Pramāṇa · Search · About · API

Viyahapannatti 256

Viyāhapannatti: ṭīkānusārī vivecana 256

Language
Gujarati

256

ત્યારે તે તામલિ મૌર્યપુત્ર, તે ઉદાર, વિપુલ, પ્રદત્ત, પ્રગૃહિત બાલતપોકર્મથી શુષ્ક, રુક્ષ યાવત્‌ નાડી દેખા હોય તેવા થઈ ગયા ત્યારે તે તામલિ બાલતપસ્વીને અન્ય કોઈ દિવસે મધ્યરાત્રિએ અનિત્ય જાગરિકાથી જાગતા આવા પ્રકારનો આધ્યાત્મિક, ચિંતિત યાવત્‌ સંકલ્પ થયો. હું આ ઉદાર, વિપુલ યાવત્‌ ઉદગ્ર, ઉદાત્ત, ઉત્તમ, મહાનુભાગ તપોકર્મથી શુષ્ક, રૂક્ષ યાવત્‌ નસો દેખાતો થઈ ગયો છું. તો જ્યાં સુધી મને ઉત્થાન, કર્મ, બળ, વીર્ય, પુરુષાકાર પરાક્રમ છે, ત્યાં સુધીમાં મારું શ્રેય એ છે કે કાલે યાવત્‌ સૂર્ય ઉગે પછી તામ્રલિપ્તી નગરીમાં જઈ મેં દેખીને બોલાવેલા, પાખંડીઓ, ગૃહસ્થો, પૂર્વપરિચિત, પશ્ચાત્‌ પરિચિત, પર્યાસસંગતિને પૂછીને તામ્ર-લિપ્તીની મધ્યેથી નીકળીને પાદુકા કુંડિકાદિ ઉપકરણ, કાષ્ઠપાત્ર એકાંતમાં મૂકીને તામ્રલિપ્તી નગરીના ઈશાન-કોણમાં નિર્વર્તનિક મંડલને આલેખીને, સંલેખના તપમાં આત્માને જોડીને, ભોજન-પાનનો ત્યાગ કરી, વૃક્ષ માફક સ્થિર થઈ, કાળની આકાંક્ષા સિવાય વિચરવું. એમ વિચારી કાલે યાવત્‌ સૂર્ય ઉગ્યા પછી યાવત્‌ પૂછીને તામ્રલિપ્તીમાં એકાંતે જઈને યાવત્‌ આહાર પાણીનો ત્યાગ કરી, પાદપોપગમન સ્વીકાર્યુ.
તે કાળે બલિચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત હતી.
[૧૬૧] ત્યારે તે બલિચંચા રાજધાનીમાં રહેનારા ઘણાં અસુર કુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીને અવધિ વડે જોયો. પછી પરસ્પર બોલાવીને આ પ્રમાણે કહ્યું – હે દેવાનુપ્રિયો! બલિચંચા રાજધાની ઈન્દ્ર, પુરોહિત રહિત છે હે દેવાનુપ્રિયો! આપણે ઈન્દ્રાધીન અને ઈન્દ્રાધિષ્ઠિત છીએ. ઈન્દ્રના તાબે કાર્ય કરીએ છીએ. હે દેવાનુપ્રિયો! આ તામલી બાલતપસ્વી તામ્રલિપ્તી નગરી બહાર ઈશાનખૂણામાં નિર્વર્તનિક મંડલને આલેખીને સંલેહણા તપ સ્વીકારી, ભોજન-પાનને ત્યજી, પાદોપગમન અનશને રહ્યો છે. હે દેવાનુપ્રિયો! એ શ્રેય છે કે આપણે તામલિ બાલતપસ્વીને બલિચંચા રાજધાનીનો સ્થિતિ સંકલ્પ કરાવીએ–
એમ કરીને, પરસ્પર એકબીજા સંમત થઈને, બલીચંચાની ઠીક મધ્યેથી નીકળીને જ્યાં રુચકેન્દ્ર ઉત્પાત પર્વત છે ત્યાં આવીને વૈક્રિય સમુદ્ઘાત વડે સમવહત થઈ યાવત્‌ ઉત્તરવૈક્રિયરૂપોને વિકુર્વે છે. પછી ઉત્કૃષ્ટ, ત્વરિત, ચપળ, ચંડ, જયવતી, નિપુણ, સીંહ જેવી, શીઘ્ર, ઉદ્‌ભૂત અને દિવ્ય દેવગતિ વડે તિર્છા અસંખ્ય દ્વીપ સમુદ્રોની વચ્ચે જે જંબૂદ્વીપ દ્વીપ છે, ત્યાં આવીને, ભરતક્ષેત્રમાં જ્યાં તામ્રલિપ્તી નગરી છે, જ્યાં તામલિ મૌર્યપુત્ર છે, ત્યાં આવે છે.
