Pramāṇa · Search · About · API

Uttarajjhayana 361

Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 361

Language
Gujarati

361

વિવેચન–૧૧૯
પાપકર્મની સ્પૃહા સદોષ છે, તેથી નિષેધ કર્યો છે. જો આ સર્વ સાધારણ હોય તો આમાં પણ દોષ થશે. તેથી કહે છે – સંસરવું તે સંસાર, તેમાં-તેમાં ઉચ્ચ-નીચમાં ભ્રમણ પ્રાપ્ત થશે. પરસ્ય - પોતાના સિવાયના પુત્ર, પત્ની આદિના પ્રયોજનને આશ્રીને અથવા સાધારણ એટલે કે પોતાના અને બીજાના કામમાં આવશે, એમ વિચારીને કરેલ હોય. કર્મના હેતુત્વથી કર્મ અથવા કરાય તે કર્મ - ખેતી આદિ, તેથી તે કૃષ્યાદિ કર્મકર્તા! બીજાને માટે કે સાધારણ કરેલ હોય, પોતાના માટે નહીં, તો પણ તે કર્મના વેદન-ફળના અનુભવ ન મળે, તે બંધુઓ - સ્વજનો, જેના હેતુથી તે કર્મ કરેલ છે કે કરો છો, તે બંધુઓ તેના વિભાગ કરીને કર્મોને લઈ જતાં નથી. જો આમ છે, તો તેની ઉપર પ્રેમ આદિ પ્રમાદનો પરિહાર કરી ધર્મ જ ભાવવો જોઈએ. કઈ રીતે? તેવા પ્રકારના આભિરી વંચક વણિક્‌ ની માફક. તે દૃષ્ટાંત આ પ્રમાણે છે –
કોઈ એક નગરમાં એક વણિક્‌ દુકાન-હાટડી રાખીને વ્યવહાર - વેપાર કરતો હતો. કોઈ એક આભીરણ સરળ સ્વભાવની હતી. તે બે રૂપિયા લઈને કર્પાસ નિમિત્તે તેની દુકાને આવી. ત્યારે કર્પાસ સમર્ધ હતો. તેથી વણિકે એક રૂપિયાનો બે વખત તોલીને કર્પાસ આપ્યો. તેણીએ બે વખત છે, તેમ સમજીને બંને રૂપિયા આપી દીધા. તેણી પોટલી બાંધીને ચાલી ગઈ.
પણ વણિકે વિચાર્યું કે આ રૂપિયો તો મને ફોગટમાં મળેલ છે. તો હું આનો ઉપભોગ કરું. તેણે તે રૂપિયાનો ઘી અને ગોળ ખરીદીને ઘેર મોકલ્યા. તેની પત્નીને કહેવડાવ્યું કે ઘેવર બનાવજે. તેણીએ ઘેવર બનાવ્યા. જમાઈ તેના મિત્ર સાથે આવ્યો. તેને ઘેવર પીરસ્યા. તે ખાઈને ચાલ્યો ગયો. વણિક્‌ સ્નાનાદિથી પરવારીને ભોજનાર્થે આવ્યો. તેની પત્નીએ તેને રોજિંદુ ભોજન પીરસ્યું. વણિકે પૂછ્યું - કેમ ઘેવર ન બનાવ્યા? તેણી બોલી - બનાવેલા હતા. જમાઈ તેના મિત્ર સાથે આવેલો, તે ખાઈ ગયા.
વેપારી વિચારવા લાગ્યો - જુઓ, મારે આ કેવું થયું? તે વિચારી આભીરણને છેતરીને મેં બીજાના નિમિત્તે મારા આત્માને પાપ વડે જોડ્યો. તે આમ વિચારતો શરીર ચિંતાર્થે નીકળ્યો, ઉનાળો તપતો હતો. તે મધ્યાહ્ન વેળાએ શરીર ચિંતા નિવારી એક વૃક્ષની નીચે વિશ્રામ કરતો હતો. તેટલામાં કોઈ સાધુને ભિક્ષા નિમિત્તે જતાં જોયા. તેણે સાધુને કહ્યું - ભગવન્‌! આ વૃક્ષની છાયામાં મારી સાથે અહીં વિશ્રામ કરો.
