Viyahapannatti 254
Viyāhapannatti: ṭīkānusārī vivecana 254
- Language
- Gujarati
254
તે કાળે તે સમયે રાજગૃહી નામે નગરી હતી. [વર્ણન] યાવત્ સભા પર્યુપાસે છે. તે કાળે તે સમયે દેવેન્દ્ર દેવરાજ, શૂલપાણી, વૃષભ વાહન, ઉત્તરાર્ધ લોકાધિપતિ, ૨૮ લાખ વિમાનાવાસાધિપતિ, આકાશસમ વસ્ત્રધારી, માળા શૃંગારિત મુકટધારી, નવહેમ-સુંદર-વિચિત્ર-ચંચલ-કુંડલોથી ગાલોને ઝગમગાવતો, યાવત્ દશે દિશાઓને ઉદ્યોતિત, પ્રકાશિત કરતો ઈશાનેન્દ્ર, ઈશાનકલ્પમાં, ઈશાનાવતંસક વિમાનમાં ‘રાયપસેણીય’ ઉપાંગમાં કહ્યા મુજબ યાવત્ દિવ્ય દેવઋદ્ધિને યાવત્ જે દિશામાંથી પ્રગટ થયો, તે દિશામાં ચાલ્યો ગયો.
ભગવન્ ! એમ કહી, ગૌતમ સ્વામીએ ભગવંત મહાવીરને વંદી, નમી આ પ્રમાણે કહ્યું – ભગવન્ ! અહો આ દેવેન્દ્ર દેવરાજ ઈશાન મહાઋદ્ધિક છે. ભગવન્ ! તેની દિવ્ય દેવઋદ્ધિ ક્યાં ગઈ? ક્યાં પ્રવેશી? ગૌતમ! તે તેના શરીરમાં ગઈ, શરીરમાં પ્રવેશી. ભગવન્! એમ કેમ કહ્યું? - ગૌતમ! જેમ કોઈ કૂટાગાર શાળા, બંને બાજુથી લિપ્ત, ગુપ્ત, ગુપ્તદ્વાર, નિર્વાત, નિર્વાતગંભીર હોય૦ કૂટાગારશાલાનું દૃષ્ટાંત કહેવું.
ભગવન્! દેવેન્દ્ર દેવરાજ ઈશાને તે દિવ્ય-દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાગ કેવી રીતે - લબ્ધ, પ્રાપ્ત, અભિસન્મુખ કર્યો? તે પૂર્વભવે કોણ હતો? તેનું નામ, ગોત્ર શું હતાં? કયા ગામ, નગર, યાવત્ સંનિવેશનો હતો? તેણે શું સાંભળ્યું? શું આપ્યું? શું ખાધું? શું કર્યુ? શું આચર્યુ? કયા તથારૂપ શ્રમણ કે બ્રાહ્મણ પાસે એવું એક પણ આર્ય-ધાર્મિક-વચન સાંભળીને અવધાર્યુ? જેથી દેવેન્દ્ર, દેવરાજ ઈશાને તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્ સન્મુખ આણી?
ગૌતમ! તે કાળે, તે સમયે આ જંબૂદ્વીપના ભરતક્ષેત્રમાં તામ્રલિપ્તી નામે નગરી હતી. [વર્ણન] તે તામ્રલિપ્તી નગરીમાં તામલી નામે મૌર્યપુત્ર ગાથાપતિ હતો. જે આઢ્ય, દિપ્ત યાવત્ ઘણાં લોકોથી અપરિભૂત હતો.
ત્યારે તે તામલિ મૌર્ય પુત્રએ અન્ય કોઈ દિવસે મધરાતે કુટુંબ ચિંતાર્થે જાગરણ કરતા, તેને આવા પ્રકારે આધ્યાત્મિક યાવત્ સંકલ્પ થયો. મારા પૂર્વકૃત્, જૂનાં, સુચિર્ણ, સુપરિક્રાંત, શુભ, કલ્યાણરૂપ કૃત કર્મોનો કલ્યાણ-ફળ-વૃત્તિ વિશેષ છે, જેનાથી હું ઘણાં-હિરણ્ય, સુવર્ણ, ધન, ધાન્ય, પુત્ર, પશુથી વૃદ્ધિ પામ્યો છું. વિપુલ ધન-કનક-રત્ન-મણિ-મોતી-શંખ-શિલ-પ્રવાલ-રક્ત રત્ન-સારરૂપ ધનાદિ ઘણાં ઘણાં વધી રહ્યા છે તો શું હું પૂર્વકૃત્, સુચિર્ણ યાવત્ કૃત કર્મોના એકાંત સૌખ્યની ઉપેક્ષા કરતો રહું?
તો જ્યાં સુધી હું હિરણ્યથી વધુ છું યાવત્ ઘણું ઘણું વધે છે, જ્યાં સુધી મારા મિત્ર, જ્ઞાતિ, નિજક, સંબંધી, પરિજન મારો આદર કરે છે, સત્કાર-સન્માન કરે છે, મને કલ્યાણ-મંગલ-દેવરૂપ જાણી ચૈત્યની માફક વિનયથી સેવા કરે છે ત્યાં સુધીમાં મારે મારું શ્રેય કરવું. કાલે પ્રકાશવાળી રાત્રિ થયા બાદ યાવત્ સૂર્ય ઉગ્યા પછી, મારી મેળે કાષ્ઠપાત્ર લઈ, વિપુલ અશન-પાન-ખાદિમ-સ્વાદિમ તૈયાર કરાવી. મારા મિત્ર, જ્ઞાતિજન - X - આદિને આમંત્રીને તે મિત્ર, જ્ઞાતિજન આદિને વિપુલ અશનાદિ જમાડી, વસ્ત્ર-ગંધ-માળા-અલંકાર વડે સત્કારીને, સન્માનીને તે જ મિત્ર, જ્ઞાતિજન આદિની આગળ મારા મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્ર, જ્ઞાતિજન આદિ તથા મોટા પુત્રને પૂછીને મેળે જ કાષ્ઠપાત્ર ગ્રહણ કરી, મુંડિત થઈ ‘પ્રાણામા’ દીક્ષાએ દીક્ષિત થાઉં.
દીક્ષા લઈને હું આવો અભિગ્રહ સ્વીકારીશ કે – મને યાવજ્જીવ નિરંતર છઠ્ઠ-છઠ્ઠના તપોકર્મથી, ઊંચા હાથ રાખી, સૂર્ય અભિમુખ રહી આતાપના ભૂમિમાં આતાપના લેતો વિચારીશ. છઠ્ઠના પારણે આતાપના ભૂમિથી ઉતરી, આપમેળે કાષ્ઠ પાત્ર લઈ તામ્રલિપ્તી નગરીના ઉચ્ચ-નીચ-મધ્યમ કુળોમાં ગૃહસમાદાન ભિક્ષાચર્યાએ ફરીશ. શુદ્ધોદન ગ્રહણ કરી, તેને ૨૧-વખત પાણીથી ધોઈ, પછી આહાર કરીશ.
એ પ્રમાણે વિચારીને કાલે પ્રભાત થતાં યાવત્ સૂર્ય ઝળહળતો થયા પછી આપમેળે કાષ્ઠપાત્ર કરાવીને, વિપુલ અશનાદિ તૈયાર કરાવી પછી સ્નાન-બલિકર્મ-કૌતુક મંગલ પ્રાયશ્ચિત્ત કર્યા, પ્રવેશ યોગ્ય શુદ્ધ, મંગલ, ઉત્તમ વસ્ત્રો પહેર્યા. અલ્પ પણ મહામૂલ્ય આભરણથી શરીર અલંકૃત્ કર્યુ. ભોજન વેળાએ ભોજનમંડપમાં સારા આસને બેઠો.
ત્યારપછી મિત્ર, જ્ઞાતિજન આદિ સાથે તે વિપુલ અશન આદિ આસ્વાદતો, વિસ્વાદતો, પરસ્પર ખવડાવતો - ખાતો વિચરે છે તે જમ્યો, પછી કોગળા કર્યા, ચોક્ખો થયો, પરમ શુદ્ધ થયો. તે મિત્ર યાવત્ પરિજનને વિપુલ અશનાદિથી, પુષ્પ-વસ્ત્ર-ગંધ-માળા-અલંકારથી સત્કારાદિ કર્યા. તે મિત્ર, જ્ઞાતિ આદિ આગળ મોટા પુત્રને કુટુંબમાં સ્થાપીને, તે મિત્રાદિ અને મોટા પુત્રને પૂછીને, મુંડ થઈને ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા લીધી. લઈને આવો અભિગ્રહ કર્યો કે જાવજ્જીવ નિરંતર છઠ્ઠ-છઠ્ઠ તપ કરવો. બાહાઓ ઊંચી રાખી, સૂર્યાભિમુખ થઈ, આતાપના ભૂમિમાં આતાપના લેતા વિચરવું. છઠ્ઠના પારણે આતાપના ભૂમિથી ઉતરી, આપમેળે કાષ્ઠ પાત્ર લઈ, તામ્રલિપ્તીમાં ઉચ્ચ-નીચ-મધ્યમ કૂળોમાં ગૃહસમુદાન ભિક્ષાચર્યાથી ફરે છે. શુદ્ધ ઓદનને લે છે. ૨૧-વખત પાણીથી ધુએ છે. પછી તેનો આહાર કરે છે.
ભગવન્! તેને ‘પ્રાણામા’ પ્રવ્રજ્યા કેમ કહી? ગૌતમ! પ્રાણામા પ્રવ્રજ્યા લીધી હોય તે જેને જ્યાં જોવે તેને - ઈન્દ્ર, સ્કંદ, રુદ્ર, શિવ, વૈશ્રમણ, આર્યા કોટ્ટકિરિયા, રાજા યાવત્ સાર્થવાહને, કાગડો-કુતરો-ચાંડાલને, ઊંચાને જોઈને ઉચ્ચ અને નીચાને જોઈને નીચ પ્રણામ કરે છે. જેને જ્યાં જુએ તેને ત્યાં પ્રણામ કરે. તેથી પ્રાણામા પ્રવ્રજ્યા કહી.
Linked texts (1)
- Viyāhapannatti — Sudharman, Ardhamāgadhī Prakrit