Pramāṇa · Search · About · API

Viyahapannatti 145

Viyāhapannatti: ṭīkānusārī vivecana 145

Language
Gujarati

145

વિવેચન :–૯૫
ગુરુ લઘુ વ્યવસ્થા આ છે - નિશ્ચયથી સર્વ ગુરુ સર્વ લઘુ કોઈ દ્રવ્ય નથી. વ્યવહારથી બાદર સ્કંધોમાં ગુરુત્વ-લઘુત્વ રહે છે. પણ તે બીજામાં નથી. ચાર સ્પર્શવાળા અને અરૂપી દ્રવ્યો બધાં અગુરુલઘુ છે. બાકીનાં આઠ સ્પર્શવાળા દ્રવ્યો બધાં ગુરુ લઘુ છે એમ નિશ્ચયનય કહે છે. ચઉફાસ - સૂક્ષ્મ પરિણામવાળા, અટ્ઠફાસ - બાદર. ગુરુલઘુ દ્રવ્યરૂપી છે, અગુરુલઘુ દ્રવ્ય અરૂપી અને રૂપી છે. વ્યવહારથી તો ગુરુ આદિ ચારે ભેદે દ્રવ્યો હોય છે. તે સંબંધે દૃષ્ટાંતો આ છે –
ઢેફું એ ગુરુ છે, તેનો નીચે જવાનો સ્વભાવ છે. ધૂમ્રનો ઊંચે જવાનો સ્વભાવ હોવાથી લઘુ છે. વાયુ, તીર્છો જાય માટે ગુરુલઘુ છે અને આકાશ અગુરુલઘુ છે. અવકાશાંતરાદિ સૂત્રો આ ગાથાનુસાર જાણવા. જેમકે – અવકાશ, વાયુ, ઘનોદધિ, પૃથ્વી, દ્વીપ, સાગર, ક્ષેત્રો, નૈરયિકાદિ, અસ્તિકાય, સમય, કર્મ, લેશ્યા, દૃષ્ટિ, દર્શન, જ્ઞાન, સંજ્ઞા, શરીર, યોગ, ઉપયોગ, દ્રવ્ય, પ્રદેશ, પર્યવ, અતીત-અનાગત-સર્વકાળ.
વૈક્રિય, તૈજસ શરીર આશ્રીને નારકો ગુરુ-લઘુ છે. કેમ કે આ શરીર વૈક્રિય-તૈજસ વર્ગણાના બનેલા છે, તે ગુરુલઘુ જ છે. કહ્યું છે – ઔદારિક, વૈક્રિય, આહારક, તૈજસ એ બધી વર્ગણા ગુરુલઘુ છે. જીવ અને કાર્મણશરીર અપેક્ષાએ નારકો અગુરુલઘુ છે. કેમ કે જીવ અરૂપીત્વથી અગુરુલઘુ છે. કાર્મણવર્ગણા અગુરુલઘુ હોવાથી કાર્મણશરીર અગુરુલઘુ છે. કહ્યું છે – કાર્મણ, મન, ભાષાવર્ગણા અગુરુલઘુ.
જેને જેટલા શરીર હોય, તેને તેટલાં જાણીને અસુરાદિ સંબંધે સૂત્રો કહેવા. તેમાં અસુરાદિ દેવો નારકવત્‌ કહેવા. પૃથ્વી આદિ જીવો ઔદારિક, તૈજસ શરીર અપેક્ષાએ ગુરુલઘુ જાણવા. જીવ, કાર્મણ શરીરની અપેક્ષાએ અગુરુલઘુ છે. વાયુના જીવો ઔદારિક, વૈક્રિય, તૈજસને આશ્રીને ગુરુલઘુ છે. એ પ્રમાણે પંચેન્દ્રિય તિર્યંચ પણ જાણવા. મનુષ્યો ઔદારિક, વૈક્રિય, તૈજસ, આહારક શરીરથી ગુરુલઘુ જાણવા. ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાયને અગુરુલઘુ કહેવા. બાકીના પદો વડે તેને ન કહેવા, કેમ કે અરૂપી હોવાથી અગુરુલઘુ છે.
પુદ્ગલાસ્તિકાય સૂત્રમાં દીધેલ ઉત્તર નિશ્ચયનયાશ્રિત છે. કેમ કે નિશ્ચયનય મતે કોઈ વસ્તુ સૌથી હળવી કે સૌથી ભારે નથી. ઔદારિકાદિ ચાર દ્રવ્યો, કાર્મણાદિ અગુરુલઘુ છે. સમય અમૂર્ત છે માટે અગુરુલઘુ છે. કર્મો કાર્મણવર્ગણાત્મક હોવાથી અગુરુલઘુ છે. કૃષ્ણલેશ્યા ઔદારિકાદિ શરીરનો વર્ણ અને ઔદારિકાદિ ગુરુલઘુ છે. દૃષ્ટિ વગેરે જીવના પર્યાયરૂપ છે માટે અગુરુલઘુ છે. જ્ઞાનથી વિપરીત હોવાથી અજ્ઞાનપદ કહ્યું છે, નહીં તો દ્વારમાં જ્ઞાનપદ જ દેખાય છે.
હેટ્ઠિલ્લ એટલે ઔદારિક આદિ ગુરુલઘુ વર્ગણાના બનેલા હોવાથી ગુરુલઘુ કહેવા. કાર્મણશરીર અગુરુલઘુ વર્ગણાના બનાવેલ હોવાથી અગુરુલઘુ છે. એ રીતે મનોયોગ અને વાગ્‌યોગ પણ જાણવો. કાર્મણ સિવાયનો કાયયોગ ગુરુલઘુ દ્રવ્યોનો બનેલ હોવાથી ગુરુલઘુ છે. ધર્માસ્તિકાયાદિ દ્રવ્યો, તેના નિર્વિભાગ અંશરૂપ પ્રદેશો, વર્ણ-ઉપયોગાદિ પર્યાયો ગુરુલઘુ, અગુરુલઘુ કહેવા. કેમ કે સૂક્ષ્મ અને અમૂર્ત છે તે અગુરુલઘુ છે, બાદર છે તે ગુરુલઘુ છે. પ્રદેશ અને પર્યવો દ્રવ્યના સંબંધી હોવાથી તે તે દ્રવ્ય સ્વભાવના છે.

Linked texts (1)