Viyahapannatti 126
Viyāhapannatti: ṭīkānusārī vivecana 126
- Language
- Gujarati
126
‘ભગવતી’ સૂત્ર-૮૩ :– [૧/૭/૮૩]
ભગવન્ ! ગર્ભમાં ઉત્પન્ન થતો જીવ સેન્દ્રિય ઉત્પન્ન થાય કે અનિન્દ્રિય? ગૌતમ! ઈન્દ્રિયવાળો પણ ઉત્પન્ન થાય, ઈન્દ્રિય વિનાનો પણ. એમ કેમ કહ્યું? ગૌતમ! દ્રવ્યેન્દ્રિયોની અપેક્ષાએ અનિન્દ્રિય અને ભાવેન્દ્રિય અપેક્ષાએ ઈન્દ્રિયવાળો ઉત્પન્ન થાય, તેથી.
ભગવન્ ! ગર્ભમાં ઉપજતો જીવ સશરીરી ઉત્પન્ન થાય કે અશરીરી? ગૌતમ! શરીરવાળો અને વિનાનો બંને ઉત્પન્ન થાય. એમ કેમ કહ્યું? ગૌતમ! ઔદારિક, વૈક્રિય, આહારક અપેક્ષાએ શરીર રહિત અને તૈજસ, કાર્મણની અપેક્ષાએ શરીર સહિત ઉત્પન્ન થાય.
ભગવન્! ગર્ભમાં ઉત્પન્ન થતાં જ જીવ પહેલાં શું ખાય? ગૌતમ! માતાનું આર્તવ અને પિતાનું વીર્ય, તદુભય સંસૃષ્ટ કલુષ અને કિલ્વિષનો સૌ પહેલાં આહાર કરે છે.
ભગવન્! ગર્ભમાં ગયેલ જીવ શું ખાય? ગૌતમ! માતાએ ખાધેલ અનેકવિધ રસ વિગઈનો એક દેશ અને માતાનું આર્તવ ખાય.
ભગવન્! ગર્ભગત જીવ મુખેથી કવલાહાર લઈ શકે? ગૌતમ! ન લઈ શકે. કેમ કે - તે સર્વાત્મ વડે - ખાય, પરિણમાવે, શ્વાસોચ્છ્વાસ લે, કદાચિત્-ખાય, પરિણમાવે, શ્વાસોચ્છ્વાસ લે. બાળકના જીવને રસ પહોંચાડવા અને માતાને રસ લેવામાં કારણભૂત નાડી માતાના જીવ સાથે પ્રતિબદ્ધ અને પુત્ર જીવ સાથે સ્પૃષ્ટ છે, તેનાથી આહાર લે, પરિણમાવે છે. બીજી પણ એક નાડી પુત્રજીવ સાથે સંબદ્ધ, માતાના જીવને સ્પર્શેલ છે, તેનાથી આહારનો ચય, ઉપચય કરે છે, હે ગૌતમ! તે કારણથી ગર્ભગત જીવ મુખેથી કવલાહાર ન કરે.
ભગવન્! માતાના અંગ કેટલા? ગૌતમ! ત્રણ-માંસ, લોહી, માથાનું ભેજું.
ભગવન્! પિતાના અંગ કેટલા? ગૌતમ! ત્રણ – હાડકાં, મજ્જા, કેશ-દાઢી-રોમ-નખ.
ભગવન્! તે માતાપિતાના અંગો સંતાનના શરીરમાં કેટલો કાળ રહે? ગૌતમ! જેટલો કાળ ભવધારણીય શરીર રહે તેટલો કાળ તે અંગો રહે. સમયે સમયે હીન થતાં છેવટે તે શરીર નષ્ટ થતાં તે અંગો પણ નષ્ટ થાય.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit