Pramāṇa · Search · About · API

Viyahapannatti 21

Viyāhapannatti: ṭīkānusārī vivecana 21

Language
Gujarati

21

વિવેચન :–૯
ધ્યાનરૂપ કોષ્ઠને પામીને વિહરણ કર્યા પછી, - X - સામાન્ય થકી કહીને, તે ભગવન્‌ ગૌતમ કેવા છે? તે કહે છે – ઉત્પન્ન શ્રદ્ધાદિ વિશેષણ યુક્ત - ઉઠે છે, તે યોગ. જાત-પ્રવૃત્ત, શ્રદ્ધા - વક્ષ્યમાણ અર્થતત્ત્વના જ્ઞાનની ઈચ્છા જેને છે તે જાતશ્રદ્ધ. જાતસંશય - તેમાં સંશય - અનવધારિત અર્થજ્ઞાન, તે જેને છે તે. તે ભગવન્‌ ગૌતમને આ પ્રમાણે થયો. –
ભગવંત મહાવીરે ચલમાણે૦ આદિ સૂત્રમાં ચાલતા પદાર્થને ચાલ્યો કહ્યો, તેમાં ‘જે ચાલતો-તે ચાલ્યો’ એમ કહ્યું. તેથી બંને એક વિષયવાળા બતાવ્યા. તેમાં ‘ચાલતો’ એ વર્તમાનકાળ બતાવે છે, ‘ચાલ્યો’ એ ભૂતકાળવિષયક છે –
– અહીં સંશય થયો કે જે પદાર્થ વર્તમાન વિષયક છે તે ભૂતકાળ વિષયક કેમ થાય? કેમ કે બંને કાળ વિરુદ્ધ છે. આમ સંશય થયો તેથી જાતસંશય કહ્યા. ઉત્પન્ન થયેલ કુતૂહલવાળા, ભગવન્‌ આ પદાર્થોને કઈ રીતે જણાવશે? તથા ઉત્પન્ન શ્રદ્ધ-જેને પૂર્વે ન થયેલ, પણ હવે થઈ તેવી શ્રદ્ધાવાળા. જાતશ્રદ્ધ પણ તેમજ છે, તો ઉત્પન્નશ્રદ્ધ એવું બીજું વિશેષણ કેમ? - X - X - શ્રદ્ધાની ઉત્પત્તિ અને પ્રવૃત્તિનો અન્યોન્ય કાર્ય કારણ ભાવ દર્શાવવાને - હેતુત્વ પ્રદર્શનાર્થે. - X - X - X - X -
ઉત્પન્ન સંશય, ઉત્પન્ન કુતૂહલ બંને પૂર્વવત્‌. સંજાતશ્રદ્ધ ઈત્યાદિ છ પદ પૂર્વવત્‌ જાણવા. વિશેષ એ કે અહીં સં શબ્દ પ્રકર્ષ આદિ અર્થવાળો છે - X - X - બીજા જાતશ્રદ્ધાદિ ૧૨ વિશેષણોની વ્યાખ્યા આ પ્રમાણે કરે છે – (૧) જેઓ પૂછવાને શ્રદ્ધાવાળા થાય તે જાતશ્રદ્ધ, જાતશ્રદ્ધ શા માટે થયા? જાત સંશય છે માટે. - ‘આ પદાર્થ આવો હોય કે આવો? જાત સંશય કેમ થયા? જાત કુતૂહલ છે માટે.’ ‘આ અર્થને હું કેવી રીતે જાણીશ?’ એવા અભિપ્રાયવાળા છે માટે.
આ ત્રણ વિશેષણો અવગ્રહની અપેક્ષાએ જાણવા. એ રીતે ઉત્પન્ન શ્રદ્ધ આદિ ત્રણ ઈહાપેક્ષાએ, સંજાતશ્રદ્ધ આદિ ત્રણ અપાયાપેક્ષા, સમુત્પન્નશ્રદ્ધ આદિ ત્રણ ધારણાની અપેક્ષાએ સમજવા.
