Pramāṇa · Search · About · API

Viyahapannatti 27

Viyāhapannatti: ṭīkānusārī vivecana 27

Language
Gujarati

27

વિવેચન :–૧૩ થી ૧૫
પુવ્વાહારિય - પૂર્વે જે સંગૃહિત કરેલા અથવા આહાર કરેલા પુદ્ગલો પરિણમ્યા? એટલે પૂર્વકાલે શરીર સાથે પરિણામને પામ્યા? એ પહેલો પ્રશ્ન છે - X - તથા આહારિય - પૂર્વકાલે સંગ્રહ કરેલા કે આહાર કરાયેલા અને વર્તમાનકાળમાં સંગ્રહ કરાતા કે આહાર કરાતા પુદ્ગલો પરિણમ્યા, એ બીજો પ્રશ્ન. જેનો ભૂતકાલે આહાર કર્યો નથી અને ભાવિકાળમાં આહાર કરાશે તે પુદ્ગલો પરિણમ્યા? એ ત્રીજો પ્રશ્ન. જે પુદ્ગલોનો આહાર કર્યો નથી અને જેનો આહાર કરાશે નહીં, તે પુદ્ગલો પરિણમ્યા તે ચોથો પ્રશ્ન.
અહીં જો કે ચાર પ્રશ્નો કહ્યા, તો પણ તે ૬૩ પ્રશ્નો સંભવે છે. કેમ કે પૂર્વમાં આહાર કરેલા, આહાર કરાતા, આહાર કરવાના, આહાર નહીં કરેલા - નહીં કરાતા - નહીં કરવાના એ પ્રમાણે છ પદો સૂચવ્યા છે. એ છ પદમાં એક-એક પદના આશ્રયથી છ, દ્વિકયોગે-૧૫, ત્રિકયોગે-૨૦, ચતુષ્ક યોગે-૧૫, પંચકયોગે-૬, ષડ્યોગે-૧ એમ સર્વે મળી કુલ-૬૩ પ્રશ્નો સંભવે છે.
તેનો ઉત્તર - હે ગૌતમ! આદિ. વિશેષ આ – (૧) પૂર્વે આહારેલ તે પૂર્વકાળે પરિણમ્યા, કેમ કે ગ્રહણ કર્યા પછી જ પરિણમે. (૨) જેનો આહાર કર્યો અને જેનો આહાર કરાય છે, તેઓ પરિણમ્યા અને પરિણમે છે કેમ કે આહાર કરેલાનો પરિણામ થાય અને આહાર કરાતાનો પરિણામ ચાલુ છે.
વૃત્તિકારે તો બીજા પ્રશ્નનો ઉત્તર આ રીતે જોયો છે, આહાર કરેલા અને આહાર કરવાના પુદ્ગલો પરિણમ્યા અને પરિણમશે. તેની તેઓ વ્યાખ્યા કરે છે – આહાર કરેલા અને કરાશે, તેમાં કેટલાંક પરિણમ્યા. પરિણત તે જ જાણવા જે શરીર સાથે સંબદ્ધ થયા. જે સંબદ્ધ થશે તે પરિણમશે.
(૩) જેનો આહાર થયો નથી અને થશે, તે પરિણમ્યા નથી કેમ કે અનાહૃતના સંબંધાભાવે પરિણામ-અભાવ છે. આહરશે તે પરિણમશે - X - (૪) ચોથામાં ભૂત કે ભાવિ આહરણ ક્રિયા અભાવે પરિણામનો અભાવ છે. આ જ પ્રમાણે પૂર્વે દર્શાવેલા ૬૩-વિકલ્પોના ઉત્તરસૂત્રો કહેવા.
શરીર સંબદ્ધ લક્ષણ પરિણામથી પુદ્ગલોનો ‘ચય’ આદિ થાય. તે માટે પ્રશ્નો છે. પરિણામ સૂત્ર સમાન જ ચયાદિ સૂત્રો છે. જેમકે જે રીતે પરિણમ્યા તે જ રીતે એકઠા થયા. - X - X - X - ચય પામ્યા એટલે શરીરમાં સમૂહને પામ્યા, ઉપચિતા - વારંવાર શરીરમાં પ્રદેશના સમીપ પણે એકઠા થયા. સ્વભાવથી અનુદિત પુદ્ગલો, ઉદયે આવેલા કર્મદલિકોમાં કરણ વિશેષથી નાંખીને વેદાય તે ઉદીરિત ઉદીરણાનું લક્ષણ આ છે - ‘કરણ વડે ખેંચીને ઉદયમાં લેવાય તે.’ વેદિત - સ્વકીય રસવિપાકથી દરેક સમયે અનુભવાતા અને નહીં સમાપ્ત થયેલા સમગ્ર રસવાળા પુદ્ગલો. નિર્જિર્ણા - પ્રતિસમય સંપૂર્ણપણે અશેષ વિપાક હાનિયુક્ત કર્મપુદ્ગલો.
ગાથા-પરિણતાદિ સંગ્રહ સૂત્ર ગાથા. વ્યાખ્યા ઉપર મુજબ. વિશેષ આ – પરિણત, ચિત, ઉપચિતાદિ દરેક પદમાં આહાર કરેલા, આહાર કરેલ અને કરાતા, આહાર ન કરેલ અને કરાનારા, આહાર ન કરેલ અને ન કરાનાર એ પ્રમાણે ચાર ભેદે પુદ્ગલો પ્રશ્ન અને ઉત્તર વિષયક છે. પુદ્ગલ અધિકારથી જ હવે ૧૮-સૂત્રો કહે છે –

Linked texts (1)