Viyahapannatti 19
Viyāhapannatti: ṭīkānusārī vivecana 19
- Language
- Gujarati
19
વિવેચન :–૮
તે કાળે, તે સમયે શ્રમણ ભગવંત મહાવીરના પ્રથમ, શિષ્ય, એ બે પદ વડે તેમનું સકલ સંઘનાયકત્વ કહ્યું. ઈન્દ્રભૂતિ એ માતા-પિતા કૃત્ નામ હતું. - X - વિવક્ષાથી શ્રાવક પણ શિષ્ય હોય, માટે કહે છે – જેને ઘર ન હોય તે અનગાર. કોઈ અણગાર નિંદિતગોત્રવાળા હોય માટે કહે છે – ગૌતમગૌત્ર સહિત.
દેહ ન્યૂનાધિક પણ હોય, માટે કહ્યું – સાત હાથ ઊંચા, આવો લક્ષણહીન પણ હોઈ શકે, માટે કહ્યું – સમચતુરસ્ર અર્થાત્ નાભિની ઉપર અને નીચે લક્ષણથી તુલ્ય, એવા સંસ્થાને રહેલ અથવા સમ - અન્યૂનાધિક ચાર અસ્રિ યુક્ત તે સમચતુરસ્ર. અસ્રિ એટલે પર્યંકાસને બેસેલા પુરૂષના બંને જાનુનું અંતર, આસન અને લલાટના ઉપરના ભાગનું અંતર, જમણો ખભો-ડાબો જાનુનું ડાબો ખભો-જમણો જાનુનું અંતર.
અન્ય કહે છે – વિસ્તાર અને ઊંચાઈથી સમાન તે સમચતુરસ્ર.
આવા સંસ્થાન છતાં હીન સંહનનવાળા હોય. તેથી કહે છે – વજ્ર ઋષભ નારાચ સંઘયણ, સંહનન એટલે હાડકાંનો સમૂહ. વજ્રાદિનું લક્ષણ - પાટો તે ઋષભ, વજ્ર તે ખીલી, મર્કટબંધ તે નારાચ. આ સંહનન ખીલા વડે બદ્ધ, કાષ્ટ સંપુટ સદૃશ સામર્થ્યયુક્ત હોવાથી વજ્ર, લોહાદિમય પટ્ટ વડે બદ્ધ હોવાથી ઋષભ, વજ્રરૂપ ઋષભ તે વજ્રર્ષભ ઈત્યાદિ - X - ઈન્દ્રભૂતિ અતિ ઉત્કૃષ્ટ સામર્થ્યવાળા હોવાથી આવા વિશેષ અસ્થિસમૂહ રૂપ સંહનનવાળા છે. માટે વજ્રર્ષભનારાચ સંહનન વિશેષણ મૂક્યું.
- X - આવા નિંદ્ય વર્ણવાળા પણ હોય તેથી કહે છે – સોનાની પુલક પર કસોટીએ કસેલી રેખા તથા કમલના કેસરસમ ગૌર વર્ણયુક્ત. વૃદ્ધ વ્યાખ્યા આ રીતે – સુવર્ણનો પણ લોઢાનો નહીં, પુલક એટલે સાર, તત્પ્રધાન જે રેખા, તેનું બહુપણું, તેના જેવા ગૌર અથવા સુવર્ણનું જે બિંદુ, જે તેની સમાન વર્ણથી છે, તે તથા કેશરા સદૃશ ગૌર. આ રીતે સુંદર વર્ણવાળા હોવા છતાં વિશિષ્ટ ચારિત્રરહિત પણ હોય. તેથી કહે છે–
ઉગ્રતપ-અનશનાદિ જેને છે તે. અર્થાત્ સામાન્ય જન જેનું ચિંતવન કરવાને પણ અશક્ત હોય તેવા તપથી યુક્ત. દીપ્ત - કર્મરૂપી ગહન વનને ભસ્મસાત્ કરવાને સમર્થ હોવાથી જાજ્વલ્યમાન અગ્નિ સમ દીપ્ત-જ્વલિત, ધર્મધ્યાનાદિ તપયુક્ત, તપ્તતપા - જેણે તપ તપ્યું છે તે, એવું તપ તપીને કર્મોને સંતપાવી, તપરૂપ આત્માને પણ સંતપાવ્યો. સાધારણ પુરૂષથી ન થાય તેવો તપ કર્યો. મહાતપ - આશંસા દોષ રહિતત્વથી પ્રશસ્ત તપસી,