બીજાઓ એમ કહે છે - જાતશ્રદ્ધત્વાદિ અપેક્ષાએ ઉત્પન્ન શ્રદ્ધાદિ સામાનાર્થા છે, તો પણ વિવક્ષિત અર્થનો પ્રકર્ષ પ્રતિપાદિત કરવા સ્તુતિ પરાયણ ગ્રંથકારે કહ્યા છે. તેમાં પુનરુક્તિ દોષ નથી. કહ્યું છે – હર્ષ, ભયાદિથી આક્ષિપ્ત મનવાળો વક્તા, સ્તુતિ કે નિંદા કરતા જે પદોને અનેકવાર બોલે, તો તે પુનરુક્તિ દોષને પાત્ર નથી.
ઉટ્ઠાએ ઉટ્ઠેઈ - ઊંચા વર્તતા ઉઠે છે. એકલું ઉટ્ઠેઈ પદ મૂકે તો ક્રિયાનો આરંભ માત્ર પ્રતીત થશે. જેમ કે બોલવાનો આરંભ કરે છે, તેનો વ્યવચ્છેદ થાય તે માટે ઉટ્ઠાએ વિશેષણ ઉટ્ઠેઈ સાથે મૂક્યું. અહીં ઉપાગચ્છતિ એ ઉત્તરક્રિયાની અપેક્ષાએ ઉત્થાન ક્રિયાનું પૂર્વકાળપણું કહેવાને ઉટ્ઠાએ ઉટ્ઠેઈ કહ્યું. - X –
ભગવાન મહાવીર પાસે આવ્યા. - X - આવીને શ્રમણ ભગવંત મહાવીરને જમણા હાથથી આરંભીને ત્રણ વખત પ્રદક્ષિણા કરી - X - વંદેઈ - વચન વડે સ્તુતિ કરી અને કાયા દ્વારા નમસ્કાર કરે છે. પછી અવગ્રહના પરિહારથી અતિ સમીપ નહીં કે અતિ દૂર નહીં તેમ ઉચિતપણાને સ્વીકારીને. ભગવદ્‌વચનને સાંભળવાને ઈચ્છતા, ભગવંત સન્મુખ રહી, વિનય વડે અંજલિ કરીને - X - X - પર્યુપાસના - સેવના કરતા આ પ્રમાણે કહેવા લાગ્યા.
સે એટલે તે પૂજ્યોએ ‘ચાલતું તે ચાલ્યું’ ઈત્યાદિ કહ્યું છે. નૂનં - નિશ્ચયાર્થે છે. - X - અથવા સે શબ્દ અથ શબ્દના અર્થમાં પ્રસિદ્ધ છે. અથ શબ્દ વાક્યના આરંભે કે પ્રશ્નને માટે સમજવો. કહ્યું છે – અથ શબ્દ પ્રકરણ, પ્રશ્ન, અનંતરપણું, મંગલ, પ્રારંભ, ઉત્તર તથા સમુચ્ચય બતાવે છે. ‘ભંતે’ શબ્દ ગુરૂને આમંત્રણ રૂપે છે. તેથી હે ભદંત! હે કલ્યાણ સ્વરૂપ અથવા સુખ સ્વરૂપ! અથવા –
ભવ એટલે સંસારના અંતકર હોવાથી ભવાન્ત, ભયના અંતકર હોવાથી ભયાંત અથવા ભાન્‌ - જ્ઞાનાદિ વડે દીપ્યમાન અથવા ભ્રાજમાન્‌ - દીપ્યમાન્‌! કેમ કે ભ્રાજૃ ધાતુ દીપ્તિ અર્થમાં છે.
આદિથી આરંભીને ભંતે પર્યન્ત ગ્રંથ ભગવન્‌ સુધર્માસ્વામીએ પાંચમાં અંગના પહેલા શતકના પહેલા ઉદ્દેશાના સંબંધાર્થે કહ્યો. આ સંબંધે આવેલ પાંચમાં અંગના પહેલા શતકનું આદિ સૂત્ર –
૧/૧/૧ - ચલમાણે ચલિએ આદિ [શંકા] સુધર્માસ્વામીએ પહેલા શતકના પહેલા ઉદ્દેશામાં પહેલું જ સૂત્ર બીજા કોઈ અર્થવાળું ન મૂકીને ‘ચાલતું તે ચાલ્યું’ એ અર્થવાચક સૂત્ર કેમ મૂક્યું?
