Pramāṇa · Search · About · API

Viyahapannatti 246

Viyāhapannatti: ṭīkānusārī vivecana 246

Language
Gujarati

246

‘ભગવતી’ સૂત્ર-૧૫૩ થી ૧૫૫ :– [૩/૧/૧૫૩ થી ૧૫૫]
[૧૫૩] ભગવન્‌! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમર એવી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ એવી વિકુર્વણાવાળો છે, તો ભગવન્‌! અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવોની કેવી મોટી ઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા શક્તિ છે?
ગૌતમ! અસુરેન્દ્ર ચમરના સામાનિક દેવો મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે, તેઓ ત્યાં પોત-પોતાના ભવનો ઉપર-સામાનિકો ઉપર-પટ્ટરાણી ઉપર યાવત્‌ દિવ્ય ભોગોને ભોગવતા વિચરે છે. આવા ઋદ્ધિવાન્‌ છે યાવત્‌ તેમની વિકુર્વણા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન પોતાના હાથે યુવતીનો હાથ પકડે, જેમ ચક્રની નાભિ આરાયુક્ત હોય તેમ હે ગૌતમ! અસુરેન્દ્ર ચમરના એક એક સામાનિક દેવ વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈને યાવત્‌ બીજી વખત પણ વૈક્રિય સમુદ્ઘાત કરીને હે ગૌતમ! અસુરેન્દ્ર ચમરના એક એક સામાનિક ઘણાં અસુરકુમાર દેવ-દેવી વડે સંપૂર્ણ જંબૂદ્વીપને આકીર્ણ યાવત્‌ અવગાઢાવગાઢ કરવાને સમર્થ છે.
વળી હે ગૌતમ! - X - તે સામાનિક દેવ તિર્છા અસંખ્ય દ્વીપ-સમુદ્રોને ઘણાં અસુરકુમાર દેવ-દેવી વડે આકીર્ણ યાવત્‌ અવગાઢાવગાઢ કરવા સમર્થ છે. હે ગૌતમ! અસુરેન્દ્ર ચમરના એક એક સામાનિક દેવની આવા પ્રકારની શક્તિ-વિષય માત્ર કહ્યો છે, પણ સંપ્રાપ્તિથી વિકુર્વેલ નથી-વિકુર્વતા નથી - વિકુર્વશે નહીં.
ભગવન્‌! જો અસુરેન્દ્ર અસુરરાજ ચમરના સામાનિક દેવોની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલી વિકુર્વણ શક્તિ છે, તો અસુરેન્દ્ર ચમરના ત્રાયસ્ત્રિંશક દેવોની કેટલી મહાઋદ્ધિ છે? ત્રાયસ્ત્રિંશક દેવોને સામાનિક દેવો જેવો જાણવા. લોકપાલોને વિશે પણ એમ જ કહેવું. વિશેષ આ - તેઓમાં સંખ્યાત દ્વીપ સમુદ્રોને ઘણાં અસુરકુમાર દેવ-દેવી વડે આકીર્ણ યાવત્‌ વિકુર્વશે નહીં તેમ કહેવું.
ભગવન્‌! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરના લોકપાલો એવી મોટી ઋદ્ધિવાળા યાવત્‌ આટલી વિકુર્વણા કરવા સમર્થ છે, તો અસુરેન્દ્ર ચમરની અગ્રમહિષી દેવી કેટલી ઋદ્ધિવાળા અને વિકુર્વણા કરવા સમર્થ છે?