ત્યાં આવીને તામલિ બાલતપસ્વીની ઉપર, બંને બાજુ, ચારે દિશાએ રહીને દિવ્ય-દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાવ, બત્રીશવિધ નાટ્યવિધિ દેખાડે છે. પછી તામલિ બાલતપસ્વીને ત્રણ વખત આદક્ષિણ-પ્રદક્ષિણા કરી, વંદી, નમી, આમ કહ્યું – હે દેવાનુપ્રિય! અમે બલિચંચા રાજધાનીમાં રહેતા ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ આપ દેવાનુપ્રિયને વંદન-નમસ્કાર યાવત્‌ પર્યુપાસના કરીએ છીએ.
હે દેવાનુપ્રિય! અમારી બલિચંચા રાજધાની હાલ ઈન્દ્ર, પુરોહિત રહિત છે. અમે બધા ઈન્દ્રાધીન, ઈન્દ્રાધિષ્ઠિત, ઈન્દ્રાધીનકાર્યા છીએ. દેવાનુપ્રિય! તમે બલિચંચા રાજધાનીનો આદર કરો, સ્વામિત્વ સ્વીકારો, મનમાં લાવી, તે સંબંધે નિદાન કરો, કે તમે કાળમાસે કાળ કરીને બલિચંચા રાજધાનીમાં [ઈન્દ્રરૂપે] ઉત્પન્ન થશો. ત્યારે તમે અમારા ઈન્દ્ર થશો. ત્યારે તમે અમારી સાથે દિવ્યભોગોને ભોગવતા વિચરશો.
ત્યારે તે તામલિ બાલતપસ્વીએ તે બલિચંચા રાજધાનીના રહીશો ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ આમ કહ્યું ત્યારે આ અર્થનો આદર ન કર્યો, સ્વીકારી નહીં, મૌન રહ્યો. ત્યારે તે બલિચંચાના રહિશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ તામલિ મૌર્યપુત્રને બે-ત્રણ વખત ત્રણ પ્રદક્ષિણા કરી યાવત્‌ હે દેવાનુપ્રિય! અમારી બલિચંચા ઈન્દ્રરહિત છે યાવત્‌ તમે તેના સ્વામી થાઓ. યાવત્‌ બે-ત્રણ વાર આમ કહેવા છતાં યાવત્‌ તામલિ મૌન રહ્યો.
ત્યારે તે બલિચંચાના ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓનો તામલિએ અનાદર કરતા, તેમની વાત ન સ્વીકારાતા જે દિશામાંથી આવ્યા હતા. ત્યાં પાછા ગયા.