[સમાધાન] ચાર પુરૂષાર્થોમાં મોક્ષ નામક પુરૂષાર્થ સર્વાતિશાયી હોવાથી મુખ્ય છે. સાધ્ય એવા મોક્ષના સમ્યગ્‌દર્શનાદિ અવ્યભિચારી સાધનો છે. સજ્જનો ઉભયના નિશ્ચયનું શિક્ષણ આપનાર શાસ્ત્રને ઈચ્છે છે, ઉભયનિયમ - સમ્યગ્‌દર્શનાદિ મોક્ષરૂપ સાધ્યના જ સાધનો છે, અન્ય કોઈ નહીં. તે મોક્ષના વિપક્ષના ક્ષયથી થાય છે. તે વિપક્ષ એ બંધ છે. કર્મનો આત્મા સાથે સંબંધ તે બંધ. તે કર્મોના પ્રક્ષય નિમિત્તે આ અનુક્રમ કહ્યો. - ‘ચાલતું તે ચાલ્યું’ ઈત્યાદિ.
(૧) તેમાં ચલત્‌ - સ્થિતિના ક્ષયથી ઉદયમાં આવતું, વિપાકને અભિમુખ થતું જે કર્મ, તે ચલિત - ઉદયમાં આવ્યું, એમ કહેવાય છે. કર્મોનો જે ચલનકાળ તે જ ઉદયાવલિકા છે, તે ચલનકાળ અસંખ્ય સમયવાળો હોવાથી આદિ-મધ્ય-અંતથી યુક્ત છે.
કર્મપુદ્ગલોના પણ અનંતા સ્કંધો છે, અનંતા પ્રદેશો છે, તેથી તે ક્રમથી પ્રતિસમય ચાલે છે, તેમાં જે આદ્ય ચલન સમય છે, તેમાં ચાલતા કર્મને ચાલ્યુ કહેવાય.
[શંકા] ‘ચાલતું’ વર્તમાન છે છતાં ‘ચાલ્યું’ એમ ભૂતકાળ કેમ? જેમ વસ્ત્રના ઉત્પત્તિ કાળે પ્રથમ તંતુના પ્રવેશ સમયે ઉત્પદ્યમાન જ પટ ઉત્પન્ન થાય છે. ઉત્પદ્યમાનત્વ પટની ઉત્પન્નતા સિદ્ધ કરવા કહે છે – પ્રથમ તંતુનો પ્રવેશકાળ શરૂ થયો તેટલામાં માત્ર એક ત્રાગ જ વણાયો હોય ત્યારે પણ વસ્ત્ર પેદા થાય છે. એમ વ્યવહારમાં જોવાથી વસ્ત્રનું ઉત્પદ્યમાનત્વ પ્રસિદ્ધ જ છે.
પ્રથમ તંતુ પ્રવેશ સમયે ઉત્પત્તિ ક્રિયાકાળમાં જ વસ્ત્ર ઉત્પન્ન થયો છે એમ સ્વીકારવું, જો પ્રથમ ક્રિયાક્ષણે વસ્ત્ર ઉત્પન્ન થયું નથી તેમ માનો તો ઉત્તરક્ષણે પણ તે અનુત્પન્ન જ ગણાશે, કેમ કે ઉત્તરક્ષણ ક્રિયામાં શું વિશેષતા છે કે, જેથી પ્રથમ સમયે અનુત્પન્ન પટ ઉત્તરસમયની ક્રિયાથી ઉત્પન્ન થાય? તેથી સર્વદા જ અનુત્પત્તિ પ્રસંગ આવશે. અંત્ય તંતુ પ્રવેશે પટના દેખાવાથી, પ્રથમ તંતુના પ્રવેશ સમયે પટ કંઈક ઉત્પન્ન થયો તેમ માનવું જ પડે. જો તેને ઉત્તરક્રિયા જ ઉત્પન્ન કરતી હોય તો, એક જ પટાંશને ઉપજાવવામાં પટ ઉત્પન્ન કરનાર સર્વે ક્રિયા અને કાળનો ક્ષય થાય. વળી જો ઉત્પન્ન પટના પ્રથમાંશના ઉત્પાદનની અપેક્ષારહિત પાશ્ચાત્ય ક્રિયા હોય તો જ પટના પાછલા અંશોનો અનુક્રમ થાય, અન્યથા ન થાય. આ પ્રમાણે ઉત્પન્ન થતો પટ ઉત્પન્ન થયો કહેવાય, તેમ કર્મોની અસંખ્યાત પરિમાણવાળી ઉદયાવલિકા હોવાથી, આદિ સમયથી આરંભી ચાલતું કર્મ ચાલ્યુ કહેવાય.
