Pramāṇa · Search · About · API

Viyahapannatti 39

Viyāhapannatti: ṭīkānusārī vivecana 39

Language
Gujarati

39

વિવેચન :–૨૪
સૂત્ર સ્પષ્ટ છે. વિશેષ આ - અસંવૃત્ત - આશ્રવદ્વારને ન રોકનાર. અણગાર - જેને ઘર નથી તે, સાધુ. સિજ્ઝઈ - છેલ્લો ભવ મળવાથી સિદ્ધગમન યોગ્ય થાય છે. બુજ્ઝઈ - જ્યારે ઉત્પન્ન થયેલા કેવલજ્ઞાનથી સ્વપર પર્યાયસહિત સર્વે જીવાદિ પદાર્થને જાણે છે ત્યારે બોધ પામે છે, એમ કહેવાય. મુચ્ચઈ - ઉત્પન્ન કેવલજ્ઞાનવાળો જીવ પ્રતિસમય ભવોપગ્રાહી કર્મો વડે મૂકાતો ‘મુક્ત થાય છે.’ તેમ કહેવાય છે. દરેક સમયે જેમ જેમ કર્મપુદ્ગલોનો ક્ષય કરે છે તેમ તેમ શીતલ થતો પરિનિર્વાણ પામે છે. ચરમ ભવના અંત સમયે સમસ્ત કર્માંશોનો ક્ષય કરનારો તે સર્વ દુઃખોનો અંત કરે છે. એ પ્રશ્ન.
ઉત્તર સૂત્ર સરળ છે. વિશેષ આ - હમણાં કહેલ અર્થભાવ સમર્થ - બલવાન્‌ નથી. કેમ કે હવે કહેવાનાર દૂષણરૂપ મુદ્ગર પ્રહારથી તે જર્જરિત છે. એક ભવમાં એક જ વખત અન્તર્મુહૂત્ત કાળમાં જ આયુષ્યનો બંધ થાય છે, તેથી આયુવર્જિત એમ કહ્યું.
શિથિલબંધન - સ્પૃષ્ટતા, બદ્ધતા કે નિધત્તતા. તેનાથી બદ્ધ-આત્મપ્રદેશોમાં સંબંધિત. કેમ કે પૂર્વાવસ્થામાં અશુભત્તર પરિણામનો કથંચિત્‌ અભાવ છે. આ શિથિલ બંધન બદ્ધને અશુભ જ જાણવી. કેમ કે અસંવૃત્ત ભાવનો નિંદા પ્રસ્તાવ છે. તેને ગાઢતર બંધનથી બદ્ધ કે નિધત્ત કે નિકાચિત કરે છે. - X - કેમ કે અસંવૃત્તત્વ અશુભ યોગરૂપ હોવાથી અતિ ગાઢ પ્રકૃત્તિ બંધનો હેતુ છે. કહ્યું છે –
યોગથી પ્રકૃત્તિબંધ અને પ્રદેશબંધને કરે છે. વારંવાર અસંવૃત્તત્વથી તે પ્રકૃત્તિને તેવી કરે છે. હ્રસ્વકાલ સ્થિતિકને દીર્ઘ કાળ સ્થિતિક કરે છે. સ્થિતિ - એકઠા કરેલા કર્મોનું રહેવું. - X - કેમ કે અસંવૃતત્વ એ કષાયરૂપ હોવાથી સ્થિતિબંધનું કારણ છે. કહ્યું છે કે – કષાય વડે સ્થિતિબંધ અને રસબંધ કરે છે. - X - અનુભાવ - વિપાક, રસ વિશેષ. મંદાનુભાવ-હીનરસા-દુર્બલરસાને ગાઢ રસવાળી કરે છે, કેમ કે અસંવૃત્તત્વ કષાયરૂપ છે, જે અનુભાગબંધ હેતુ છે.