સાધુ બોલ્યા - ના, મારે જલદીથી મારા કાર્યને માટે જવું જોઈએ. વણિકે પૂછ્યું - ભગવન્‌! શું કોઈ પણ પરકાર્યને માટે પણ જાય છે? સાધુએ કહ્યું, જેમ તું જ પત્ની આદિના નિમિત્તે ક્લેશ પામે છે, તે પરકાર્ય જ છે. તે એક જ વચનથી બોધ પામીને બોલ્યો - ભગવન્‌! તમે ક્યાં રહો છો? તેણે કહ્યું - ઉદ્યાનમાં. પછી તે વણિક્‌ સાધુનું કાર્ય પૂરું થયું હશે તેમ જાણીને તેની પાસે ગયો. ધર્મ સાંભળીને બોલ્યો - હું સ્વજનને પૂછીને આવું છું. તમે મને પ્રવ્રજ્યા ગ્રહણ કરાવો.
વણિક્‌ પોતાના ઘેર ગયો. બંધુ, પત્ની આદિને બોલ્યો - જેમ દુકાનમાં વેપાર કરતા તુચ્છ લાભ થાય, તેથી હું દિશાવાણિજ્ય કરીશ. બે સાર્થવાહ હતા. તેમાં એક મૂલ્ય ભાંડ આપીને સુખેથી ઈષ્ટપુરને પ્રાપ્ત કરે છે, તેમાં ઉપાર્જિત કંઈ ગ્રહણ કરતાં નથી. બીજો ભાંડનું કંઈ મૂલ્ય આપતો નથી. પૂર્વોપાર્જિત પણ બનાવી લે છે. તો હું કોની સાથે જઉં? સ્વજનોએ કહ્યું – પહેલા સાથે જાઓ. તે તેમનાથી સમનુજ્ઞાત થઈ સ્વજનો સહિત ઉદ્યાનમાં ગયો. તેઓએ પૂછ્યું - સાર્થવાહ ક્યાં છે? તેણે કહ્યું - પરલોકમાં સાર્થવાહ આ સાધુ છે, તે અશોક છાયામાં બેસીને પોતાના ભાંડ વડે વ્યાપાર કરે છે. એમની સાથે હું નિર્વાણ નગરે જઈશ. એમ કહીને પ્રવ્રજિત થયો.
જેમ આ વણિક સ્વજન પાસે સ્વતત્ત્વને વિચારીને પ્રવ્રજ્યા પ્રતિ આદરવાળો થયો, તે પ્રમાણે બીજા પણ વિવેકીઓએ પ્રયત્ન કરવો. તેથી વાચકવરે કહ્યું છે - રોગથી હણાયેલો, દુઃખથી પીડિત, સ્વજનથી પરિવૃત્ત, ઘણો જ કરુણ ક્રંદન કરે તો પણ તેના રોગને હણવાને આ બધાં સમર્થ નથી. માતા, ભાઈ, બહેન, પત્ની, પુત્ર, મિત્રો જો તેના રોગને હણી શકતા નથી, તો તેવા સ્વજનનો ભાર શા માટે વહન કરે છે? તેઓ રોગને દૂર કરવામાં સમર્થ નથી અને ધર્મમાં વિઘ્ન કરનારા છે. વળી મરણથી રક્ષણ કરતાં નથી, તેવા બીજા સ્વજનાદિથી શો લાભ છે? તેથી સ્વજનોને માટે જો તું અકાર્ય કરે છે, તો હે નિર્લજ્જ! પરલોકમાં જઈને તેના ફળને ભોગવજે. હે મૂઢ! તે કારણથી તું સ્વજન ઉપરની આસક્તિ છોડીને, નિર્વૃત્ત થઈને ધર્મ કર, કે જે યતનપૂર્વક પરલોકનું ભાથું છે.
આ પ્રમાણે સ્વકૃત કર્મોથી સ્વજન વડે મુક્તિ નથી, તેમ કહ્યું. હવે કોઈ માને કે દ્રવ્ય જ તેની મુક્તિને માટે થશે, તેથી કહે છે –

Linked texts (2)