ગૌતમ! અસુરેન્દ્ર ચમરની અગ્રમહિષીઓ મહાઋદ્ધિ યાવત્‌ મહાનુભાગ છે તેઓ તેમના પોત-પોતાના ભવનો, ૧૦૦૦ સામાનિક દેવો, મહત્તરિકાઓ, પર્ષદાનું સ્વામીત્વ ભોગવે છે, તેમની આટલી મહાઋદ્ધિ છે, બાકી બધું લોકપાલો મુજબ જાણવું - X - X -
[૧૫૪] હે ભગવન્‌ ! એમ કહી દ્વિતીય ગૌતમ અગ્નિભૂતિ શ્રમણ ભગવન્‌ મહાવીરને વાંદી, નમી, જ્યાં ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર છે, ત્યાં આવે છે અને વાયુભૂતિને આ પ્રમાણે કહે છે – હે ગૌતમ! નિશ્ચિત છે કે અસુરેન્દ્ર અસુરરાજ ચમર આટલી મોટી ઋદ્ધિવાળો છે. ઈત્યાદિ બધું અગ્રમહિષી સુધીનું અણપૂછ્યે વૃત્તાંત રૂપે અહીં કહેવું.
ત્યારે તે વાયુભૂતિ અણગારને, અગ્નિભૂતિ અણગારે આ પ્રમાણે કહેલ-ભાખેલ-જણાવેલ-પ્રરૂપેલ વાતમાં શ્રદ્ધા-પ્રતિતિ-રુચિ થતી નથી. આ વાતની શ્રદ્ધા-પ્રતિતિ-રુચિ ન કરતા આસનેથી ઉઠીને ભગવંત મહાવીર પાસે આવે છે. યાવત્‌ પર્યુપાસના કરતા આ પ્રમાણે કહ્યું –
ભગવન્‌ ! અગ્નિભૂતિ અણગારે મને આ પ્રમાણે કહ્યું યાવત્‌ પ્રરૂપ્યું કે હે ગૌતમ! અસુરેન્દ્ર ચમર આટલી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ મહાનુભાવ છે, ત્યાં ૩૪ લાખ ભવનાવાસ ઉપર આધિપત્ય ભોગવે છે, ઈત્યાદિ બધું અગ્રમહિષીઓ પર્યન્તનું કહેવું. ભગવન્‌! તો એ તે પ્રમાણે કેવી રીતે છે?
હે ગૌતમ! એમ કહી શ્રમણ ભગવંત મહાવીર વાયુભૂતિ અણગારને આમ કહે છે – ગૌતમ! જેમ તને અગ્નિભૂતિ અણગારે આ કહ્યું યાવત્‌ પ્રરૂપ્યું, તો નિશ્ચે હે ગૌતમ! ચમરની મહાઋદ્ધિ યાવત્‌ અગ્રમહિષી પર્યન્તની વક્તવ્યતા સંમત્ત છે. એ સત્ય છે. હે ગૌતમ! હું પણ આમ જ કહું છું યાવત્‌ પ્રરૂપું છું કે હે ગૌતમ! ચમરની યાવત્‌ આટલી મહાઋદ્ધિ છે આદિ આખો આલાવો કહેવો યાવત્‌ અગ્રમહિષી. આ અર્થ સત્ય છે. હે ભગવન્‌! તે એમ જ છે, એમ જ છે. વાયુભૂતિ અણગાર શ્રમણ ભગવંત મહાવીરને વંદી-નમી અગ્નિભૂતિ અણગાર પાસે આવી, તેમને વંદન-નમસ્કાર કરી, ઉક્ત અર્થને માની, વિનયપૂર્વક તેમને વારંવાર ખમાવે છે.
[૧૫૫] પછી તે ત્રીજા ગૌતમ વાયુભૂતિ અણગાર, બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગાર સાથે શ્રમણ ભગવંત મહાવીર પાસે આવ્યા યાવત્‌ પર્યુપાસતા આમ કહ્યું – ભગવન્‌! જ્યારે અસુરેન્દ્ર અસુરરાજ ચમરની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલી વિકુર્વણા શક્તિ છે, તો વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલિ કેવી મોટી ઋદ્ધિવાળો યાવત્‌ કેટલી વિકુર્વણા શક્તિવાળો છે? ગૌતમ! વૈરોચનેન્દ્ર બલિ મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે. તે ૩૦ લાખ ભવનો, ૬૦ હજાર સામાનિકોનો અધિપતિ છે બાકી બધું ચમર માફક બલિનું જાણવું. વિશેષ આ - સાતિરેક જંબૂદ્વીપ કહેવો. બાકીનું સંપૂર્ણ ચમરવત્‌ જાણવું. ભવનો, સામાનિકોમાં ભેદ છે,