અલ્પ - થોડાં, પ્રદેશાગ્ર - કર્મ દલિક પરિણામ, જેના છે તેના તથા તેને બહુપ્રદેશાગ્ર કરે છે. કેમ કે યોગ પ્રદેશબંધનું કારણ છે અને અસંવૃત્તપણું એ યોગ છે. આયુષ્યકર્મને કદાચિત્‌ બાંધે અને કદાચિત્‌ ન બાંધે, કેમ કે જીવો આયુના ત્રીજા ભાગાદિ બાકી રહેતાં પરભવનું આયુ બાંધે છે. - X - બીજા સમયે બાંધતો નથી... અસાતા વેદનીય કર્મનો વારંવાર ઉપચય કરે છે.
[શંકા] અસાતા વેદનીય કર્મ સાત કર્મોમાં અંતર્ગત્‌ છે તો પછી તેનું પૃથક્‌ ગ્રહણ શા માટે?
[સમાધાન] અસંવૃત્ત અત્યંત દુઃખી થાય છે. આ પ્રમાણે પ્રતિપાદન વડે ભય ઉત્પન્ન થવાથી અસંવૃત્ત પણાનો પરિહારાર્થે અશાતા વેદનીયને જુદું ગ્રહણ કરવામાં દોષ નથી.
અણાઈ - અનાદિ અથવા અજ્ઞાતિ - જેમાં જ્ઞાતિ નથી અથવા ઋણાતીતમ્‌ - કરજજન્ય દુઃખ કરતાં પણ અધિક દુઃખવાળું અથવા અણ - પાપ, અતિશય પાપ. અવયગ્ગ - અણવદગ્ર, જેનો અંત નથી તે. અથવા અવનત-નજીક, જેનો અંત નજીક છે તે, તેનો નિષેધ કરવાથી અનવનત-જેનો અંત નજીક નથી તે. અથવા જેનું પરિણામ જ્ઞાત નથી, આવા પ્રકારનું સંસાર અરણ્ય હોવાથી - દીર્ઘકાળવાળું કે દીર્ઘ માર્ગવાળું. ચાતુરંત - દેવગતિ આદિ ભેદથી, અથવા પૂર્વાદિ દિશાના ભેદથી ચાર વિભાગવાળું. આવા સંસારમાં અસંવૃત્ત જીવ વારંવાર ભમે છે.
પૂર્વે અસંવૃત્તનું ફળ કહ્યું, હવે સંવૃત્તનું ફળ કહે છે. સંવૃત્ત અનગાર પ્રમત્ત અને અપ્રમત્ત સંયતાદિ, તે ચરમશરીરી કે અચરમશરીરી હોય છે. તેમાં જે સંવૃત્ત અનગાર ચરમશરીરી હોય તેની અપેક્ષાએ આ સૂત્ર જાણવું.
[શંકા] પરંપરાએ તો સૂત્રોક્ત અર્થ અસંવૃત્તને પણ ઘટે, કેમ કે શુક્લપાક્ષિકનો પણ મોક્ષ જરૂર થવાનો છે. એ રીતે સંવૃત્ત અને અસંવૃત્ત પરંપરાએ ફળથી અભેદ જ થાય.
[સમાધાન] સત્ય છે, પણ સંવૃત્તનું પારંપાર્ય ઉત્કૃષ્ટથી સાત, આઠ ભવ પ્રમાણ સમજવું, કેમ કે કહ્યું છે કે – ‘જઘન્યથી ચારિત્રની આરાધનાને આરાધી સાત, આઠ ભવથી સિદ્ધ થાય છે.’ અસંવૃત્તની પરંપરા ઉત્કૃષ્ટે અપાર્ધ પુદ્ગલ પરાવર્ત છે. કેમ કે અસંવૃત્તનું પારંપર્ય વિરાધનાના ફળરૂપ છે. વીઈવયઈ - ઉલ્લંઘન કરે છે. - - - ‘સંવૃત્ત હોવાથી અનગાર સિદ્ધ થાય છે.’ એમ કહ્યું.
હવે અસંવૃત્ત હોય તે વિશિષ્ટ ગુણરહિત થવાથી દેવ થાય કે નહીં? તે પ્રશ્ન–

Linked texts (1)