક્ષા આપી. કૌંડિન્ય અને કોટ્ટવીર. તેથી શિષ્યોને પરંપરાએ સ્પર્શ થયો. આ અર્થનો ઉપસંહાર કરનારી બે ભાષ્યગાથાઓ કહે છે –

Linked texts (1)