[૧૬૨] તે કાળે, તે સમયે ઈશાનકલ્પ ઈન્દ્ર, પુરોહિતરહિત હતો. ત્યારે તે તામલિ બાલતપસ્વી પ્રતિપૂર્ણ ૬૦,૦૦૦ વર્ષનો પર્યાય પાળીને, દ્વિમાસિક સંલેખનાથી આત્માને જોડીને ૧૨૦ ભક્ત અનશન વડે છેદીને કાળમાસે કાળ કરી ઈશાન કલ્પે ઈશાનાવતંસક વિમાનમાં ઉપપાત સભામાં દેવશય્યામાં. દેવદૂષ્યથી આવરિત, અંગુલના અસંખ્ય ભાગ માત્ર અવગાહનાથી, ઈશાન દેવેન્દ્રના વિરહકાળ સમયે ઈશાન દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો. ત્યારે તે ઈશાન દેવેન્દ્ર દેવરાજ જે તુરંત જન્મેલ, તેણે પંચવિધ પર્યાપ્તિથી પર્યાપ્તિભાવપૂર્ણ કર્યો. તે આ – આહાર પર્યાપ્તિ યાવત્‌ ભાષામન પર્યાપ્તિ.
ત્યારે તે બલિચંચા રાજધાનીના રહીશો ઘણાં અસુર કુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીને કાલગત જાણી ઈશાન કલ્પે દેવેન્દ્રપણે ઉત્પન્ન થયો જોઈને ઘણાં ક્રોધિત-કુપિત-ચંડિક થઈ ગુસ્સામાં ધમધમતા બલિચંચા રાજધાનીની વચ્ચેથી નીકળીને ઉત્કૃષ્ટ યાવત્‌ ગતિથી ભરત ક્ષેત્રના તામ્રલિપ્તી નગરમાં તામલિ બાલ-તપસ્વીના શરીર પાસે આવ્યા. (તામલિના મૃતકને) ડાબે પગે દોરડી બાંધી. તેના મુખમાં ત્રણવાર થુંકી, તામ્ર-લિપ્તીના શૃંગાટક-ત્રિક-ચતુષ્ક-ચત્વર-મહાપથ-પથોમાં મુડદાને ઢસેડતા મોટા શબ્દથી ઉદ્ઘોષણા કરતા આ પ્રમાણે બોલ્યા-પોતાની મેળે તપસ્વીનો વેશ પહેરી, પ્રાણામા પ્રવ્રજ્યાથી પ્રવ્રજિત તે તામલિ બાલતપસ્વી કોણ? ઈશાન કલ્પે થયેલ દેવેન્દ્ર દેવરાજ ઈશાન કોણ? એમ કરી, તામલિના શરીરની હીલણા-નિંદા-ખિંસા-ગર્હા-અવમાનના-તર્જના-તાડના-પરિવધ-કદર્થના કરે છે. શરીરને આડું-અવળું ઢસડે છે. એ રીતે હીલના યાવત્‌ આકડવિકડ કરીને એકાંતમાં નાખી - X - ચાલ્યા ગયા.
[૧૬૩] ત્યારે તે ઈશાન કલ્પવાસી ઘણાં વૈમાનિક દેવો દેવીઓએ જોયું - બલિચંચાના રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ તામલિ બાલતપસ્વીના શરીરની હીલણા-નિંદા યાવત્‌ આકડવિકડ કરે છે. તે જોઈને ક્રોધિત થઈ યાવત્‌ ગુસ્સાથી ધમધમતા જ્યાં ઈશાનેન્દ્ર છે, ત્યાં જઈને બે હાથ જોડી, દશ નખ ભેગા કરી મસ્તકે અંજલિ જોડી, જય-વિજયથી વધાવી આમ કહ્યું –
હે દેવાનુપ્રિય! બલિચંચાના રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ આપ દેવાનુપ્રિયને કાલગત જાણીને, ઈશાન કલ્પે ઈન્દ્રપણે ઉત્પન્ન થયેલ જોઈને ક્રોધ પૂર્વક યાવત્‌ એકાંતમાં આપનું શરીર ફેંકીને - X - પાછા ગયા.