કેમ? જો તે કર્મ ચલન અભિમુખ થઈ ઉદયાવલિકામાં આદિ સમયે ચાલ્યું ન હોય તો તે કર્મનો આદિ સમય ચલનરહિત હોવાથી વ્યર્થ છે. જો તે પ્રથમ સમયે ન ચાલ્યું, તો દ્વિતિયાદિ સમયે પણ ચાલ્યું નથી. કેમ કે દ્વિતિયાદિમાં એવી શું વિશેષતા છે કે જે પ્રથમ સમયે ન ચાલ્યુ તો બીજા સમયે ચાલે? તેથી સર્વદા અચલિત જ રહેશે. સ્થિતિની પરિમિતતા અને કર્માભાવના અભ્યુપગમને લઈને અંત્ય સમયે કર્મોનું ચલન થતું અનુભવાય છે. માટે પ્રથમ અને પછીના સર્વે ચલન સમયોમાં કર્મના અંશો કંઈક ચલિત થયા તેમ માનવું. જે આદિ સમયમાં ચાલ્યું તે ઉત્તર સમયમાં ચાલતું નથી. આદિ - X -
(૨) ઉદીરાતું તે ઉદીરાયું - ઉદયને પ્રાપ્ત ન થયેલ એવા આગામી લાંબા કાળે વેદવાના કર્મદલિકને વિશિષ્ટ અધ્યવસાયરૂપ કરણ વડે ખેંચીને ઉદયમાં લાવવું તે ઉદીરણા. તે અસંખ્યેય સમયવર્તી છે. ઉદીરણા વડે પ્રથમસમયમાં જ ઉદીરાતાં કર્મને પૂર્વોક્ત દૃષ્ટાંતે ઉદીરાયું કહેવાય.
(૩) વેદાતું તે વેદાયું. વેદન અર્થાત્‌ કર્મનો ભોગ-અનુભવ. સ્થિત ક્ષયથી ઉદય પ્રાપ્ત કે ઉદીરણાથી ઉદય પ્રાપ્ત કર્મનું વેદન થાય છે. તે અસંખ્ય સમય હોવાથી આદ્યસમયમાં વેદાતાં કર્મને ‘વેદાયું’ એવો વ્યવહાર જાણવો.
(૪) પડતું તે પડ્યું. જીવ પ્રદેશ સાથે સંબદ્ધ કર્મનું જીવપ્રદેશથી પડવું તે પ્રહાણ. તેનું પરિમાણ અસંખ્યેય સમય છે. તેથી પ્રહાણના આદિ સમયથી પડતું તે પડ્યું કહ્યું.
(૫) છેદાતું તે છેદાયું - કર્મના દીર્ઘકાળની સ્થિતિની લઘુતા કરવી. તે છેદન અપવર્તન નામક કરણ વિશેષથી કરે છે, તેની સ્થિતિ અસંખ્યાત સમય છે.
(૬) ભેદાતુ તે ભેદાયુ - શુભ કે અશુભ કર્મના તીવ્રરસનું અપવર્તના કરણ વડે મંદ કરવું અને મંદને ઉદ્વર્તના કરણથી તીવ્ર કરવું તેને ભેદ કહે છે. આ ભેદ અસંખ્યેય સમય સ્થિતિવાળો છે, આદિ પૂર્વવત્‌.
