Uttarajjhayana 910
Uttarajjhayaṇa: ṭīkānusārī vivecana 910
- Language
- Gujarati
910
‘ઉત્તરાધ્યયન’ નિર્યુક્તિ–૩૬૩ થી ૩૭૩ + વિવેચન [૧૪/નિર્યુક્તિ-૩૬૩ થી ૩૭૩ + વિવેચન]
(વૃત્તિકારશ્રીએ અહીં અગિયાર ગાથાનો અક્ષરાર્થ આપતા કહ્યું કે અક્ષરાર્થ સ્પષ્ટ છે, પછી વિશિષ્ટ શબ્દોના અર્થો નોંધેલ છે, જેમકે - સંઘડિય - સમ્યક્ ઘટિતા, પરસ્પર સ્નેહથી સંબદ્ધ મિત્રો૦ ઈત્યાદિ. પછી ભાવાર્થ સંપ્રદાયથી જાણવો કહીને, આ ઉદાહરણ નોંધે છે –)
પૂર્વના અધ્યયનમાં કહેલાં ચાર ગોપદારકમાંના બે ગોપદારકો - ગોવાળોને સાધુની અનુકંપાથી સમ્યક્ત્વ પ્રાપ્ત થયું. કાળ કરીને દેવલોકમાં તે બંને ઉત્પન્ન થયા. તે બંને તે દેવલોકથી ચ્યવીને ક્ષિતિ પ્રતિષ્ઠિત નગરમાં ઈભ્યકુળમાં બંને પણ ભાઈ રૂપે જનમ્યા. ત્યાં બીજાં પણ ચાર ઈભ્ય બાળકો મિત્રો રૂપે જનમ્યા. ત્યાં પણ ભોગોને ભોગવીને તથારૂપ સ્થવિરોની પાસે દીક્ષા લીધી. ઘણાં કાળ સુધી સંયમની પરિપાલના કરીને ભક્ત પ્રત્યાખ્યાન કરીને સૌધર્મકલ્પમાં પદ્મગુલ્મ વિમાનમાં છ એ પણ જણા ચાર પલ્યોપમની સ્થિતિવાળા દેવરૂપે ઉત્પન્ન થયા.
ત્યાં જ પેલા ગોવાળપુત્ર રૂપ દેવ સિવાયના જે ચારે હતા, તે ત્યાંથી ચ્યવીને કુરુજનપદમાં ઈષુકારપુર નગરમાં ઉત્પન્ન થયા. તેમાં એક ઈષુકાર નામે રાજા થયો. બીજી ત્યાં મહાદેવી કમલાવતી નામે થઈ. ત્રીજો ત્યાં રાજાનો ભૃગુ નામે પુરોહીત થયો. ચોથો પુરોહીતની પત્ની, વાશિષ્ટ ગોત્રીયા ‘યશા’ નામે ઉત્પન્ન થયો.
તે ભૃગુ પુરોહીત સંતાનરહિત હતો. તે અપત્ય નિમિત્તે ગાઢ તપે છે. દેવી પાસે અપત્યની યાચના કરે છે. નૈમિત્તિકોને પૂછે છે. તે બંને પણ પૂર્વભવના ગોવાળો દેવભવમાં વર્તતા હતા ત્યારે અવધિ વડે જાણે છે કે - આપણે બંને આ ભૃગુ પુરોહીતના પુત્રો થઈશું.
તેઓ શ્રમણનું રૂપ કરીને ભૃગુની સમીપે આવ્યા. ભૃગુ પુરોહીતે પત્ની સહિત તે બંનેને વાંદ્યા. સુખાસને બેસીને બંનેએ ધર્મ કહ્યો. તે બંનેએ શ્રાવકના વ્રત ગ્રહણ કર્યા. પુરોહીતે પૂછ્યું અમને સંતાનો થશે? સાધુએ ઉત્તર આપ્યો કે - તમને બે બાળકો થશે. તે બંને બાલ્યપણામાં જ દીક્ષા લેશે. તમારા બંનેએ તેમને દીક્ષામાં વ્યાઘાત ન કરવો. તે બંને ઘણાં લોકોને સમ્યક્ બોધ પમાડશે. એમ કહીને બંને દેવો પાછા ગયા.
વધારે સમય પસાર કર્યા વિના તે બંને દેવલોકથી ચ્યવીને તે જ પુરોહીતની પત્ની વાશિષ્ઠી ગોત્રીયા ‘યશા’ના ઉદરમાં ઉત્પન્ન થયા. પછી પુરોહીત તેની પત્નીને સાથે લઈને ત્યાંથી નીકળી ગયો. પ્રત્યંત ગામે રહ્યો. ત્યાં જ તે બ્રાહ્મણીને પ્રસવ થયો. બે બાળકોને જન્મ આપ્યો. પછી તે બંને દીક્ષા ન લઈ લે તે માટે બંનેને વ્યુદ્ગ્રાહિત કરે છે. જેમકે - આ સાધુઓ દિવ્ય રૂપ ગ્રહણ કરીને બાળકોને મારીને તેનું માંસ ખાઈ જાય છે. તેમની પાસે ન જવું.
અન્ય કોઈ દિવસે તે બંને ગામમાં રમતાં બહાર નીકળ્યા. આ તરફ માર્ગમાં સાધુઓ આવતા હતા. પછી તે બંને બાળકો સાધુને જોઈને ભય પામીને ત્યાંથી પલાયન થઈને એક વટવૃક્ષ ઉપર ચડી ગયા. ભવિતવ્યતાથી તે સાધુઓ ભોજન-પાન ગ્રહણ કરીને તે જ વડની નીચે રોકાયા. મુહૂર્ત્ત માત્ર વિશ્રામ કરીને ભોજન કરવામાં પ્રવૃત્ત થયા. તે બંને બાળકો વડ ઉપર ચડીને જુએ છે કે સ્વાભાવિક ભોજન-પાન છે, માંસ નથી.
તે બંને ત્યાં વિચારવામાં પ્રવૃત્ત થયા કે - આપણે આવું રૂપ પૂર્વે ક્યાંક જોયેલ છે. જાતિ સ્મરણ જ્ઞાન થયું. બંને બોધ પામ્યા. સાધુને વાંદીને બંને માતા-પિતાની પાસે ગયા. માતા-પિતાને બોધ પમાડીને ચારેએ સાથે દીક્ષા લીધી. રાણી બોધ પામી, તેણીએ રાજાને બોધ પમાડ્યો. બંનેએ પણ દીક્ષા લીધી. એ પ્રમાણે તે છ એ કેવળજ્ઞાન પામી નિર્વાણ પામ્યા.
નામ નિષ્પન્ન નિક્ષેપ કહ્યો. હવે સૂત્ર ઉચ્ચારણ કરવું જોઈએ –