હે ભગવન્‌! તે એમ જ છે - એમ જ છે યાવત્‌ વાયુભૂતિ વિચરે છે.
ભગવન્‌ ! એમ કહી બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગારે શ્રમણ ભગવંત મહાવીરને વંદી-નમીને આ પ્રમાણે કહ્યું – ભગવન્‌! જો વૈરોચનેન્દ્ર, વૈરોચનરાજ બલિની આવી મહાઋદ્ધિ યાવત્‌ આટલું વિકુર્વણા સામર્થ્ય છે, તો નાગકુમારેન્દ્ર, નાગકુમારરાજ ધરણની કેવી મહાઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા સામર્થ્ય છે?
ગૌતમ! નાગેન્દ્ર ધરણની આવી મહાઋદ્ધિ યાવત્‌ તે ૪૪-લાખ ભવનાવાસો, ૬૦૦૦ સામાનિક દેવો, ૩૩-ત્રાયસ્ત્રિંશક દેવો, ૪-લોકપાલો, સપરિવાર છ અગ્રમહિષીઓ, ૩-પર્ષદા, ૭-સૈન્યો, ૭-સૈન્યાધિ-પતિઓ, ૨૪,૦૦૦ આત્મરક્ષક દેવો, બીજાનું આધિપત્ય કરતો યાવત્‌ વિચરે છે.
તેની વિકુર્વણા શક્તિ આટલી છે – જેમ કોઈ યુવાન યુવતીને યાવત્‌ સંપૂર્ણ જંબૂદ્વીપને યાવત્‌ તિર્છા સંખ્યાત દ્વીપસમુદ્રોને ઘણાં નાગકુમારો વડે યાવત્‌ તે વિકુર્વશે નહીં. સામાનિક, ત્રાયસ્ત્રિંશક, લોકપાલ, અગ્રમહિષીઓ વિશે ચમરવત્‌ કહેવું. ચમરની જેમ ધરણની આવી મહાઋદ્ધિ છે. વિશેષ આ - સંખ્યાત દ્વીપસમુદ્રો કહેવા. એ પ્રમાણે યાવત્‌ સ્તનિતકુમાર, વ્યંતર, જ્યોતિષ્કોને પણ જાણવા. વિશેષ આ – દક્ષિણના ઈન્દ્રો વિશે બધું અગ્નિભૂતિ પૂછે છે, ઉત્તરના ઈન્દ્રો વિશે બધું વાયુભૂતિ પૂછે છે.
ભગવન્‌! એમ કહી બીજા ગૌતમ અગ્નિભૂતિ અણગાર ભગવંત મહાવીરને વાંદી-નમીને આમ પૂછ્યું – ભગવન્‌! જો જ્યોતિષેન્દ્ર, જ્યોતિષ્કરાજની આવી મહાઋદ્ધિ છે યાવત્‌ આવી વિકુર્વણા શક્તિ છે, તો દેવેન્દ્ર દેવરાજની કેવી મહાઋદ્ધિ યાવત્‌ વિકુર્વણા સામર્થ્ય છે?
ગૌતમ! દેવેન્દ્ર શક્ર મહર્દ્ધિક યાવત્‌ મહાનુભાગ છે, તે ૩૨-લાખ વિમાન, ૮૪,૦૦૦ સામાનિક યાવત્‌ ૩,૩૬,૦૦૦ આત્મરક્ષક દેવ અને બીજાનું આધિપત્ય કરતો વિચરે છે આવી મહાઋદ્ધિ યાવત્‌ આવું વિકુર્વણા સામર્થ્ય છે. એ ચમર માફક કહેવું. વિશેષ આ – બે સંપૂર્ણ જંબૂદ્વીપને, બાકીનું પૂર્વવત્‌ જાણવું. ગૌતમ! આ દેવેન્દ્ર શક્રનો શક્તિ-વિષયમાત્ર છે. સંપ્રાપ્તિથી કદી તેણે તેમ વિકુર્વેલ નથી, વિકુર્વતો નથી, વિકુર્વશે નહીં.

Linked texts (1)