Pramāṇa · Search · About · API

Viyahapannatti 111

Viyāhapannatti: ṭīkānusārī vivecana 111

Language
Gujarati

111

‘ભગવતી’ સૂત્ર-૭૨ થી ૭૬ :– [૧/૬/૭૨ થી ૭૬]
[૭૨] તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના શિષ્ય ‘રોહ’ નામક અણગાર, જેઓ સ્વભાવથી ભદ્રક, મૃદુ, વિનીત, શાંત, પાતળા ક્રોધ-માન-માયા-લોભવાળા, નિરહંકારતા સંપન્ન, ગુરૂઆશ્રિત, કોઈને ન સંતાપનાર, વિનયી હતા. તેઓ ભગવંત મહાવીરની દૂર નહીં-સમીપ નહીં એ રીતે ઉભડક બેસી, મસ્તક ઝુકાવી, ધ્યાનરૂપ કોઠામાં પ્રવેશી, સંયમ અને તપથી આત્માને ભાવતા વિચરે છે.
ત્યારે તે રોહ અણગાર જાતશ્રદ્ધ થઈ યાવત્‌ પર્યુપાસના કરતા આ પ્રમાણે બોલ્યા - ભગવન્‌! પહેલા લોક અને પછી અલોક કે પહેલા અલોક અને પછી લોક? રોહ! લોક અને અલોક પહેલાં પણ છે, પછી પણ છે. આ બંને શાશ્વત ભાવો છે. તેમાં પહેલો કે પછી ક્રમ નથી.
ભગવન્‌! પહેલા જીવ પછી અજીવ કે પહેલા અજીવ પછી જીવ? જેમ લોક-અલોકમાં કહ્યું, તેમ જીવ-અજીવમાં જાણવું. એ પ્રમાણે ભવસિદ્ધિક-અભવસિદ્ધિક, સિદ્ધિ-અસિદ્ધિ, સિદ્ધ-અસિદ્ધ જાણવા.
ભગવન્‌! પહેલા ઇંડુ પછી કુકડી કે પહેલા કુકડી પછી ઇંડુ? રોહ! તે ઇંડુ ક્યાંથી થયું? ભગવન્‌! કુકડીથી. કુકડી ક્યાંથી થઈ? ભગવન્‌! ઇંડાથી. એ રીતે હે રોહ! ઇંડુ અને કુકડી પહેલા પણ છે, પછી પણ છે. એ શાશ્વત ભાવ છે. તે બેમાં કોઈ જાતનો ક્રમ નથી.
ભગવન્‌! પહેલા લોકાંત, પછી અલોકાંત કે પહેલા અલોકાંત, પછી લોકાંત! રોહ! લોકાંત અને અલોકાંત, યાવત્‌ કોઈ જ ક્રમ નથી.
ભગવન્‌! પહેલા લોકાંત, પછી સાતમું અવકાશાંતરનો પ્રશ્ન. રોહ! લોકાંત અને સાતમું અવકાશાંતર બંને છે, યાવત્‌ કોઈ ક્રમ નથી. એ પ્રમાણે લોકાંત અને સાતમો તનુવાત, એ રીતે ઘનવાત, ઘનોદધિ અને સાતમી પૃથ્વી. એ પ્રમાણે એક એકની સાથે આ સ્થાનો જોડવા.
[૭૩] અવકાશાંતર, વાત, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, વર્ષક્ષેત્ર, નૈરયિકાદિ જીવ, અસ્તિકાય, સમય, કર્મ અને લેશ્યા...
[૭૪] દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્યપ્રદેશ, પર્યવો, કાળ - - -
[૭૫] ભગવન્‌! શું પહેલા લોકાંત, પછી સર્વકાળ છે? જેમ લોકાંત સાથે એ બધાં સ્થાનો જોડ્યા, તેમ અલોકાંત સાથે પણ જોડવા.
ભગવન્‌! પહેલા સાતમું અવકાશાંતર, પછી સાતમો તનુવાત છે? એ રીતે સાતમું અવકાશાંતર બધાં સાથે જોડવું યાવત્‌ સર્વકાળ.
ભગવન્‌! પહેલા સાતમો તનુવાત, પછી સાતમો ઘનવાત? આ પણ તેમજ જાણવું. યાવત્‌ સર્વકાળ. આ રીતે ઉપરના એકૈકને સંયોજતા અને નીચે-નીચેનાને છોડતા પૂર્વવત્‌ જાણવું. યાવત્‌ અતીત, અનાગતકાળ પછી સર્વકાળનો યાવત્‌ અનાનુપૂર્વી. હે રોહ ! એ પ્રમાણે છે. હે ભગવન્ ! એમ જ એમ જ છે કહી રોહસાધુ વિચરે છે.
[૭૬] ભગવન્ ! એમ કહી ગૌતમસ્વામી શ્રમણ ભગવંત મહાવીરને એવું કહે છે- લોકસ્થિતિ કેટલા ભેદે
છે? ગૌતમ! આઠ ભેદે. તે આ પ્રમાણે- આકાશ પ્રતિષ્ઠિત વાયુ, વાયુ પ્રતિષ્ઠિત પાણી, પાણી પ્રતિષ્ઠિત પૃથ્વી, પૃથ્વી પ્રતિષ્ઠિત ત્રસસ્થાવર પ્રાણ. અજીવો જીવ પ્રતિષ્ઠિત, જીવો કર્મ પ્રતિષ્ઠિત. અજીવો જીવ સંગૃહિત, જીવો કર્મ સંગૃહિત. ભગવન્ ! એવું કેમ કહ્યું કે- લોકસ્થિતિ આઠ ભેદે છે? યાવત્ જીવો કર્મ સંગૃહિત છે?
ગૌતમ! જેમ કોઈ પુરૂષ ચામડાની મસકને પવનથી ફૂલાવે, ફૂલાવીને તેનું મુખ બાંધે, મધ્યમાં ગાંઠ બાંધે, મુખ ખોલી દે, ઉપરના ભાગે પાણી ભરે, ભરીને મુખ બાંધી દે, વચ્ચેની ગાંઠ છોડી નાંખે, તો ભરેલું પાણી વાયુના ઉપરના ભાગમાં રહે? હા, રહે. તે કારણે યાવત્‌ જીવો કર્મ સંગૃહિત છે.
અથવા હે ગૌતમ! કોઈ પુરૂષ મસકને ફૂલાવીને પોતાની કેડે બાંધે, બાંધીને અથાગ, તરી ન શકાય તેવા, માથોડાથી વધુ ઊંડા જળમાં પ્રવેશે, તો તે પુરૂષ પાણીના ઉપરના ભાગમાં રહે? હા, રહે. એ રીતે આઠ ભેદે લોક સ્થિતિ યાવત્‌ જીવ કર્મસંગૃહિત કહ્યા.

Linked texts (1)