ઓરાલ - ભીમ, ઉગ્રાદિ વિશેષણયુક્ત તપ કરવાથી, અલ્પ સત્વવાળા પાસત્થાને ભયાનક. અન્ય કહે છે - ઓરાલ - ઉદાર, પ્રધાન. ઘોર - અતિ નિર્ઘૃણ, પરીષહ, ઈન્દ્રિયાદિ શત્રુસમૂહના વિનાશને આશ્રીને નિર્દય,
બીજા કહે છે- ઘોર એટલે આત્મનિરપેક્ષ, ઘોરગુણ - અન્ય પુરૂષો વડે આચરી ન શકાય એવા મૂલગુણાદિ ગુણયુક્ત, ઘોરતવસ્સિ - ઘોર તપ કરનાર. ઘોરબંભચેરવાસી - અલ્પસત્વી પ્રાણીગણથી દુરનુચર હોવાથી દારુણ, એવું જે બ્રહ્મચર્ય તેમાં વસનારા, ઉજ્ઝિતશરીર - શરીર સંસ્કાર ત્યાગી.
સંખિતવિઉલ-તેઉલેસ્સ - શરીરમાં લીન હોવાથી સંક્ષિપ્ત, યોજન પ્રમાણ ક્ષેત્રમાં વસ્તુના દહનમાં સમર્થ હોવાથી વિપુલ. તેજોલેશ્યા એટલે તપોજન્ય લબ્ધિ વિશેષથી ઉત્પન્ન તેજોજ્વાલા. - X - X -
ચૌદપૂર્વી - ચૌદ પૂર્વ જેને વિદ્યમાન છે તે, કેમ કે તેઓએ જ રચેલા છે, આમ કહી તેમનું શ્રુતકેવલિપણું બતાવ્યું. તે અવધિજ્ઞાન આદિ રહિતને પણ હોય તેથી કહે છે કેવલજ્ઞાન સિવાયના ચાર જ્ઞાનવાળા, ઉક્ત બંને વિશેષણ છતાં કોઈક સમગ્ર શ્રુત વિષય વ્યાપી જ્ઞાની ન પણ હોય, કેમ કે ચૌદ પૂર્વી અનંત જ્ઞાનાદિ છ સ્થાન પતિત પણ હોય, તેથી કહે છે – સર્વાક્ષર સંનિપાતી - સર્વ અક્ષરના સંયોગ જેને જ્ઞેયપણે હોય તે અથવા શ્રવ્યને સંગતિપણે નિત્ય બોલવાના સ્વભાવવાળા, તે શ્રવ્યાક્ષરસન્નિવાદી, આવા અનેકગુણવાળા, વિનયની રાશિ સમાન તથા શિષ્યાચારને પાળતા ભગવન્ ઈન્દ્રભૂતિ વિચરે છે - X -
અદૂરસામન્ત - દૂર એટલે છેટે, સામંત એટલે નીકટ, તેના નિષેધથી અદૂર સામંત, કઈ રીતે વિચરે છે? જેના ઘૂંટણ ઊંચા છે, શુદ્ધ પૃથ્વીના આસનના વર્જનથી ઔપગ્રહિક નિષદ્યાના અભાવે, ઉત્કુટુક આસને. નીચું મુખ રાખીને - ઊંચે કે તિર્છુ ન જોતા, નિયતભૂમિમાં દૃષ્ટિ રાખીને. ધર્મ કે શુક્લ ધ્યાનરૂપ કોઠાને પ્રાપ્ત, જેમ કોઠામાં નાંખેલ ધાન્ય ન વેરાય, તેમ તે ભગવન્ના ઈન્દ્રિયાદિ અસ્થિર થતાં નથી, તેવા ઈન્દ્રભૂતિ સંવર અને તપ વડે આત્માને વાસિત કરીને રહ્યા છે. સંયમ અને તપનું ગ્રહણ મોક્ષના અંગરૂપે છે. કેમ કે સંવરથી કર્મો રોકાય છે અને તપથી જૂના કર્મ નિર્જરે છે.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit