Pramāṇa · Search · About · API

Viyahapannatti 255

Viyāhapannatti: ṭīkānusārī vivecana 255

Language
Gujarati

255

રાયપ્પસેણીય સૂત્રમાં સૂર્યાભદેવની વક્તવ્યતા મુજબ અહીં ઈશાનેન્દ્રની વક્તવ્યતા કહેવી. - X - X - સુધર્માસભામાં ઈશાન સિંહાસને બેસીને ૮૦,૦૦૦ સામાનિકો, ચાર લોકપાલો, સપરિવાર આઠ અગ્રમહિષી, સાત સૈન્યો, સાત સૈન્યાધિપતિ, ૩,૨૦,૦૦૦ આત્મ રક્ષક દેવો, બીજા ઘણાં દેવ-દેવીથી પરિવરેલ, મોટા અખંડ નાટકો આદિના શબ્દો વડે દિવ્ય ભોગોને ભોગવતો વિચરે છે.
જંબૂદ્વીપને અવધિજ્ઞાન વડે જોતા ઈશાનેન્દ્રે ભગવંતને રાજગૃહમાં જોયા. જોઈને સસંભ્ર માનસથી ઊભો થયો, ઉઠીને સાત-આઠ પગલાં તીર્થંકર અભિમુખ ગયો. પછી કપાળમાં કમળના ડોડાની જેમ હાથ જોડી ભગવંત મહાવીરને વાંદ્યા, વાંદીને અભિયોગિક દેવોને બોલાવ્યા. તેઓને કહ્યું કે –
હે દેવો! રાજગૃહ નગરે જઈને ભગવંતને વાંદો એક યોજન મંડલ ક્ષેત્ર સાફ કરો. કરીને મને જણાવો. તેઓએ પણ તેમ કર્યુ. પછી પદાતિસૈન્યના અધિપતિ દેવને બોલાવીને કહ્યું – ઓ! દેવોના પ્રિય! ઈશાનાવતંસક વિમાનમાં ઘંટ વગાડી ઘોષણા કરો કે – ઈશાનેન્દ્ર ભગવાન મહાવીરના વંદનાર્થે જાય છે. તો તમે જલદીથી મહાઋદ્ધિ સહ તેની પાસે આવો. ત્યારે અનેક દેવો કુતૂહલાદિથી તેની પાસે આવ્યા. તે દેવોથી પરિવૃત્ત લક્ષયોજન પ્રમાણ યાનવિમાને ઈશાનેન્દ્ર બેઠો. નંદીશ્વરદ્વીપે વિમાનને સંક્ષેપી રાજગૃહનગરે ગયો.
ત્યાં ભગવંતને ત્રણ પ્રદક્ષિણા કરી, વિમાનને જમીનથી ચાર આંગળ ઊંચુ રાખ્યુ. ભગવંત પાસે આવી ભગવંતને વાંદી, સેવવા લાગ્યા. પછી ધર્મ સાંભળીને કહ્યું – ભગવન્‌! તમે બધું જાણો છો, જુઓ છો, માત્ર ગૌતમાદિ મહર્ષીઓને દિવ્ય નાટ્યવિધિ દેખાડવા ઈચ્છું છું એમ કહીને દિવ્ય મંડપ વિકુર્વ્યો. તેની મધ્યે મણિપીઠિકા, સિંહાસન કર્યા. પછી ભગવંતને નમીને સિંહાસને બેઠો. પછી તેની જમણી ભૂજામાંથી ૧૦૮ દેવકુમારો અને ડાબીમાંથી ૧૦૮ દેવકુમારી નીકળી. પછી વિવિધ વાદ્ય, ગીતોના શબ્દથી જનમનને ખુશ કર્યુ. બત્રીશ પ્રકારની નાટ્યવિધિ દર્શાવી. અહીં યાવત્‌ શબ્દથી દિવ્ય દેવદ્યુતિ, દેવપ્રભાવને સંકેલી લે છે. ક્ષણમાં તે એકલો થઈ ગયો. પછી પરિવાર સહિત ઈશાનેન્દ્રએ ભગવંત મહાવીરને વાંદ્યા અને પાછો ગયો.
શિખર આકૃતિવાળું ઘર તે કૂટાગાર શાળા, તેનું દૃષ્ટાંત. ગૌતમે ભગવંતને પૂછ્યું – ઈશાનેન્દ્રની દિવ્ય દેવઋદ્ધિ ક્યાં ગઈ? ગૌતમ! તેના શરીરમાં ગઈ. કઈ રીતે? ગૌતમ! જેમ કૂટાગાર શાળા હોય. તેની પાસે મોટો જનસમૂહ હોય. તે ખૂબ વરસાદ ચડેલો જાણે જોઈને કૂટાગાર શાળામાં પ્રવેશી જાય, તેમ ઈશાનેન્દ્રની ઋદ્ધિ પ્રવેશી. ક્યા કારણથી? ખાન-પાન દઈને, અંત-પ્રાંતાદિ ખાઈને, તપ અને શુભધ્યાનાદિ કરીને, પડિલેહણાદિ આચરીને. - X - પુન્ય ઉપાર્જ્યુ. પૂર્વે કરેલા, તેથી જ જૂના, દાનાદિ સુઆચરણરૂપ, તપ વગેરેમાં પરાક્રમ કરીને, અર્થાવહ હોવાથી શુભ, અનર્થ ઉપશમન હેતુથી કલ્યાણરૂપ. આ જ વાતને કંઈક વિશેષથી કહે છે –
વિપુલ-ગણિમાદિ ધન, કર્કેતનાદિ રત્નો, ચંદ્રકાંતાદિ મણિ, પરવાળા અથવા રાજપટ્ટાદિરૂપ શિલા અને પ્રવાલ, રક્તરત્નાદિ માણેક એવા પ્રધાનદ્રવ્ય વડે. નવા શુભ કર્મો મેળવ્યા વિના જૂનાના નાશની દરકાર વિના. મિત્રો, નાતીલા, ગોત્રજ, મોસાળીયા કે સાસરીયા, નોકરચાકર, આદર કરે છે, સ્વામીરૂપે જાણે છે - જેમાં વારંવાર પ્રણામ કરવાનો હોય તે પ્રાણામા. દાળ-શાક સિવાય માત્ર ચોખા. તેને ૨૧-વાર ધોવા. - X - આપતો, ભોગવતો. જમીને ભોજનોત્તર કાળે, બેસવાના સ્થાને આવીને ચોક્ખા પાણીથી આચમન કર્યુ અને - X - ચોક્ખો થયો. પરમશૂચિભૂત થયો.
જેને જે દેશ-કાળે જુએ, તેને ત્યાં પ્રણામ કરવા. તેમાં યમ - ઈન્દ્રાદિ, ખંદ - કાર્તિકેય, રુદ્દ - મહાદેવ, સિવ - વ્યંતર વિશેષ, આકાર વિશેષ ધર કે રુદ્રજ, વેસમણ - ઉત્તરનો દિક્‌પાલ, અજ્જ - પ્રશાંતરૂપા ચંડિકા, ચંડિકા જેવી રૌદ્રરૂપા - મહિષાસુરનો નાશ કરનારી, રાજા-ઈશ્વર-તલવર-માડંબિક-શ્રેષ્ઠી. પાણ - ચાંડાલ, ઉચ્ચ - પૂજ્ય, અતિશયથી નમે છે. નીચ - અપૂજ્ય, સાધારણ પ્રણામ. ઉપસંહારાર્થે કહે છે – જે પુરુષ, પશુ આદિ પૂજ્યાપૂજ્યોને નમે છે.

Linked texts (1)