(૭) બળતું તે બળ્યું – કર્મદલિકરૂપ કાષ્ઠનો ધ્યાનાગ્નિથી નાશ કરવો - કર્મરહિતપણું કરવું, તેને દાહ કહે છે. જેમ અગ્નિ વડે કાષ્ઠ બળીને કરવો - કર્મરહિતપણું કરવું, તેને દાહ કહે છે. જેમ અગ્નિ વડે કાષ્ઠ બળીને ભસ્મસ્વરૂપ થાય, તેમ કર્મ પણ ધ્યાનાગ્નિ વડે દાહ પામે છે. અંતર્મુહૂર્ત્તવર્તી હોવાથી અસંખ્યેય સમય સ્થિતિક છે, ઈત્યાદિ પૂર્વવત્‌.
(૮) મરતું તે મર્યુ - મરતા એવા આયુઃકર્મને મર્યુ કહેવાય છે. આયુઃકર્મના પુદ્ગલોનો ક્ષય એ જ મરણ છે. તે અસંખ્યેય સમયવર્તી છે. જન્મના પ્રથમ સમયથી આરંભીને આવીચિકમરણથી પ્રતિક્ષણ મરણનો સદ્ભાવ હોવાથી ‘મરતું તે મર્યુ’ કહેવાય છે...
(૯) નિર્જરાતું તે નિર્જરાયુ - નિરંતર અપુનર્ભાવથી ક્ષય પામતું કર્મ નિર્જીર્ણ થયું કહેવાય. નિર્જરા અસંખ્યેય સમયભાવી હોવાથી તેના પ્રથમ સમયમાં જ નિર્જરતા કર્મને પટની ઉત્પત્તિના દૃષ્ટાંત વડે નિર્જર્યુ. એમ યુક્તિયુક્ત સમજવું. - X - X -
આ રીતે નવ પ્રશ્નો ગૌતમસ્વામીએ ભગવન્‌ મહાવીરને પૂછ્યા, ત્યારે ભગવંતે કહ્યું, તેમજ છે.
[શંકા] ગૌતમ ભગવંતને શા માટે પૂછે છે? તેઓ દ્વાદશાંગીના રચયિતા હોવાથી સકલ શ્રુતના વિષયના જ્ઞાતા છે, નિખીલ સંશયાતીત હોવાથી તેઓ સર્વજ્ઞ સદૃશ છે. - X - [સમાધાન] એમ નથી. ઉક્ત ગુણત્વ છતાં, તેઓને (૧) છદ્મસ્થતાને લઈને અનાભોગનો સંભવ છે. - X - કેમ કે જ્ઞાનને આવરક જ્ઞાનાવરણીય કર્મ છે. અથવા (૨) જાણવા છતાં પોતાના જ્ઞાનના સંવાદને માટે, (૩) અજ્ઞ લોકના બોધને માટે, (૪) પોતાના વચનમાં શિષ્યોની પ્રતીતિ ઉત્પન્ન કરવાને માટે, (૫) સૂત્ર રચનાના આચાર સંપાદન માટે પ્રશ્ન કરવા સંભવે છે. [આ પાંચે કારણે ગૌતમસ્વામીના પ્રશ્નો સંભવે છે.]
તેમાં હા, ગૌતમ! એ કોમળ આમંત્રણ છે. - X - ચલમાણે આદિના પ્રત્યુચ્ચારણમાં ચલત આદિથી સ્વ-અનુમતિ દર્શાવે છે. વૃદ્ધો કહે છે - ‘હંતા’ એ સ્વીકાર વચન છે, જે અનુમત છે, તે દેખાડવાને ‘ચાલતું-ચાલ્યું’ આદિ પ્રત્યુચ્ચારિત છે. - X - એ પ્રમાણે કર્મને આશ્રીને આ નવે પદો વર્તમાન અને ભૂતકાળના સમાનાધિકરણને જાણવાની ઈચ્છા વડે પૂછ્યા અને નિર્ણય કર્યો. આ જ ચલન આદિ પરસ્પરથી તુલ્યાર્થ છે કે ભિન્નાર્થ એવા પ્રશ્નો અને નિર્ણય બતાવવા કહે છે –

Linked texts (1)