ત્યારે તે ઈશાનેન્દ્રએ તે ઈશાનકલ્પવાસી ઘણાં દેવ-દેવી પાસે આ અર્થ જાણી, અવધારી ક્રોધથી યાવત્‌ ધમધમતા તે ઉત્તમ દેવ શય્યામાં રહીને ભ્રુકુટીને ત્રણ વળ દઈ, ભવાં ચડાવી બલિચંચા સામે, નીચે, સપક્ષ, સપ્રતિદિશિ જોયું. ત્યારે તે બલિચંચાને ઈશાનેન્દ્રએ - X - આ રીતે જોતાં, તેમના દિવ્યપ્રભાવથી બલિચંચા અંગારા જેવી, આગના કણિયા જેવી, રાખ જેવી, તપ્ત વેણુકણ જેવી, તપીને લ્હાય જેવી થઈ ગઈ.
ત્યારે બલિચંચાના રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ બલિચંચા રાજધાનીને અંગારા જેવી યાવત્‌ લ્હાય જેવી તપેલી જોઈ, તેનાથી ભય પામ્યા-ત્રાસ્યા-ઉદ્વેગ પામ્યા-ભયભીત થઈ ચારે બાજુ દોડવા-ભાગવા-એકબીજાની સોડમાં ભરાવા લાગ્યા.
જ્યારે તે બલિચંચાના રહીશો - X - એ એમ જાણ્યું કે ઈશાનેન્દ્ર કોપેલ છે, ત્યારે તેઓ ઈશાનેન્દ્રની દિવ્ય-દેવઋદ્ધિ, દેવદ્યુતિ, દેવાનુભાગ, તેજોલેશ્યાને સહન ન કરતા બધાં સપક્ષ અને સપ્રતિદિશામાં રહીને, બે હાથ જોડી, દશ નખ ભેગા કરી, મસ્તકે આવર્ત્ત કરી, મસ્તકે અંજલિ જોડી, ઈશાનેન્દ્રને જય-વિજય વડે વધાવીને આ પ્રમાણે કહ્યું – અહો! આપ દેવાનુપ્રિયને દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ સામે આણેલી છે. આપ દેવાનુપ્રિયની તે દિવ્ય-દેવઋદ્ધિ યાવત્‌ લબ્ધ, પ્રાપ્ત અને સામે આણેલી છે (તે અમે જોઈ) અમે આપની ક્ષમા માંગીએ છીએ.
હે દેવાનુપ્રિય! અમને ક્ષમા કરો. આપ ક્ષમા કરવાને યોગ્ય છો. ફરીવાર અમે એમ નહીં કરીએ. એ રીતે સારી રીતે, વિનયપૂર્વક વારંવાર ખમાવે છે. બલિચંચા રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓએ પોતાના અપરાધ બદલ ઈશાનેન્દ્રની સમ્યક્‌ વિનયપૂર્વક વારંવાર ક્ષમા માંગી ત્યારે ઈશાનેન્દ્રે તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ તેજોલેશ્યાને સંહરી લીધી.
હે ગૌતમ! ત્યારથી તે બલિચંચા રહીશ ઘણાં અસુરકુમાર દેવ-દેવીઓ ઈશાનેન્દ્રનો આદર કરે છે યાવત્‌ પર્યુપાસે છે. દેવેન્દ્ર ઈશાનની આજ્ઞા-સેવા-આદેશ-નિર્દેશમાં રહે છે. એ રીતે હે ગૌતમ! દેવેન્દ્ર દેવરાજ ઈશાનની તે દિવ્ય દેવઋદ્ધિ યાવત્‌ મેળવેલી છે.
ભગવન્‌! ઈશાનેન્દ્રની કેટલો કાળ સ્થિતિ કહી છે? ગૌતમ! સાતિરેક બે સાગરોપમ. દેવેન્દ્ર ઈશાન તે દેવલોકથી આયુ ક્ષય થતાં યાવત્‌ ક્યાં જશે? ક્યાં ઉત્પન્ન થશે? ગૌતમ! મહાવિદેહ ક્ષેત્રમાં સિદ્ધ થશે યાવત્‌ સર્વે દુઃખોનો અંત કરશે.

Linked texts (1)